રાષ્ટ્રનાયક નરેન્દ્ર મોદીની નેતૃત્વશૈલી, સંઘર્ષ, પરિશ્રમ અને આવડતની સમજવા જેવી છે...

    ૩૦-મે-૨૦૧૯   
 
 
ત્યાં સમય પણ ઊભો રહી જતો હોય છે, જ્યાં ઇતિહાસ કરવટ બદલતો હોય છે...
ત્રેવીસમી, મે બેહજાર ઓગણીસ, ગુરુવાર. કેલેન્ડરનું કાગળિયું લાગતો આ દિવસ ભારતના ઇતિહાસમાં એક યુગપરિવર્તક વળાંક પરનો દિવસ હતો. આ લોકસભાનાં પરિણામોનો દિવસ હતો, પણ ગુરુવારના સૂર્યે પોતાનાં કિરણોને સંકેલી લીધાં ત્યારે અરબી સમુદ્રની લહેરોમાં જે ઝંકૃતિ હતી, એ મહાકાળની વીણાના સૂરમાં એક અવાજ પડઘાયા કરતો હતો, ‘ભારતમાતાકી જય’. કેટલી બધી વાર આ જયઘોષથી ક્ષિતિજોના કાન ઊભરાઈ ગયા હતા. ભારતીય જનતા પક્ષના હજારો નેતાઓ અને સૌથી મોખરે રહેનાર પરિશ્રમી અને પ્રજાવત્સલ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંગઠનમાં હવે નૂતન ચાણક્યનું બિરુદ પામ્યા છે એવા શ્રી અમિતભાઈ શાહે જન્મભૂમિ મા-ભારતીનો જયકાર હજારો વખત કર્યો હશે, અને એના પ્રતિભાવમાં જે ગગનભેદી જયઘોષ આપણે સૌએ સાંભળ્યા છે છેલ્લા અઢી-ત્રણ મહિનાના પ્રચાર મહાઅભિયાનમાં... અને આજે ત્રેવીસમીની આ સાંજે જાણે કે શબ્દોનું એક પુણ્યફળ જેવો ઘેરા કેસરી રંગનો લાગતો સૂર્ય પોતાની આંગળીઓથી જાણે સમુદ્ર ‚પી હારમોનિયમ પર ‘તેરા શિશ ના ઝૂકને દૂંગા, મા... સૌગંદ મુઝે ઇસ મિટ્ટીકી...’ ના ગીતમાં ભારતમાતાની એ ભાવવંદનાના આખી સદીના પરિશ્રમની રાગિણીઓ છેડી હશે. આ વિજય નવી સદીમાં ઊભરી રહેલા રાષ્ટ્રવાદનો વિજય છે.
એક અસાધારણ વિજયની ક્ષણનો ઉત્સાહ દેશના ખૂણે ખૂણે જોવા મળતો હતો. આબાલવૃદ્ધ સૌ નાચી ઊઠ્યાં હતાં. આ વિજયોત્સવ એ એક સાધના અને સિદ્ધિનો ઉત્સવ છે, આ આવતીકાલના સૂરજના સ્વાગતનો ઉત્સવ છે એટલે એના સૂચિતાર્થો અને પરિશ્રમબિંદુઓ અને સંગઠનશક્તિના ચમત્કારોની દૃષ્ટિએ જોવા જોઈએ, મૂલવવા જોઈએ. આ નરેન્દ્રભાઈની ભક્તિ-રાષ્ટ્રભક્તિ અને અમિતભાઈની શક્તિ - સંગઠનશક્તિનો વિજય છે.
 

 
 

સમજણ અને મૂલ્યનિષ્ઠાએ એમનું ઘડતર કર્યું છે

 
બહુ સમય પછી ઇતિહાસને એક રાષ્ટ્રનાયક મળતા હોય છે. શ્રી નરેન્દ્રભાઈની એ યાત્રા અને સંઘર્ષ અને દૃષ્ટિ અને પરિશ્રમનો એક પરિપાક આજે દેશને મળી રહ્યો છે, ત્યારે વહેતા સમયના અવલોકનકારોએ અને પોલિટિકલ પંડિતોએ આ ઘડીને સમજવી જોઈએ/ શ્રી નરેન્દ્રભાઈના બાળપણના એ દિવસોની એક ઊંડી છાપ આજે પણ એમણે એમના મનના ઓરડામાં એક દીવાની જેમ સાચવી રાખી છે, એ ગરીબી અને કશુંક કરવાની તમન્નાથી છલકાતી આંખોએ વડનગરના શૈવ, જૈન અને બૌદ્ધ દાર્શનિકોની આર્ષવાણીને કોઈક અગોચર કાનથી સાંભળી હશે. સમયની ભેખડો નીચે દટાયેલા એ બૌદ્ધવિહારોની ચર્ચાઓએ એક અગમ્ય શક્તિનો શંખ ફૂંક્યો હશે, તો પરમતત્ત્વની ભાળ પામી ગયેલા સંન્યાસીએ ‘સફળતા ભલે મળો, પણ સાર્થકતાની સાધના કરો’ એવા કો’ક અણસારભર્યાં આર્ષવાક્યો બાળક નરેન્દ્રની આંતરસૃષ્ટિને ભીંજવી ગઈ હશે. પછીની હિમાલયની યાત્રાનું એકાંત અને સંઘપ્રચારકની વ્યક્તિનિર્માણની અખંડ, અવિરત સતત ઘનિષ્ઠ બનેલી જાહેરજીવનની સમજણ અને મૂલ્યનિષ્ઠાએ એમનું ઘડતર કર્યું છે.
 

 
 

દિલ્હીમાં વહીવટના નવયુગનો પ્રારંભ થયો

 
એમણે જાહેર વહીવટ કહેતાં પબ્લિક-એડ્મિનિસ્ટ્રેશનમાં પદાર્પણ તો ૨૦૦૧ની સાતમી ઓક્ટોબરે જ્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીપદ સંભાળ્યું ત્યારે કર્યુ, અને પછી સતત એક જાગૃત નીતિનિર્ધારક અને તંત્રને અમલવારીની ચિંતા કરનાર કર્મયોગી તરીકે એમણે પોતાની આગવી નેતૃત્વશૈલી ઊભી કરી છે. ચિંતનશિબિરોમાં થયેલું વિચારવલોણું અને નવતર પ્રયોગોને કારણે ઊભી થયેલી ઇનોવેશનની આબોહવા જાહેર વહીવટના ઘણા નિષ્ઠાવંત કર્મયોગીઓના જીવનને પણ ધન્યતા બક્ષતા ગયા. સ્વર્ણિમ સંકલ્પોથી પ્રજાને જોડવાની વાત ક્યાંક ખેતતલાવડીમાં છલકાતી હતી, ક્યાંક કૃષિમહોત્સવના સંવાદોમાં સંભળાતી હતી તો ક્યાંક પ્રવેશોત્સવમાં આવેલી કો’ક યુવાન માતાના ચહેરા પર ચમકતી હતી. એક તરફ વાઇબ્રન્ટ સમિટની વૈશ્ર્વિક વ્યાપકતામાં ગુજરાત એક નવા આકાશને આંબતું હતું તો બીજી તરફ યુવાનોની ધસમસતી ઊર્જાને ખેલમહાકુંભ કે રોજગારી મેળામાં સમન્વિત કરવાનો એક મહાયજ્ઞ પણ ચાલતો હતો. ગરીબ કલ્યાણ મેળાઓની પારદર્શક પરંપરાઓ અને મહિલા સશક્તિકરણના અહર્નિશ ચાલતા પ્રયત્નોએ જાહેર વહીવટની દશા અને દિશા બદલી નાંખી. ગુજરાતનું આ મોડેલ અને એની સાફલ્યગાથાઓએ આખા દેશમાં જિજ્ઞાસા જગવી અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીએ રાષ્ટ્રનાયક થવા નિર્માયેલા એક કસાયેલા સંગઠક અને દૃષ્ટિવંત પ્રગતિશીલ પ્રશાસકે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એવો મંત્ર ફૂંક્યો. એમને સાથ મળ્યો એક કુશળ રણનીતિકાર અને પરિશ્રમની પરાકાષ્ઠાથી સંગઠનને જાગતું અને દોડતું રાખતા પક્ષનાયક એવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી અમિતભાઈ શાહ મળ્યા. બન્નેની નિષ્ઠા, સૂઝ અને દૃષ્ટિને લીધે દિલ્હીમાં વહીવટના નવયુગનો પ્રારંભ થયો.
 

બિઝનેસ માટેનું પારદર્શક અને પ્રોત્સાહક વાતાવરણ

 
ભારતે નવો અનુભવ કર્યો, કોઈ કૌભાંડ નહીં, પણ જગતભરમાં ભારતનો દબદબો વધવા લાગ્યો. ગરીબો માટેની યોજનાઓનો અસરકારક અમલ થવા માંડ્યો. મુદ્રા, સ્કીલ-ઇન્ડિયા, સ્ટેન્ડ-અપ-ઇન્ડિયા, મેક-ઇન-ઇન્ડિયા જેવા કાર્યક્રમોથી રાષ્ટ્રનું આખું તંત્ર ચેતનવંતું થયું, જનધનયોજનાથી ગરીબો આર્થિક પ્રગતિના મુખ્ય પ્રવાહમાં જોડાયા. યુવાનોના સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટસ અને ઇઝ-ઑફ-ડુઈંગ-બિઝનેસ માટેનું પારદર્શક અને પ્રોત્સાહક વાતાવરણ નિર્માયું. આંતરમાળખાકીય સુવિધાઓ વિશ્ર્વકક્ષાની બનવા લાગી, એરપોર્ટ અને બંદરો ધમધમવા લાગ્યાં.
 

 
 
આ બધામાં આગળનાં બધાં વર્ષો કરતાં નાગરિકોને જેનાથી ભરપૂર સંતોષ મળ્યો તે આંતરિક સુરક્ષા અને કાયદો-એવં-વ્યવસ્થાની જડબેસલાક વ્યવસ્થાઓ ભારે અસરકારક બની. ત્રાસવાદીઓને કડક સંદેશ મળે એવાં તીક્ષ્ણ તીર જેવાં પગલાં લેવાયાં. ઉરીનું દુ:સાહસ દુશ્મનોને ભારે પડ્યું, બાલાકોટની ધણધણાટીએ આકાશ ચીરીને એક સંદેશ ચોક્કસ આપ્યો, ભારત દેશભક્તોના હાથમાં છે, કોઈ પણ હરકતનો જવાબ મળશે. બહાદુરીની રણભેરીએ દેશના નાગરિકોને આશ્ર્વસ્ત કર્યા અને દેશની સરહદો પર રાતદિવસ રક્ષા કરતા જવાનોનું મનોબળ મજબૂત કર્યું.
 
૨૦૧૯ની ચૂંટણી સામાન્ય ચૂંટણી નહોતી. જાતિવાદી પરિબળો સામે દેશભક્તોની ટોળી હતી, વોટબેંકની રાજનીતિ સામે સર્વસમાવેશક, સર્વદેશીય અને સર્વાંગી વિકાસની પ્રજાનીતિનો જંગ હતો. ઢીલા અને મજબૂર નેતૃત્વ સામે નિર્ણાયક અને દેશભક્ત નેતૃત્વનો પડકાર હતો. એટલે વિજય અનિવાર્ય હતો અને મળ્યો. વિજયની પાયાની ઈંટ રાષ્ટ્રવાદની હતી. હજારો કાર્યકર્તાઓ દેશભક્તિનો આ સંદેશ લઈને ઘરે ઘરે પહોંચ્યા હતા. જે નેતૃત્વ છે, એમની તાલીમ સઘન છે, વિચાર પરિપક્વ છે, નિયત અણીશુદ્ધ છે અને તીરંદાજીમાં અર્જુનની એકાગ્રતા છે.
 

 
 

‘ટુકડે ટુકડે ગેંગ’થી માંડીને ખાનમાર્કેટના શહેનશાહો વિચારમાં પડ્યા 

 
જેમને ઝટકો લાગ્યો છે, ડાબેરી બૌદ્ધિકોએ પોતાની પ્રાસંગિકતા બાબતે ચર્ચા શરૂ કરી દીધી છે, ‘ટુકડે ટુકડે ગેંગ’થી માંડીને ખાનમાર્કેટના શહેનશાહો વિચારમાં પડ્યા છે. વાસ્તવમાં ‘ભગવા આતંકવાદ’ જેવા શબ્દસમૂહોને ચલણમાં મૂકનાર એક બૌદ્ધિક અગ્રવર્ગને ખ્યાલ જ નહોતો આવતો કે તેમની દલીલોથી વિશાળ હિંદુસમાજ ભારે વ્યથા અને આક્રોશ અનુભવતો હતો. આ પ્રકારની મંડળીઓને આઘાત લાગ્યો છે તે સંભળાવા લાગ્યું છે, તા. ૨૩ મે, ૨૦૧૯ના ન્યૂયોર્ક ટાઇમ્સમાં લેખક પંકજ મિશ્રાએ Near-novelistic ability to create iresistable fiction નરેન્દ્રભાઈની અપ્રતિમ કમ્યુનિકેશન પ્રતિભાને પોતાની રીતે મૂલવતાં આ નવલકથાની જેમ વાર્તા કહી શકનાર કહીને આ મંડળીનું માનસ છતું કર્યું છે, પણ ઇતિહાસની રચના થતી હોય ત્યારે પીળા પડી ગયેલા કાગળિયાંમાંથી ઇતિહાસ નહીં, પણ પ્રસવપીડાથી કંપતા યુગદર્શનને વાંચવું પડશે. હિંદુસમાજ અને ઉપેક્ષાના લાંબા ઇતિહાસ પછીના આ ઘડાતા ઇતિહાસની ઘડીઓ છે, એના આવેગ અને પ્રવેગને રાષ્ટ્રવાદના ઘડાતા વિચારપિણ્ડથી સમજવા પડશે. કદાચ દેશની પ્રજા ૨૦૧૪ની જેમ ૨૦૧૯માં પણ દેશના બંધારણની ‘સેક્યુલર નેશન’ એટલે શું એની વ્યાખ્યા કરી રહી છે.
 
૨૦૧૪ની ચૂંટણી દેશની જનતાની આકાંક્ષાઓને લીધે જીત્યા હતા, આ શ્રી નરેન્દ્રભાઈની નિયત અને નેતૃત્વ પર દેશની પ્રજાને વિશ્ર્વાસ છે તે પ્રગટ થયો છે.
 

 
 

અરુણું દિસે પરભાત...

 
આ અરુણોદય છે નૂતનભારતનો, નવા યુગનાં બ્યૂગલ વાગી રહ્યાં છે. વિશ્ર્વ આખામાં આર્ટિફિશિયલ-ઇન્ટેલિજન્સ યંત્રપ્રજ્ઞાની નવતર કાર્યસંસ્કૃતિને આવકારવાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ભારતને વિશ્ર્વગુરુ બનાવવાની એક ઊજળી શક્યતાના શ્ર્લોક બોલતી ક્ષિતિજો શણગારાયેલી છે, જેને અમેરિકન ઇતિહાસકાર માઇક્લ બેશલોસ ( Michael beschloss ) જે અમેરિકન પ્રમુખોના ઇતિહાસ લખવા માટે જાણીતા છે એ જેને ’The second term curse’ બીજી ટર્મનો અભિશાપ કહે છે એ ભારત માટે આલોકિત આભની સુવર્ણારેખા સાબિત થઈ શકે એવા અર્થસંકેતો ઊભરી રહ્યા છે. આવતીકાલના પ્રભાતને તો નર્મદના શબ્દોમાં જ અવકારવું પડે, અરુણું દિસે પરભાત...