રાજ્યના વાહનચાલકો માટે ખુશખબર, HSRP નંબર પ્લેટને લઇને આવી ગયા મોટા સમાચાર

    ૨૯-મે-૨૦૧૯

રાજ્યમાં HSRP નંબર પ્લેટ બદલવાની મુદ્દતમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 31મી મે તેના માટેની છેલ્લી તારીખ હતી. પરંતુ મુદ્દતમાં હજી 3 દિવસ બાકી રહ્યા પહેલા જ રાજ્ય સરકારે વધુ 3 મહિનાનો વધારો કર્યો છે. હવે 31 ઓગસ્ટ સુધીમાં દરેકે પોતાના વાહનમાં HSRP લગાવી દેવાની રહેશે, તેમ નહીં કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે.
 
વાહન વ્યવહાર વિભાગ (RTO) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 1 સપ્ટેમ્બર 2019થી જે પણ વાહનમાં HSRP નહીં હોય તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. મહત્વનું છે કે, ગુજરાતમાં દરેક આરટીઓ કચેરીઓમાં HSRP નાખવાનું કામ છેક 16 નવેમ્બર 2012થી શરુ કરવામાં આવ્યું છે. નવા વાહનોની સાથે હવે જુના વાહનોમાં પણ HSRP ફરજિયાત કરવામાં આવી છે. અત્યાર સુધી સરકારે 8 વખત મુદત લંબાવી છે. જો કે, હજુ સુધી અમદાવાદમાં 17 લાખ અને રાજ્યમાં દોઢ કરોડ વાહનોમાં એચએસઆરપી ફીટ થવાની બાકી છે. પણ હવે વાહનચાલકો પોતાના જૂના વાહનોમાં 31 ઓગસ્ટ બાદ HSRP નહિ લગાવેલ હોય તો તેવા વાહનો સામે RTO દંડાત્મક પગલાં ભરશે.