ચાલો, નવી દિશાઓને ખોલીએ...

    ૨૫-મે-૨૦૧૯   

 
 
નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી શ્રી ભાગ્યેશભાઈ જ્હા આઈએએસની તાલીમ માટે અનોખું માર્ગદર્શન આપે છે
 
મને એક યુવાને પૂછેલું, ‘તમે આઈ.એ.એસ. ના થયા હોત તો શું થયા હોત ? મેં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહેલું કે ‘હું ગૂગલ જેવી કોઈ કંપનીમાં જોડાવાનું પસંદ કરત, જ્યાં માત્ર ‘ઇનોવેશન’ અને ‘મેરીટ’નો મહિમા હોય. કમનસીબે આપણા દેશમાં હજી પણ સરકારી નોકરીઓનું આકર્ષણ છે, જે આજના અર્થતંત્રમાં કે પરિવેશમાં કદાચ એક સારો વિકલ્પ ગણાય છે. પણ, આ તો મેક્રો-ઇકોનોમિક કે વિશાળ કાર્યસંસ્કૃતિની વાત છે. દેશના નીતિનિર્ધારણ કરનારાઓ અને નેતૃત્વે એ વિચારવું જોઈએ કે આપણી ‘શ્રેષ્ઠ-મસ્તિષ્ક-શક્તિ’નો કેવી રીતે ઉપયોગ કરવો. ખાલી સ્માર્ટ નહીં, પણ સારા લોકોનો મહિમા કરવો. કેવી રીતે ભારતીય ગૂગલ-કે-ઇન્ટેલ-કે-એપલ-કે-ટેસ્લા ઊભું કરવું ?
 
પણ આજે જે લોકોને સરકારી નોકરીમાં જોડાવું છે એમને ‘નિરાશ’ નથી કરવા, કારણ આ ક્ષેત્રમાં આજે પણ ભારે શક્યતાઓ અને નવી દિશાઓ ખોલવાની શક્યતાઓ અઢળક પડી છે. હું માનું છું કે સરકારી સેવામાં ખરેખર ‘સેવા’ની વૃત્તિથી જોડાવું જોઈએ. ‘સાહેબ’ થવા કે ‘સત્તા’ ભોગવવા સરકારી નોકરી સ્વીકારનારની શક્તિઓ ‘ખટપટ’ અને શોર્ટકટની શોધમાં વેડફાઈ જાય છે.
 
આપણા દેશમાં કોઈપણ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરી શકાય એવી શક્યતાઓ છે, તમે એક મામલતદાર હો કે કલેક્ટર હો અને ધ્યાનપૂર્વક તમારા અરજદારોને સાંભળો અને મદદરૂપ થવા પ્રયત્ન કરો તો એવો સંતોષ મળે જેનું વર્ણન કરવું શક્ય નથી. જો તમે નાના કે ગરીબ માણસ સાથે લાગણીથી જોડાયેલા હોવ તો થોડો દૈવી કે આધ્યાત્મિક આનંદ પણ મળી શકે. હું પ્રાંત ઑફિસર, ગોધરા હતો ત્યારે એક તબડકા રિપેર કરનાર જેંપાજી સાથે સંબંધ થયેલો તેનો મને આનંદ અને સંતોષ આજે પણ છે.
 
ત્રણ ક્ષેત્રોમાં અપાર શક્યતા છે. એ છે, ગ્રામવિકાસ, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય. જેટલા ધરતીથી જોડાયેલા રહીએ એટલો સમસ્યાને જાણવાનો અને ઉકેલ માટે મથામણ કે ઉકેલ લાવવાનો આનંદ મળી શકે છે.
 

 
 
બીજું, તમે નસીબદાર હો તો રાજકીય અને પ્રશાસકીય વાતવરણ એવું મળે જ્યાં પુષ્કળ મોકળાશ મળે. મને શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના દ્વારા તૈયાર થયેલા અનેક રાજકીય નેતાઓની હૂંફ અને છૂટ મળી કે હું ઘણું ‘નવું’ કરી શક્યો. આ લેખ યુવાન વાચકોને મોટીવેટ કરવા લખ્યો હોવાથી, સ્વપ્રશંસા ક્ષમ્ય ગણવી. ક્યારેક સાંસ્કૃતિક કાર્યક્રમોના રૂપરંગ બદલવાની તક મળી તો ખેલ મહાકુંભ જેવા મહાન કાર્યક્રમના બીજાંકુરથી વટવૃક્ષ થતું જોતાં, અનુભવતાં આંખમાં હર્ષાશ્રુ આવી જાય છે. મહાત્મા મંદિર હોય કે દાંડીકુટિરની રચના અને વિષયગૂંથણી હોય, જીવનમાં ‘ક્રિયેટિવિટી’ના થોડા શિખરારોહણની મઝા આ સરકારી નોકરીમાં જ મળી શકે. કોઈ અકસ્માતમાં તમારી શક્તિઓ અદ્ભુત રીતે ઝળકી ઊઠે છે, સમલાયા રેલવે-અકસ્માતમાં મેં કરેલી કામગીરી મને કોઈપણ મોટા ઇનામ જેટલો સંતોષ આપે છે. ગુજરાત જેવું રાજ્ય સ્વર્ણિમ જયંતી ઊજવતું હોય ત્યારે સાંસ્કૃતિક સચિવ હોવું એ મારા માટે એક જીવનમંગલ અને સાર્થક્યની પ્રભુદત્ત જુગલબંધી હતી અને છે. માહિતી ખાતામાં એક સુષુપ્ત ‘કમ્યુનિકેશન-ક્રાન્તિ’ને સાકાર થતી જોવી, એના એન્જિનના ડબ્બામાંથી માર્ગરેખાઓ દોરવાની દુર્લભ ધન્યતા પામવી એને પણ હું પ્રભુકૃપા કે સરસ્વતીનો અનુગ્રહ માનું છું.
 
મિત્રો, સરકારી નોકરીમાં આવશ્યક માનસિકતા અગત્યની છે, એક વખત કોઈ સારા અધિકારી પાસે તાલીમ મળી જાય પછી તો દરેક અધિકારીને એની શક્તિઓને ખીલવવાનો અને વિશાળ રાષ્ટ્રની સેવામાં એનો વિનિયોગ કરવાના દરવાજા ખૂલી જતા હોય છે.
 
બીજી વાત, જે મિત્રો તૈયારીઓ કરે છે, એમને એક જ વાત કરવાની. સફળતા તો બધાને નથી મળવાની, પણ એક દિશા ખૂલી જાય છે એનો પુષ્કળ આનંદ તમે તમારા ખિસ્સામાં રાખી જ શકો છો. હું પરીક્ષા વખતે જે વાંચતો હતો, એનાથી પણ વિશાળ સાહિત્ય આજે ખૂલી રહ્યું છે, કારણ વાંચવાની ટેવ રાખી. કમ્પ્યુટર સાથે શ‚આતથી જ ગાઢ દોસ્તી, માતૃભાષા માટે રગરગમાં ભાષાભિમાન, સંસ્કૃત માટે સંસ્કારાભિમાન બહુ મદદ કરે છે. જીવનની જડીબુટ્ટી જેવી જિજ્ઞાસા આજે પણ મારી પ્રેરણા છે. ગુજરાતી મીડિયમમાં ભણ્યા એટલે અંગ્રેજી ના આવડે, કે આ તો મોટા માણસ છે એટલે એમની પાસે તો અઢળક જ્ઞાન હોય જ એવી કોઈ ભાવનાઓ કે વિચારો તમને વિચલિત ના કરવાં જોઈએ. બહારના દેખાવ કરતાં માણસના કે વિષયના ઊંડાણમાં જે સૌંદર્ય છે એ પામવા મહેનત કરવી. સફળતા તો આડપેદાશ હોય છે, એનો આનંદ કાયમી નથી હોતો, કાયમી આનંદ તો વાંચવાનો કે પ્રકૃતિને નીરખવાનો હોય છે.
 
સૌ મિત્રોને શુભકામનાઓ...