બુમરાહ સામે રમવા વોર્નર બેટમાં સેન્સર લગાવીને આવ્યો હતો!!

    ૧૦-જૂન-૨૦૧૯

વોર્નર કેમ બેટમાં સેન્સર લગાવીને આવ્યો?

 
રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે આનંદદાયક રહ્યો. વર્લ્ડ કપ ૨૦૧૯ની ૧૪મી મેચ આ દિવસે રમાઈ જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હતી. ટોસ જીતીને ભારતે ૩૫૨ રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને ૩૬ રનથી હરાવ્યું. ઉલ્લેખનીય વાત એ છે કે આ મેચમાં ભારતીય બોલર બુમરાહે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ખૂબ હેરાન હર્યા.
 
ઉલ્લેખનીય છે કે બુમરાહનો સામનો કરવા આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ઓપનર વોર્નર પોતાના બેટમાં સેન્સર લગાવીને બેટિંગ કરવા મેદાને ઉતર્યો હતો. આ પહેલા પ્રેક્ટિસ દરમિયાન પણ વોર્નર સેન્સર લગાવીને બેટિંગ કરી રહ્યો હતો. આઈસીસી (ICC) એ ૨૦૧૭માં જ બેટમાં સેન્સર લગાવવાની મંજૂરી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બેંગલૂરૂની “સ્માર્ટ ક્રિકેટ” નામની કંપનીએ બેટ પર આ સેન્સર લગાવવા એક ખાસ પ્રકારની ચિપ તૈયાર કરી છે. જેનો ઉપયોગ વોર્નર કરી રહ્યો છે કે જેથી તેને બુમરાહ જેવા બોલર્સનો સામનો કરવામાં સરતા રહે…
 
આ સેન્સર ચિપ બેટના હેન્ડલ પર લગાવવામાં આવે છે. હવે આ ચિપ કામ શું કરે છે? તો કામ એવું છે કે બેટ્સમેન જ્યારે બેટિંગ કરી રહ્યો હોય છે ત્યારે આ ચિપ અમૂક ચોક્કસ પ્રકારનો ડેટા (data) ભેગો કરે છે. આ ડેટા ક્લાઉડ સ્ટોરેજ (cloud storage) ના માધ્યમથી મોબાઈલ (mobile) એપ (App)માં જમા થાય છે. આ ભેગા થયેલા ડેટાના માધ્યમથી ઇન્ડેક્સ, મેક્સિમમ બેટની સ્પીડ, બેટની રોટેશન સ્પીડ, એંગલ, બેટ ફરાવવાની સ્પીડ જાણી શકાય છે.
 
હવે વોર્નર જે સેન્સર લગાવીને રમ્યો તેનાથી જે ડેટા મળ્યા તે જણાવે છે કે બુમરાહ જેવા બોલર્સને રમવા શું શું ધ્યાનમાં રાખવું જોઇએ? જેમ કે બુમરાહની યોર્કર રમવા માટે બેટની સ્પીડ કેટલી હોવી જોઇએ? બેટની લાઇન કઇ હોવી જોઇએ? બેટનો એંગલ કેવો હોવો જોઇએ? આ બધું આ ચિપ કહી દે છે. આ ચિપ કહે છે કે બુમરાહની યોર્કર રમવા માટે બેટની સ્પીડ ૭૦થી ૭૫ કિલોમીટર પ્રતિકલાકની હોવી જોઇએ. હવે આ વિગત મળી જાય એટલે બેટ્સમેન એ પ્રમાણે પ્રેક્ટિસ કરી શકે અને કોઇ પણ બોલરનો સામનો કરી શકે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આઈસીસી તરફથી બેટ પર ચિપ સેન્સર લગાવવાની મંજૂરી મળ્યા બાદ માત્ર વોર્નરે જ આ ચીપનો ઉપયોગ કર્યો છે. બની શકે આવનારા સમયમાં બીજા અનેક બેટ્સમેન પણ આવી ચિપનો ઉપયોગ કરે…