બર્કીના ફાસોના ચર્ચમાં હુમલો, આફ્રિકા પણ આતંકની પકડમાં !

    ૧૦-મે-૨૦૧૯

 
 
શ્રીલંકાનાં ત્રણ ચર્ચમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલાની યાદો હજુ લોકોનાં મનમાં તાજી છે ત્યાં બર્કીના ફાસો નામના દુનિયાના બીજા એક દેશમાં ચર્ચ પર હુમલો થઈ ગયો. શ્રીલંકામાં ચર્ચમાં થયેલા હુમલાના કારણે ખ્રિસ્તી સમાજ સ્તબ્ધ છે, ત્યારે હવે વધુ એક દેશમાં ચર્ચ પર હુમલો થતાં ખ્રિસ્તી સમાજમાં ડર વધ્યો છે. બર્કીના ફાસોના સિલગાડજી નામના ગામમાં આવેલા ખ્રિસ્તીઓના પ્રોટેસ્ટંટ સંપ્રદાયના ચર્ચા પર રવિવારે સવારે આ હુમલો થયેલો. ચર્ચમાં રવિવારે સવારે ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા ભેગા થયેલા એ વખતે જ આતંકવાદીઓ ત્રાટક્યા ને એક પાદરી સહિત છ લોકોને ભાજીમૂળાની જેમ રહેંસી નાંખ્યા.
 
સવારની પ્રાર્થના માટે ખ્રિસ્તીઓ ચર્ચમાં ભેગા થયેલા ત્યારે જ એક ડઝન જેટલા આતંકવાદીઓ મોટર સાયકલો પર મશીનગનો લઈને ત્રાટક્યા હતા. આતંકવાદીઓએ પાદરીને ગોળી મારીને ઘાયલ કર્યો ને લોકોમાં ડર પેદા કર્યો. એ પછી તેમણે હાજર બધા લોકોને તાત્કાલિક જ ઇસ્લામ અંગિકાર કરીને મુસ્લિમ બની જવા કહ્યું. લોકોએ ઇન્કાર કર્યો તો આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરવા માંડ્યો. ડરના માર્યા લોકો ભાગવા માંડ્યા પણ પાંચેક લોકો આતંકવાદીઓના હાથમાં ઝડપાઈ ગયા. આતંકવાદીઓએ તેમને ગોળી મારીને ઘાયલ કર્યા ને પછી તેમનાં ડોકાં ઉડાવી દીધાં.
 
આતંકવાદીઓએ લોકોનાં ડોકાં કાપી નાખ્યાં
 
સામાન્ય રીતે આતંકવાદીઓ મશીનગનોથી હત્યા કરતા હોય છે કે બ્લાસ્ટ કરીને લોકોને મારી નાંખતા હોય છે. આ ઘટનામાં આતંકવાદીઓએ લોકોનાં ડોકાં કાપી નાંખીને તેમની હત્યા કરી. આતંકવાદીઓએ આ રીતે લોકોની હત્યા કરીને ડર તો પેદા કર્યો જ પણ પોતાની પાશવી માનસિકતા પણ છતી કરી. બુર્કીના ફાસોમાં ત્રણ દિવસમાં જ આ બીજો મોટો હુમલો થયો. આ હુમલા પહેલાં આતંકવાદીઓએ એક સ્કૂલ પર ત્રાટકીને અંધાધૂંધ ગોળીબાર કરીને પાંચ શિક્ષકોની હત્યા કરી નાંખી હતી. આ બંને હુમલાની જવાબદારી કોઈ ચોક્કસ આતંકવાદી સંગઠને નથી લીધી પણ આ બંને હુમલા મુસ્લિમ આતંકવાદી સંગઠનોએ કરાવ્યાં હોવાનું મનાય છે.
 
બર્કીના ફાસોના હુમલા માટે મુસ્લિમ આતંકવાદીઓને જવાબદાર ગણાવાય છે તેનું કારણ બર્કીના ફાસોમાં ઇસ્લામનું શાસન સ્થાપવાના ઉધામા છે. બર્કીના ફાસો પશ્ર્ચિમ એશિયામાં આવેલો દેશ છે અને દુનિયાના સૌથી ગરીબ દેશોમાં એક છે. પહેલાં આ દેશ અપર વોલ્ટા તરીકે ઓળખાતો ને એક સમયે ફ્રાન્સનું આ દેશ પર રાજ હતું. ૧૯૮૪માં તેનું નામ બદલીને બર્કીના ફાસો કરાયું. બર્કીના ફાસોમાં મોટા ભાગની વસતી આદિવાસીઓની છે અને છૂટીછવાયી છે.
 
લગભગ ૬૦ ટકા લોકો મુસ્લિમ
 
બર્કીના ફાસોમાં મુસ્લિમોની બહુમતી છે અને લગભગ ૬૦ ટકા લોકો મુસ્લિમ છે. બાકી રહેલા લોકોમાં ૨૫ ટકાની આસપાસ ખ્રિસ્તી છે જ્યારે ૧૫ ટકા લોકો પરંપરાગત રીતે પળાતા ધર્મ પાળે છે. આ બધા ધર્મોનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી ને દુનિયાના દરેક દેશમાં આ રીતે વરસોથી ચાલી આવતી શ્રદ્ધાની પરંપરાને અનુસરનારા લોકો મોટા પ્રમાણમાં હોય જ છે. મુસ્લિમોમાં પણ મોટા ભાગના લોકો સુન્ની મુસ્લિમો છે અને પહેલાં તિજ્જાનિયાહ સૂફી પરંપરાને અનુસરતા હતા. વિશ્ર્વમાં આરબ દેશોની કટ્ટરવાદી મુસ્લિમ વિચારધારાનો પ્રભાવ વધ્યો તેની અસર આફ્રિકાના મોટા ભાગના દેશોમાં વર્તાઈ છે.
 
આરબ દેશો પાસે પુષ્કળ પૈસો છે અને ખૂટે નહીં એટલી સંપત્તિ છે. તેનો ઉપયોગ આ દેશો કટ્ટરવાદનો પ્રસાર કરવા માટે કરે છે. આફ્રિકાના મોટા ભાગના દેશો દારુણ ગરીબીમાં જીવે છે. આ દેશોમાં ઉદ્યોગો નથી કે ખેતી એવી સમૃદ્ધ નથી. તેના કારણે રોજગારી પણ નથી તેથી તેમણે બીજા દેશોની મહેરબાની પર જીવવું પડે છે. આરબ દેશો તેનો ફાયદો ઉઠાવીને સ્થાનિક લોકોને મદદ કરે છે ને મોટા પાયે ધર્માંતરણ કરાવીને ઇસ્લામનો પ્રસાર કરે છે. કટ્ટરવાદીઓનો અંતિમ ઉદ્દેશ તો દરેક દેશમાં બધાં લોકોને મુસ્લિમ બનાવીને ઇસ્લામનું શાસન સ્થાપવાનો જ છે ને એ માટે આતંકવાદ અપનાવવો પડે તો તેમાં પણ તેમને વાંધો નથી. બર્કીના ફાસોમાં પણ એ જ કરાઈ રહ્યું છે ને તેના કારણે ભારે સંઘર્ષ થઈ રહ્યો છે. કટ્ટરવાદી મુસ્લિમ આતંકવાદીઓ અન્ય ધર્મના લોકોમાં ડર પેદા કરવા ને તેમને ડરાવીને મુસ્લિમ બનાવવા હુમલા કરે છે. બર્કીના ફાસોમાં ઇસ્લામ સિવાય બીજો મોટો ધર્મ ખ્રિસ્તી છે તેથી એ લોકો જ કટ્ટરવાદીઓનું ટાર્ગેટ બને છે.
 
બર્કીના ફાસોમાં આતંકવાદ છેલ્લાં ચારેક વર્ષથી વધ્યો છે. અલ કાયદાએ ૨૦૧૬માં બર્કીના ફાસોની રાજધાની ઔગાડાઉગુના એક મોલમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો ને ઘણા લોકોને બાનમાં લીધાં હતાં. એ વખતે સાત આતંકીઓને ઠાર કરીને લોકોને મુક્ત કરાવાયા હતા પણ એ પછી સતત આતંકવાદી હુમલા વધ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૦૦ જેટલા આતંકી હુમલા થયા છે. અલ કાયદા સાથે સંકળાયેલા મનાતાં અંસા‚લ ઇસ્લામ, ધ સપોર્ટ ગ્રુપ ઓફ ઇસ્લામ એન્ડ મુસ્લિમ્સ તથા ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ગ્રેટર સહારા જેવાં સંગઠનો આ હુમલા કરાવે છે.
 
બર્કીના ફાસોમાં કટ્ટરવાદીઓનો પ્રભાવ વધ્યો તેનું કારણ તેની આસપાસના દેશો પણ છે. બર્કીના ફાસો ચોતરફથી એવા દેશોથી ઘેરાયેલો છે કે જ્યાં કટ્ટરવાદીઓનો પ્રભાવ વધતો જાય છે. બર્કીના ફાસોની સરહદ માલી, નાઈજર, બેનિન, ટોગો, ઘાના અને આઈવરી કોસ્ટ એમ છ દેશ સાથે જોડાયેલી છે. આ પૈકી આઈવરી કોસ્ટ એક માત્ર એવો દેશ છે કે જ્યાં ફ્રેન્ચ કલ્ચરનો પ્રભાવ વધારે છે. આ સિવાયના તમામ દેશો ગરીબીમાં સબડે છે અને તેના કારણે કટ્ટરવાદનો પ્રભાવ બહુ છે. આ દેશોનાં આતંકવાદી સંગઠનો પણ બર્કીના ફાસોમાં આતંકવાદ ફેલાવે છે અને ખ્રિસ્તીઓને નિશાન બનાવે છે, કેમ કે આ દેશોમાં પણ ઇસ્લામ પછી નોંધપાત્ર વસતી ખ્રિસ્તીઓની છે.
 
શ્રીલંકાના હુમલા પછી વિશ્ર્વભરમાં એક ચર્ચા શરૂ થઈ છે કે, ભવિષ્યમાં ફરી મુસ્લિમ વિરુદ્ધ ખ્રિસ્તીઓનો જંગ શરૂ થઈ જશે કે શું ? બર્કીના ફાસોના હુમલા પછી આ ચર્ચા વેગ પકડશે તેમાં શંકા નથી પણ આ ચર્ચા ખરેખર તો અસ્થાને છે. વિશ્ર્વમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે વરસો લગી જંગ ખેલાયો હતો પણ હવે એ માહોલ નથી. વિશ્ર્વમાં અત્યારે આર્થિક હિતો મહત્ત્વનાં છે ને વાસ્તવમાં આતંકવાદની આડમાં પણ ખેલ તો આર્થિક હિતોનો જ છે. આ હિતો સધાય પછી ધર્મ બાજુ પર રહી જતો હોય છે એ જોતાં મુસ્લિમ વર્સીસ ખ્રિસ્તી જંગ થશે તેમ માનવાને કોઈ ઠોસ કારણ મળતું નથી.