સિકંદરને એક ફક્કડ સંન્યાસીએ ભારતની સંસ્કૃતિ સાથે પ્રથમ પરિયય કરાવ્યો

    ૧૮-મે-૨૦૧૯

 
વિશ્ર્વવિજયયાત્રા પર નીકળેલી સિકંદરની સેના પર્શિયા જીત્યા બાદ ભારતના ઉત્તર-પશ્ર્ચિમ વિસ્તારમાં આવી પહોંચી. ભારતની સરહદોમાં પ્રવેશ કરતાં જ સિકંદરની નજર એક વિશાળ ચટ્ટાન પર સૂઈ રહેલા ફક્કડ સંન્યાસી પર પડી. સિકંદરની સેના વિજયના જયકારા સાથે આગળ વધી રહી રહી. પેલા સાધુ વિશ્રામ અવસ્થામાં જ આ બધું જોઈ રહ્યા હતા. આટલું મોટું સૈન્ય કોઈની બાજુમાંથી પસાર થાય અને તે સહેજ પણ વિચલિત ન થાય ? સિકંદરને થોડું વિચિત્ર લાગ્યું. તેણે સાધુને પૂછ્યું, ‘ભાઈ, તને ખબર છે હું કોણ છું, હું સિકંદર. તને મારા અને મારા સૈન્યથી ડર નથી લાગતો ?’
 
સાધુએ જવાબ આપ્યો. જાણું છું ભાઈ, તું વિશ્ર્વવિજય માટે નીકળેલ સિકંદર છું. વિશ્ર્વની તમામ ધન સંપદાને પોતાની બનાવી લેવાની તારી મહેચ્છા છે, પરંતુ હું તારાથી શું કામ ડરું ? મારી પાસે તો મારા શરીર અને આત્મા સિવાય કાંઈ છે જ નહીં, કે જેને તું લૂંટી શકે. તો પછી તારાથી શું કામ ડરું ? પણ મારા એક પ્રશ્ર્નનો જવાબ આપીશ ? તું આટલા બધા લોકોની કતલ કરે છે, આટલી બધી ધનસંપત્તિ લૂંટે છે. શું કામ ? સિકંદરે જવાબ આપ્યો એ ધનદોલતથી હું મારું સમગ્ર જીવન સુખ-સુવિધામાં અને શાંતિથી વ્યતીત કરીશ. આ સાંભળી સાધુએ કહ્યું, પણ હું તો કોઈને પણ હાનિ પહોંચાડ્યા વિના, ધન-વૈભવ વગર જ શાંતિથી જીવી રહ્યો છું. આટલું કહી પેલા ફક્કડ સંન્યાસીએ પડખું ફેરવી લીધું અને શાંતિ મુદ્રામાં આંખો બંધ કરી લીધી. સિકંદર સાવ અવાક જ બની ગયો. એ ઘટના ભારતની સંસ્કૃતિ સાથે તેનો પ્રથમ પરિયય હતો.