૩૦ મેથી શરૂ થનારા વર્લ્ડ કપમાં એક ઇનિગ્સમાં ૫૦૦ રન થાય તેવા સંકેત મળી રહ્યા છે

    ૧૭-મે-૨૦૧૯

 

2015ના વિશ્વ કપ બાદ 128 મેચમાં 300થી વધુના સ્કોર નોંધાયા છે

 
આગામી બે મહીના ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડમાં આગામી ૩૦ મેથી શરૂ થનાર ક્રિકેટ વર્લ્ડ કપ બેટ્સમેનો માટે શાનદાર અને બોલર્સ આટે કપરો રહેશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કે હાલ ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વન-ડે સીરીઝ રમાઈ રહી છે. અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે છે અને ત્રણેય મેચનો બન્ને ઇનિગ્સનો સ્કોર ૩૦૦+ થયો છે.
 
ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામેની ત્રીજી વન ડેમાં 3પ9 રનનું લક્ષ્ય 31 બોલ બાકી રાખીને ચાર વિકેટ જ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ઇંગ્લેન્ડનું આ મેચ પછી માનવું હતુ કે ૪૦૦ રનનો ટાર્ગેટ હોત તો પણ ઇંગ્લેન્ડ આ ટાર્ગેટ મેળવી લેત. વન ડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડની આ બીજી સૌથી મોટી જીત છે. આશ્ચર્યની વાત એ છે કે 3પ0 પ્લસનો સ્કોર ઇંગ્લેન્ડની ટીમે કોઇ પણ સ્ટ્રગલ કાર્યા વિના પાર કરી લીધો હતો.
 

 
 
ઉલ્લેખનીય વાત એ છે કે બીજી વન-ડેમાં પણ ઇંગ્લેન્ડે પહેલા બેટિગ કરી ૫૦ ઓવરમાં ૩૭૩ રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા પકિસ્તાનની ટીમે પણ ૩૬૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાન આ મેચ માત્ર ૧૨ રનથી જ હાર્યુ. એક મેચમાં અહી ૭૩૪ રન થયા. હવે આગામી વર્લ્ડ કપ પણ ઇંગ્લેન્ડમાં જ યોજાયો છે. અહીંની પીચ કેવી છે તે આ મેચ દ્વારા ખબર પડી રહી છે. આથી હવે એવી અટકળો થઈ રહી છે કે આગામી વિશ્વ કપમાં ઇંગ્લેન્ડની પિચો પર 300 પ્લસનો સ્કોર પણ પૂરતો ગણાશે નહીં.
 

વર્લ્ડ કપમાં સુરક્ષિત સ્કોર કેટલો? ૪૦૦-૫૦૦?!

 
હવે સવાલ એ થઈ રહ્યો છે કે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં સુરક્ષિત સ્કોર કર્યો ગણાશે. પાછલા વર્લ્ડ કપ બાદ ઇંગ્લેન્ડમાં પ6 વન ડે મેચ રમાયા છે. જેમાં 18 વખત 300 પ્લસ સ્કોર નોંધાયો છે. 201પના વર્લ્ડ કપ બાદ વન ડે ઇન્ટરનેશનલમાં કોઇ ટીમ તરફથી બનેલ સર્વાધિક રનનો રેકોર્ડ બે વખત તૂટયો છે. મહત્વની વાત એ છે કે ઇંગ્લેન્ડમાં ૩૦૦ કરતા વધુ રન થાય તેવી મેચનું પ્રમાણ વધ્યું છે. ૧૯૭૧ થી લઈને ૨૦૧૫ સુધીમાં ઇંગ્લેન્ડમાં માત્ર ૨૧ વખત જ ૩૦૦થી વધુનો સ્કોર નોંઘાયો હતો જ્યારે ૨૦૧૫ થી અત્યાર સુધીમાં અહીં ૨૯ વખત ૩૦૦ કરતા વધુનો સ્કોર નોંઘાયો છે. કહેવાનો મતલબ એ છે કે ઇંગ્લેન્ડની પીચ હવે બેટિંગ ફ્રેન્ડલી થઈ ગઈ છે. માટે આગામી વર્લ્ડ કપ ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચક રહેવાનો છે.