હિમાલયની બરફ આચ્છાદિત ગિરિકંદરાઓમાં ભગવાન શ્રી નારાયણ - વિષ્ણુ તથા સદાશિવ શ્રી મહાદેવ ચારે યુગથી અનેક સ્વપે બિરાજમાન છે. સનાતન હિન્દુ ધર્મમાં તેમનાં નિવાસસ્થાનો શ્રદ્ધા-આસ્થાનાં કેન્દ્રો રહ્યાં છે. આ નિવાસસ્થાનો યાત્રાધામોમાં શ્રી વિષ્ણુ તથા શ્રી મહાદેવની પૂજા-અર્ચના જ્યારે બરફ પડ્યો હોય ત્યારે છ માસ સુધી દેવો, ગંધર્વો, યક્ષો તથા અસુર દેવતાઓ કરે છે. આ મંદિરો ઉપરનો બરફ પીગળે છે ત્યારે તે મનુષ્યો માટે દર્શનીય બને છે. આમ પ્રતિવર્ષ વૈશાખ સુદ - ૩, અક્ષયતૃતિયાથી કાર્તિક પૂર્ણિમા સુધી આ મંદિરોના કપાટ-દ્વાર ખોલવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ યાત્રાપ્રવાસ કરે છે. હિમાલયની આ દુર્ગમ યાત્રા આગવું - વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. જીવનમાં એકવાર આ યાત્રા કરવાનું અહોભાગ્ય મનાય છે. આ યાત્રાધામો સાથે જોડાયેલ ધર્મવાર્તાઓનું વાચન પણ યાત્રાનું પુણ્યફળ આપે છે.
શ્રી બદરીનાથનું પ્રાગટ્ય - માહાત્મ્ય
શ્રી બદરીનાથના પ્રાગટ્ય સાથે હિમાલયનું બદરીતીર્થ સંકળાયેલ છે. આ તીર્થમાં પાંચ શિલાઓ છે. પહેલી શિલા નારદશિલા છે, જ્યાં નારદ મુનિએ અત્યંત કઠોર તપશ્ર્ચર્યા કરી હતી. બીજી કલ્યાણકારી શિલા વૈનતેય શિલાનાં નામથી વિખ્યાત છે. ત્યાં મહાત્મા ગરુડે ભગવાન વિષ્ણુનાં દર્શનની ઇચ્છાથી ત્રણ હજાર વર્ષ સુધી કઠોર તપશ્ર્ચર્યા કરી હતી. આથી પ્રસન્ન થઈને ભગવાને તેમને વરદાન આપ્યું - ‘હે વત્સ ! હું તમારા પર પ્રસન્ન છું. તમે દૈત્યોના સમૂહ માટે અજેય અને નાગોને અત્યંત ભય આપનારા મારા વાહનપ બનો.’ ત્રીજી કલ્યાણકારી શિલા વારાહી શિલા છે. ત્યાં પૃથ્વીનો રસાતલથી ઉદ્ધાર કરીને ભગવાન વરાહે હિરણ્યાક્ષને મારી નાખ્યો અને શિલાપે તે પાપનાશક શ્રીહરિ તેને દબાવીને બેઠા છે. ચોથી નૃસિંહ શિલા છે ત્યાં હિરણ્યકશિપુને મારીને ભગવાન નરસિંહ બિરાજમાન છે. પાંચમી નર-નારાયણ શિલા છે. આ શિલાની એક બાજુ નર પર્વત અને બીજી બાજુ નારાયણ પર્વત છે. આ પર્વતમાળામાંથી વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતી ઔષધી મળે છે. આ સ્થળે આ ઔષધી બોરડી-બદરીના નામે ઓળખાય છે. તેથી અહીં ભગવાન વિષ્ણુ બદરીનાથ સ્વરૂપે બિરાજમાન છે. ભગવાન શ્રી વિષ્ણુનું પ્રાગટ્ય વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતા ગંધમાદન પર્વતની ગોદમાં થયું હોવાની કથા છે. આ તીર્થધામમાં બદરીનાથ શ્રી બદરી વિશાલ તરીકે પણ પૂજાય છે.
હિમાલયના ગંધમાદન પર્વત પર ભગવાન નર-નારાયણ શ્રી હરિ યુગોથી પ્રત્યક્ષ નિવાસ કરે છે. અહીં તેમના નારદકુંડમાંથી પ્રાગટ્યની ધર્મકથા નારદપુરાણમાં - ઉત્તરભાગના અધ્યાય -૬૭માં વર્ણવાયેલ છે. સતયુગમાં ભગવાન આ સ્થળે પ્રત્યક્ષ હતા. ત્રેતાયુગમાં તે કેવળ મુનિઓ, દેવતાઓ અને યોગીઓને દેખાયા હતા. દ્વાપર યુગમાં કેવળ જ્ઞાનીઓને દર્શન થયાં. કલિયુગના પ્રારંભમાં બ્રહ્મા આદિ દેવતાઓ તથા તપસ્વી ઋષિમુનિઓએ પોતાની પ્રિય સ્તુતિ-વાણીથી ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા. ભગવાન નારાયણે તેમના પ્રાગટ્યની આકાશવાણી કરતાં કહ્યું,
‘દેવેશ્ર્વરો ! જો તમને મારા સ્વપનાં દર્શનમાં શ્રદ્ધા હોય તો નારદકુંડમાં પડેલી મારી શિલામયી મૂર્તિ લઈ આવો.’ આ વાણી સાંભળી બ્રહ્મા આદિ દેવતાઓનું ચિત્ત પ્રસન્ન થયું. તેમણે નારદકુંડમાં પડેલી તે શિલામય દિવ્ય પ્રતિમાને બહાર કાઢી ત્યાં પ્રસ્થાપિત કરી તેમની પૂજા-અર્ચના કરી. ભગવાન નારાયણ - વિષ્ણુના બદરીનાથ સ્વપનો જયજયકાર થયો. આકાશમાં દેવો, ગંધર્વો, પાર્ષદો તથા નારદમુનિ સહિતના ઋષિમુનિઓએ પુષ્પવર્ષા કરી. બદરીનાથની સ્તુતિ સંભળાવતા બ્રહ્મા આધિ દેવો પોતાના ધામમાં ચાલ્યા ગયા. આ દેવગણો પ્રતિવર્ષે વૈશાખ માસમાં પોતાના ધામમાં જાય છે અને કાર્તિક માસમાં આ પૂજાનો પ્રારંભ કરે છે. હવે વૈશાખ માસથી બરફનું કષ્ટ દૂર થઈ જવાથી પાપકર્મરહિત પુણ્યાત્મા મનુષ્ય ત્યાં શ્રીહરિના સ્વપનાં દર્શન કરવા પામે છે. આમ આ ભગવાન શ્રી બદરીનાથજી છ માસ દેવતાઓ દ્વારા અને છ માસ મનુષ્ય દ્વારા પૂજાવા લાગ્યા.
ભારત તીર્થભૂમિ છે. તેમાં ચારધામ (૧) દ્વારકા (૨) બદરીનાથ (૩) જગન્નાથપુરી તથા (૪) રામેશ્ર્વર સુપ્રસિદ્ધ છે.
ભગવાન શ્રી બદરીનાથ હૃષીકેશથી ૨૯૮ કિ.મી. દૂર ૧૦,૨૫૦ ફૂટની ઊંચાઈએ અલકનંદા નદીકિનારે પ્રગટ થયા હતા. વર્તમાનમાં આ મંદિર ગઢવાલ નરેશે બંધાવ્યું છે. મંદિરનું સોનાનું શિખર ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઈ હોલકરે ચડાવેલ હતું. આદિ શંકરાચાર્યે આ તીર્થધામનું માહાત્મ્ય વધાર્યું છે. તેમણે દેશમાં સ્થાપેલ ચારે દિશાના મઠોમાં ઉત્તર દિશામાં અહીં જ્યોતિર્મઠની સ્થાપના છે, જે જોશીમઠ તરીકે ઓળખાય છે. શિયાળાના દિવસોમાં ભગવાનની પ્રતીકપ પિત્તળની મૂર્તિ જોશીમઠમાં લાવીને ત્યાં તેમની પૂજા થાય છે. શિયાળામાં બદરીનાથના મંદિરના દરવાજા બંધ કરતી વખતે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે અખંડ રહે છે. અખાત્રીજના દિવસે આ દ્વાર ખોલતાં દીવાના દર્શનનો મહિમા છે. મંદિરમાં નારદશિલા, માર્કન્ડેયશિલા, નૃસિંહશિલા, વરાહશિલા તથા ગડશિલા નામની પાંચ પવિત્ર શિલાઓ આવેલી છે. આ તીર્થસ્થાનમાં ઋષિગંગા, કૂર્મધારા, પ્રહ્લાદધારા, તૃપ્તકુંડ અને નારદકુંડ નામનાં પાંચ તીર્થો છે.
શ્રી કેદારનાથનું પ્રાગટ્ય - માહાત્મ્ય
સનાતન હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીવિષ્ણુ તથા સદાશિવ મહાદેવની જોડીના પ્રાગટ્યની ધર્મવાર્તાઓ પ્રસિદ્ધ છે. શ્રીબદરીનાથના પ્રાગટ્યની સાથે સદાશિવ મહાદેવ શ્રી કેદારનાથના પ્રાગટ્યનો ઉલ્લેખ પુરાણોમાં વર્ણવાયો છે. અલકનંદા નદીકિનારે વિષ્ણુના અવતાર, નર અને નારાયણની તપશ્ર્ચર્યાથી પ્રભાવિત થઈ ભગવાન શંકર પણ જ્યોતિર્લિંગ રૂપે અહીં પ્રગટ થયા હતા. અહીં ભગવાન શ્રી શંકર સપરિવાર બિરાજતા હતા. શંકરના પુત્ર કાર્તિકેયનો જન્મ અહીં થયો હતો. ભારતનાં બાર જ્યોતિર્લિંગમાં શ્રી કેદારનાથનું સ્થાન છે. ઋગ્વેદ, શિવપુરાણ, ભાગવતપુરાણ, સ્કંધપુરાણ અને મહાભારત વગેરે ધર્મગ્રંથોમાં શ્રી કેદારનાથના પ્રાગટ્ય તથા માહાત્મ્યનું વર્ણન છે.
મહાત્મા પાંડવોનું મહાપ્રસ્થાન તથા શ્રી કેદારનાથ
શ્રી કેદારનાથ યાત્રાધામ સાથે દ્રૌપદી સહિત પાંડવોના મહાપ્રસ્થાનની કથા જોડાયેલ છે, જેનું વર્ણન સંક્ષિપ્ત મહાભારતમાં વર્ણવાયું છે. રાજર્ષિ યુધિષ્ઠિરે હસ્તિનાપુરનું રાજ્ય અર્જુન-સુભદ્રાના પૌત્ર પરીક્ષિત તથા ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય શ્રીકૃષ્ણના પૌત્ર વ્રજને સોંપતાં કહ્યું, ‘હે વીર વંશજો ! હસ્તિનાપુર તથા ઇન્દ્રપ્રસ્થના નગરજનો ! હવે હું કાળના બંધનનો સ્વીકાર કરું છું. સર્વસ્વનો ત્યાગ કરી મહાપ્રયાણનો નિર્ધાર કરું છું.’ આ સાંભળી તેમના ભાઈઓ અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ તથા દ્રૌપદી પણ જોડાયાં. વલ્કલ વસ્ત્ર, ધારણ કરીને સર્વેએ મહાપ્રયાણ શરૂ કર્યું. એક કૂતરું પણ સાથે સાક્ષીભાવથી યાત્રામાં સામેલ થયું.
મહાત્મા પાંડવો અને યશસ્વિની દ્રૌપદી તથા શ્ર્વાન સર્વે દિશાઓના તેમના રાજ્યનાં સ્થળોની યાત્રા કરતાં કરતાં મહાગિરિ હિમાલયની ઉત્તર દિશામાં પર્વતોમાં શ્રેષ્ઠ સુમેરુના ગંધમાદન પર્વતની સમીપ મંદાકિની નદીના તટમાં આવી વસ્યા. તેમણે મહાભારત યુદ્ધમાં જીત મેળવ્યા પછી ભ્રાતૃહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન શિવના આશીર્વાદ માટે અહીં તપશ્ર્ચર્યા કરી. સૌએ મંદાકિની નદીના પટ કેદાર (ખેતર)માં કેદારો (એક પ્રકારનો રાગ) ગાઈ ભગવાન શિવને પ્રસન્ન કર્યા. અહીં શ્રી કેદારનાથ પ્રગટ થયા. શરૂઆતમાં ભગવાન સદાશિવ બળદનું સ્વરૂપ ધારણ કરી પ્રગટ થયા, પરંતુ ભીમ બળદના પમાં શંકર ભગવાનને ઓળખી ગયો. તેણે બળદને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ બળદ જમીનમાં અંતર્ધ્યાન થઈ ગયો. તો પણ ભીમે તેની પીઠનો ત્રિકોણાત્મક ભાગ પકડી લીધો. ભગવાને પાંડવોના દૃઢ સંકલ્પ-કેદારના મધુરગાનની સ્તુતિથી પ્રસન્ન થઈ દર્શન આપ્યા. પાંડવોને ભ્રાતૃહત્યાના પાપથી મુક્ત કર્યા. અહીં ભગવાન શંકર શિવલિંગ સ્વરૂપે ન પૂજાયા પણ ભીમે પકડેલ ત્રિકોણાકાર ખરબચડા પથ્થર વડે પૂજાયા. આજે પણ શ્રીકેદારનાથનાં દર્શનમાં આ પથ્થર, પાંચ પાંડવો, દ્રૌપદી તથા ઉષા-અનિરુદ્ધની મૂર્તિઓ છે.
એવી લોકકથા છે કે ભગવાન શિવ અહીં પીઠ સ્વરૂપે પૂજાય છે જ્યારે તેમનું ધડ કાઠમંડુમાં, ભુજાઓ તુંગનાથમાં, મુખ દ્રનાથમાં, નાભિ મદમેશ્ર્વરમાં અને જટા કલ્પેશ્ર્વરમાં પ્રગટ થયાં હતાં. આ ઉપરાંત બ્રહ્માની તપશ્ર્ચર્યાનું સ્થળ બ્રહ્મગુફા પણ અહીં છે. શ્રી કેદારનાથથી પાંડવોના સ્વર્ગારોહણની કથા છે. પ્રથમ દ્રૌપદી, બીજા ક્રમે સહદેવ, ત્રીજા ક્રમે નકુલ, ચોથા ક્રમે અર્જુન તથા પાંચમા ક્રમે ભીમ સ્વર્ગે સિધાવ્યાં. છેલ્લે સ્વર્ગમાંથી દેવરાજ ઇન્દ્ર રથ લઈને ધર્મરાજ યુધિષ્ઠિરને સદેહે સ્વર્ગમાં પધારવા લેવા આવ્યા. ઇન્દ્રને જોઈ યુધિષ્ઠિરે પ્રશ્ર્ન કર્યો, ‘હે દેવરાજ ! મારી યશસ્વિની તથા ભાઈઓને અહીં મૂકી સ્વદેહે સ્વર્ગમાં આવવું શોભે નહીં ! વળી આ શ્ર્વાન પણ મારી સાથે છે તેનું શું ?’ દેવરાજ ઇન્દ્રએ પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘હે ધર્મરાજ યુધિષ્ઠિર, તમારી સાથેના સર્વે સ્વર્ગમાં પહોંચી ચૂક્યાં છે. તે તમારી રાહ જુએ છે. વળી આ શ્ર્વાન નથી, પણ શ્ર્વાનના રૂપમાં પરીક્ષિતનો પુત્ર જન્મેજય છે, જે તમને વળાવવા આવ્યો છે. હે રાજર્ષિ ! તમારું ધર્મપાલન યુગોના યુગો સુધી ચિરંજીવ રહેશે ! તમે તેથી સ્વદેહે સ્વર્ગમાં પધારવાનો અધિકાર મેળવનાર એક માત્ર મનુષ્ય છો !’ ધર્મરાજ રાજર્ષિ યુધિષ્ઠિર શ્રી કેદારનાથમાં તે સ્થળે જ સ્વર્ગની સીડી કહેવાય છે ત્યાંથી રથમાં બેસી ઇન્દ્ર સાથે સ્વર્ગધામમાં પધાર્યા. શ્રી કેદારનાથનાં દર્શને આ સ્વર્ગની સીડીનાં - સ્થળનાં દર્શન મોક્ષ આપનાર છે.
યાત્રાધામ શ્રી કેદારનાથનું મંદિર પાંડવોના વંશજ જનમેજયે બંધાવ્યું હોવાનું મનાય છે. આઠમી સદીમાં આદ્ય શંકરાચાર્યે તેનો ર્જીણોદ્ધાર કરેલો. તેમણે પણ અહીં દેહત્યાગ કરી સ્વર્ગારોહણ કર્યું હતું. હાલમાં મંદાકિની નદીને કિનારે તેમની સમાધિ છે. આ મંદિરની પૂજા કર્ણાટકના લિંગાયત શૈવો કરે છે. અહીંના પાંડાઓ પાસે શંકરાચાર્યની વંશાવલી છે. મંદિરની બાજુમાં કુંડ છે, તેમાં જન્મપત્રિકાના વિસર્જનનો મહિમા છે. કેદારનાથનાં દર્શન થયાં પછી બધાં પાપ ધોવાઈ જાય છે તેથી જન્મપત્રિકાની શી જરૂર છે ! તેવી લોકવાયકા પણ છે. શ્રી બદરીનાથ - કેદારનાથની યાત્રાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા સહ...
ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥