‘હાસ્ય’ વિશે.... હાસ્યની વિવિધ વિભાવના, ગંભીરતા અને જીવનમાં તેની જરૂરિયાત વિશે છણાવટ

    ૦૨-મે-૨૦૧૯

 
 
‘ગંભીરતા’ અને ‘વિનોદ’ જીવનના સિક્કાની બે બાજુ છે. ગાંધીજીએ કહ્યું છે કે, ‘વિનોદ વગરનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનો વિનોદ અર્થહીન છે.’
 
આપણે ત્યાં ગાંભીર્યનો એટલો બધો મહિમા થયો છે કે હસવું બહુ સારી ચીજ ગણાતી નથી. આજે નારીજાગૃતિના યુગમાં મહિલાઓ વાંધો ઉઠાવે એવો એક માપદંડ સ્ત્રીઓ વિશે દલપતરામે આપ્યો છે. આદર્શ નારી વિશે એક કાવ્યમાં દલપતરામ કહે છે કે હસતી વખતે જે સ્ત્રીના દાંત ન દેખાય એવી સ્ત્રી આદર્શ સ્ત્રી ગણાય !
 
આવી નરી ગંભીરતા વિશે રજનીશજીનું વિવેચન ઘણું કડક છે. ઓશો કહે છે : ‘હાસ્ય ધાર્મિકતાનું મૂળતત્ત્વ છે. નરી ગંભીરતા કદી ધાર્મિકતા ન હોઈ શકે. નરી ગંભીરતા અહમ્માંથી જન્મે છે. એટલે જ નરી ગંભીરતા એક રોગ છે એમ સમજો. હાસ્ય એ અહમ્મુક્તિ છે. સાચી ધાર્મિકતા જીવનનો ઉલ્લાસ છે - નરી ગંભીરતાને વરેલો મનુષ્ય અપંગ છે. નરી ગંભીરતા જીવનના આનંદ આડેની કાંટાળી વાડ બની રહે છે. નર્યો ગંભીર મનુષ્ય નૃત્ય કરી શકતો નથી, એ ગાઈ શકતો નથી, એ જીવનનો ઉલ્લાસ માણી શકતો નથી. નરી ગંભીરતાવાળું જીવન રણ જેવું વેરાન બની જાય છે !’
 
અતિગંભીરતા જ સાચી ધાર્મિકતા છે એવું સમીકરણ આપણે રચી દીધું છે, પણ અતિગંભીરતા અંગે ઓશો કહે છે, ‘અતિગંભીરતા ધાર્મિકતા નથી, ધાર્મિકતાનો ઢોંગ છે. સાચો ધાર્મિક મનુષ્ય નિર્ભાર હોય છે, તદ્દન હળવો હોય છે.’
 
સાચુકલું હાસ્ય બાળકના હાસ્ય જેવું નિર્દોષ અને પવિત્ર હોય છે. સાચું હાસ્ય કોઈને દૂભવતું નથી. સાચું હાસ્ય સૌને આનંદ આપે છે. એટલે જ ઓશો હાસ્યને ધર્મનું મૂળતત્ત્વ કહે છે. આવું હાસ્ય કાં તો પોતાના પર હોય છે અથવા સમગ્ર માનવજાતની વિસંગતિઓ અને વિચિત્રતાઓ પર હોય છે. કોઈ જ્યારે પોતાના પર હસીને બીજાંઓને હસાવે છે ત્યારે એવું હાસ્ય devine humour’ છે એમ ગાંધીજી કહે છે.
 
મેં અગાઉ કહ્યું કે સાચકલું હાસ્ય બાળકના હાસ્ય જેવું નિર્દોષ અને પવિત્ર હોય છે; એટલે જ, આપણું મન જેટલું વધુ નિર્દોષ, જેટલું વધુ શુદ્ધ એટલું આપણું હાસ્ય સાચકલું ! આપણો આત્મા આનંદસ્વરૂપ છે. શ્રીમદ્ શંકરાચાર્યે કહ્યું છે : ‘ચિદાનંદ ‚પો શિવોમ્ ! શિવોમ્ ! નરસિંહ મહેતાએ પણ કહ્યું છે : સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ! પણ આપણા આત્માના આનંદસ્વરૂપ પર રાગદ્વેષ, અહંકાર, ચિંતા, ભય, ગુસ્સો વગેરેનાં પડનાં પડ ચડતાં જાય છે. એટલે આત્માનું આનંદસ્વરૂપ ઢંકાઈ જાય છે. રાગદ્વેષ અને અહંકાર નિર્મળ હાસ્યનાં સૌથી મોટા શત્રુ છે.’
 
અહંકારથી ભરેલું ચિત્ત નિર્મળ હાસ્યનો અનુભવ કરી શકતું નથી. રહીમનો દોહો છે :
 
આપ હૈ તો હરિ નહીં,
હરિ હૈ તો નહીં આપ,
‘રહીમન’ ગલી હૈ સાંકરી,
દોનું નહીં સમાય !
એ જ રીતે કહી શકાય :
આપ હૈ તો હંસી નહીં,
હંસી હૈ તો નહીં આપ -
મન કી ગલી હૈ સાંકરી
દોનું નહીં સમાય.
 
હાસ્ય પ્રભુની વિભૂતિ છે. એટલે જ અહંકાર છે તો હાસ્ય નથી ને હાસ્ય છે તો અહંકાર નથી. ઓશો કહે છે : ‘હાસ્ય એ અહમ્મુક્તિ છે.’
 
શ્રી અરવિંદે કહ્યું છે : ‘હાસ્ય જીવનનું લૂણ છે.’ હિંદીમાં કહેવત જેવી એક પંક્તિ છે. ‘લવણ બિન ખાના, કનૈયા બિન ગાના.’ જેમ મીઠા વગરનું ભોજન ફિક્કું લાગે છે તેમ કૃષ્ણ વગરનું ગીત ફિક્કું લાગે છે. હાસ્ય જીવનનું નમક છે. હાસ્ય વગરનું જીવન ફિક્કું લાગે છે. શ્રી અરવિંદે આગળ કહ્યું છે. ‘હાસ્ય વગરનું જીવન અસમતોલ બની જાય છે !’ દુ:ખના ભારથી નમી ગયેલા જીવનના ત્રાજવાને હાસ્ય જ સમતોલ બનાવી શકે છે.’
 
ઉમાશંકર જોશીનું એક મુક્તક છે :
 
અમે સૌ જાણીએ
ખાસ્સું કે મનુષ્ય અમે નથી
છતાં સૌને
અરીસામાં દેખાડે જે મનુષ્ય-શા
નિરાંતે ને હસે
પોતે-નમું તે હાસ્યબ્રહ્મને.
 
ઉમાશંકર જોશી જેવા મહામનીષીએ હાસ્યને ‘બ્રહ્મ’ કહ્યું એનાથી હાસ્યનો મહિમા સુપેરે સમજાય છે. બે મનુષ્યો પરસ્પર હસે છે ત્યારે ‘સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે !’ એવી નરસિંહવાણી સાર્થક થાય છે !
 
મનુષ્યમાત્ર અપૂર્ણ છે. વિનોબાજી કહે છે કે પૃથ્વી પરનો કોઈ મનુષ્ય સંપૂર્ણ ગુણવાળો નથી હોતો કે સંપૂર્ણ દોષવાળો નથી હોતો. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ની પ્રસ્તાવનામાં કહ્યું છે કે, ‘મનુષ્ય તેજ-અંધારનું પૂતળું છે!’ આપણામાં રહેલા તેજને વધારતાં જવું ને આપણામાં રહેલા અંધકારને ઓછો કરવા મથવું એ જીવનસાધના છે. હાસ્ય આવી સાધનામાં સહાયરૂપ થાય છે. હાસ્ય આપણી સમક્ષ આપણી નબળાઈઓ છતી કરે છે ને એ નબળાઈઓને દૂર કરવાનું બળ પૂરું પાડે છે. હાસ્ય બીજાંઓની નબળાઈઓ પરત્વે આપણને ઉદાર બનાવે છે. હાસ્ય આપણામાં સહિષ્ણુતાની વૃદ્ધિ કરે છે અને આ બધું આપણને ખબર ન પડે એ રીતે થાય છે !
 
- રતિલાલ બોરીસાગર
(ગુજરાતનાં પ્રખ્યાત હાસ્યલેખક )