આવ રે કાગડા કઢી પીવા...
વેકેશનનો માહોલ છે, બહુ કામગરા લોકોની જેમ હવે ઓછા કામગરા લોકો પણ વેકેશનની વાતો કરે છે. શાળાના પ્રવાસો અને મામાના ઘરના વેકેશન સિવાયની વાતો થાય છે. મધ્યમવર્ગ જીવનને એન્જોય કરવા માંગે છે, ટિનની લઢણને અને રટણને તોડવાની તમન્ના ઊભી થઈ છે. આ એક સારી નિશાની છે. પ્રજા મોબાઈલ પાસેથી શીખી રહી છે. કોઈ એક ફંક્શનમાં ખામી જણાય તો મોબાઈલ સંપૂર્ણ સ્વીચ-ઑફ કરી નાંખી નવેસરથી ચાલું કરવાથી સારો ચાલે છે.
જો કે અહીં શેરીમાં વેકેશન એટલે સવાર-સાંજ બાળકોની મસ્તી, મઝાના ફુવારા ઊડતા હોય તેવું લાગે. જે લોકો જીવનને માણી શકતા નથી એમને એક છૂપો અભિશાપ હોય છે, એ લોકોને બીજા માણસની જીવન-ઊર્જા દેખાતી નથી. એમના માટે વેકેશનમાં હસતા રમતા બાળકોમાં પ્રગટતી અલૌકિક આનંદની છોળો જોવાની આવડત પણ નથી અને શક્તિ પણ.
રુટિનના ગુલામ બનેલા લોકોને ફૂલો એક કવિતા છે તેની ખબર નથી હોતી. વેકેશન એટલે પોતાને વિસ્તારવાની મનગમતી આરામપૂર્વકની સક્રિયતા. વેકેશન એટલે ઊંઘવું એમ નહીં. વેકેશન એટલે ઊંઘવામાં પણ આનંદ ઉમેરવાની જાગૃતિ. વાંચી વાંચીને થાકી જવાનું અને પછી વિચારતાં વિચારતાં ઊંઘી જવાનું. આવું વાંચવું અને ઊંઘવું બન્ને જ્ઞાનવર્ધક હોય છે. આવું વેકેશન જે પામે છે તે વેકેશન એન્જોય કરે છે. એ રવિવારનો જથ્થો નથી, એ રજાનું બંડલ નથી. બાળકોના વેકેશનમાં આપણું બાળપણ પાછું આવે છે.
હમણાં બાળકો સાથે ‘આવ રે કાગડા કઢી પીવા...’ રમ્યા ત્યારે બાળકોની ચંચળતા તો ખરી જ, પણ એમને જોયેલી ફિલ્મોની અસર કે પોગો-કાર્ટૂન ફિલ્મો અને અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની અણિયાળી જિજ્ઞાસા અને અલગ જ પ્રકારનું વર્તન માણ્યું. એમના મનમાં ઊઠતાં ગીતો સાંભળવા પડે. એ કાગડો ક્રો... આવે નહીં અને છતાં કાગડો આવે તેવી કાલ્પનિક ઘટનાથી જ રોમાંચિત થઈ જાય છે. ઢાંકણીમાં કઈ કઢી અને કેવી રીતે ભરાય એવા બાળકોના પ્રશ્ર્નો મને તો મૂંઝવી મારે. પણ ત્યાં તો કો’ક બહાદુરને ‘ચડ્ડી પહનકે ફૂલ ખીલા હૈં...’ ગીત યાદ આવી જાય એટલે બધાએ એની આગળ ચૂપ થઈ જવાનું. હું જ્યારે બાળકો સાથે આવી રીતે રમતો હોઉં છું ત્યારે ક્યારે ખોવાઈ જવાય છે અને ક્યાં જડી જવાય છે તેની કહાની અને અનુભૂતિ અનોખી હોય છે. આપણું બાળપણ પાછું મળતું હોય છે કે આંતરજાળ ખળીભળી ઊઠતી હોય છે. અમે સંસ્કૃતમાં ઇન્ટરનેટ માટે ‘અંતર્જાલં’ એવો પ્રયોગ કરીએ છીએ. દરેક ઉનાળામાં આની વત્તીઓછી મઝા આવતી હોય છે, પણ આ ઉનાળો એ રીતે અલગ પડી રહ્યો છે. થોડા નવા ભાડૂઆતો આવ્યા છે. તેમના બાળકોએ અમારા આખા એક ખૂણાને કૂણાં કૂણાં પાંદડાંથી ભર્યાભાદર્યા લાગતા વૃક્ષ જેવો બનાવી દીધો છે. આ વર્ષે અનેક પ્રવચનોમાં એક શબ્દ મને લાધ્યો છે, તે છે ‘રી-ઇન્વેન્ટીંગ’. કોઈ ઘટનાને ચેતનાના એક નવા એન્ગલથી અને તીવ્રતાથી સ્પર્શીએ ત્યારે આ રિ-ઇન્વેન્ટીંગ કોઈ મોટી સમાધિ કે કોઈ વ્યક્તિવિકાસ માટેની આંતરરાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લઈ રહ્યા હોઈએ એવો મનનો ઓડકાર આવે છે.
બધું બદલાઈ રહ્યું છે ત્યારે બધું જ રિ-ઇન્વેન્ટીંગ કરવા બેસવા જેવું છે. જૂની વ્યાખ્યાઓના સાફા ઉતારીને આપણા અસ્તિત્વને સમજવા માટે મથવાનો આ સમય છે. લતામંડપમાં ઊગેલા તાજા ફૂલ પાસે ઊભા રહીએ છીએ ત્યારે એના બે જન્મો વચ્ચેના વેકેશનની ભાષા ફૂટે છે. કો’ક ચકલીની ઉડાઉડથી દોરાતા અદૃશ્ય ચિત્રમાંથી જે નીતરે છે તે વેકેશનનો આનંદ છે. મિત્ર અને અભિનેતા મનોજ જોશી હમણાં એમના બાળપણના ઘરનું વર્ણન કરતા હતા. એ વર્ણનમાં એમના ભાવ એટલા ઘનિષ્ઠ હતા કે તમે નાનકડા ઘરના ખાટલાની કિનારને સ્પર્શ કરી શકો. પતરાના ઘરમાં રહેતા મજૂરને જેટલી ગરમી લાગે છે એથી વધારે ગરમી એસીમાંથી નીકળેલા માણસને આ પતરાનું ઘર જોઈને લાગે છે. વેકેશન એટલે એક લીલાછમ ઉનાળાને શોધવાની કવાયત.
બાળકો રાતે પોતપોતાના ઘેર જાય પછી હું હીંચકા પર બેસું છું, વર્ષોના સુકાઈને ભઠ્ઠ થઈ ગયેલા શબ્દો વીંટળાઈ વળે છે. ‘આવ રે કાગડા કઢી પીવા’વાળા ગીતનો ઢાળ કાળનો ઢાળ બની જાય છે, બાળકોની આંખોનો વિસ્મય ઉમેરાય છે, ચાંદનીનું અસ્તર લગાવેલો ઓટલો આળસ મરડીને આંખો ખોલે છે. બપોરના તડકાને ગાળી લઈએ, એના અજવાળામાં થોડો છાંયડો અને વેકેશન ઉમેરીએ ત્યારે જે બને તેને લોકો ચાંદની કહેતા હોય છે. ધીરે રહીને ચંદ્ર સામે જોઉં છું અને એને કહું છું, "આવ રે કાગડા, કઢી પીવા...
- ભાગ્યેશ જહા