ભાગ્યનો ઉદય | એક સરસ અને ટૂંકી બાળવાર્તા

    ૧૩-જૂન-૨૦૧૯
 
 
ગાઢ જંગલોની વચ્ચે એક ગામ હતું. ગામની પાસે એક કલકલ કરતી નદી વહેતી હતી. નદીનો પટ બહુ વિશાળ નહોતો, પરંતુ નદી ખૂબ ઊંડી હતી. આવવા-જવા માટે ગામવાળાઓએ લાકડાનો એક પુલ બનાવ્યો હતો. એ ગામે એક યુવાન રહેતો હતો. એનું નામ હતું નરેશ. તે સ્વભાવે ફક્કડ હતો. ઘરમાં એકલો રહેતો હતો. મા-બાપ તો ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યાં હતાં. એનાં લગ્ન થયાં ન હતાં. નદીમાંથી માછલાં પકડીને બાજુના ગામના બજારમાં વેચીને તેનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ થોડા દિવસ પછી તે એ કામથી પણ કંટાળી ગયો.
 
એના મનમાં ગામના મુખી બનવાની ભાવના હતી. એ જાણતો હતો કે ગામના મુખી પાસે એક મોટું ઘર છે. બેસવા માટે ઘોડો અને ખેતરો છે. એ પણ આવા ઠાઠ-માઠથી રહેવા માંગતો હતો, પરંતુ સખત મહેનત કર્યા પછી પણ તે પૈસા એકઠા કરી શક્યો નહોતો. વિચારી રહ્યો હતો કેવી રીતે બની શકાય ધનવાન ?
 
એક રાતની વાત છે. નરેશ પોતાની ઝૂંપડી આગળ ખાટલા પર સૂતો હતો. બહાર વૃક્ષોમાં થઈને આવતી ચાંદની પૃથ્વી પર ફેલાવા લાગી હતી. નરેશ આજ પોતાની ગરીબી માટે ખૂબ જ દુ:ખી હતો. તે વિચાર લાગ્યો. શું સાચે જ મારા ભાગ્યમાં સુખ-ચેન નથી? મેં તો સાંભળ્યું હતું કે આપણા દેવતાઓ બધાની ઇચ્છા પૂરી કરે છે. હું તો રોજ જઈને દેવોને ફૂલ ચઢાવું છું. એમના ચરણ સ્પર્શ કરું છું. પરંતુ દેવોએ હજુ સુધી મારા પર કૃપા નથી કરી. આમ વિચારતાં-વિચારતાં એને ઊંઘ આવી ગઈ. ત્યારે એણે જોયું તો દેવ એની સામે ઊભા છે. - ‘નરેશ, તું ચિંતા ના કરીશ. હવે તારા દિવસો બદલાવાના છે. એમ કર, સવારે ઊઠીને ઉત્તર દિશા તરફ આગળ વધતો જજે. પછી તને જે પહેલી વસ્તુ જમીન પર પડેલી મળે એ ઉઠાવી લેજે.’ એ પછી નરેશ ગાઢ નિંદરમાં સૂઈ ગયો. જ્યારે એ જાગ્યો. ત્યારે સવાર થઈ ગયું હતું. સૂર્યનાં કિરણો જમીન પર ફેલાઈ રહ્યાં હતાં. પછી તે ઊઠીને કંઈ કરે ત્યાં સ્વપ્નની વાત એને યાદ આવી ગઈ. શું ખબર, દેવે મારી પ્રાર્થના સાંભળી લીધી હોય, એ અજમાવવી જોઈએ. બસ, પછી તો એણે બૂટ પહેર્યા અને કોઈને કશું કહ્યા વગર જ ગામ છોડીને ઉત્તર દિશામાં ચાલવા માંડ્યો.
 
તે નદીકિનારે પહોંચ્યો. ત્યાં સુધીમાં પૂરેપૂરું અજવાળું થઈ ચૂક્યું હતું. તે નદી પાર કરવા માટે પુલની નજદીક આવ્યો. ત્યાં એણે સૂતરની લાંબી દોરી પડેલી જોઈ. તે વિચારવા લાગ્યો. મળ્યું તે પણ શું ? ભલા, આ સૂતરની દોરી મારો શો ઉદ્ધાર કરશે ? એણે હાથની આંગળીમાં દોરી લપેટી લીધી અને આગળ ચાલ્યો. દૂર દૂર સુધી ઝાડીઓ જ દેખાતી હતી. અચાનક એક નાનું પક્ષી આવીને એના ખભા પર બેઠું. એણે એ પક્ષીને ઉડાડી મૂક્યું. પરંતુ એ પક્ષી ઊડીને એના માથા પર બેઠું. હવે તો નરેશને ગુસ્સો આવ્યો. એણે પક્ષીના પગને દોરીથી બાંધ્યું અને એણે હવામાં ઊછાળ્યું. પેલું પક્ષી ઊડવા લાગ્યું પણ એ બિચારું ઊડીને જાય ક્યાં ? નરેશ ખુશ હતો. તે દોરી હલાવતો આગળ જઈ રહ્યો હતો. હવે તો એના માટે આ રમત હતી.
 
આ રીતે તે દોરી હાથમાં પકડી આગળ વધુ તો ગયો. થોડે દૂર ગયા પછી એને એક બળદગાડી દેખાઈ. તે આ રસ્તે જ આવી રહી હતી. જે રસ્તેથી નરેશ જઈ રહ્યો હતો. બળદગાડીમાં સ્ત્રી, પુરુષ અને એમનું બાળક બેઠું હતું. બાળકે પેલા ઊડતા પક્ષીને જોયું. એને થયું કે - આ કોઈ રમકડાં વેચનારો છે. બાળકે એની માતાને કહ્યું, ‘હું તો આ જ રમકડું લઈશ.’ માતાએ નરેશને પાસે બોલાવી ને કહ્યું, ‘ભાઈ, આ બાળક જિદ્દ કરી રહ્યું છે તમે દોરી અને દોરી સાથે બાંધેલું પક્ષી એને આપી દો.’
 
નરેશ બાળકની ઉત્સુકતા જોઈ રહ્યો હતો. એણે દોરી બાળકના હાથમાં આપી દીધી અને કહ્યું, ‘લે, આ ઊડતા પક્ષીનો આનંદ તું પણ માણી લે.’ આટલું કહીને તે જવા લાગ્યો. ત્યારે ગાડામાં બેઠેલી સ્ત્રીએ નરેશન બે મોટાં-મોટાં સંતરા આપતાં કહ્યું, ‘લો, આ સંતરા તમે ખાજો.’
 
સંતરા લઈને નરેશ આગળ વધ્યો. હવે સૂરજ આકાશમાં વધુ ઊંચે આવી ગયો હતો. તડકાથી ગરમી લાગવા માંડી. ચાલતાં-ચાલતાં નરેશ ઘણે દૂર નીકળી ગયો. ત્યાં એણે એક સ્ત્રીને ઝાડ નીચે સૂતેલી જોઈ. એની પાસે બે પુરુષો પણ બેઠા હતા. એક મોટી ગાંસડી પણ એમની પાસે હતી. નરેશે એમની પાસે જઈને પૂછ્યું, ‘શું વાત છે? આ સૂતાં કેમ છે ?’
એમાંથી એકે કહ્યું, ‘અમે અમારો માલ વેચવા જઈ રહ્યા હતા. અમે કાપડના વેપારી છીએ. આ મારી પત્ની છે. અમારી સાથે આવી છે. અચાનક એને ચક્કર આવવા લાગ્યા.’
 
આ ગરમીના કારણે એવું થયું હશે. નરેશે બન્ને સંતરાં એને સોંપી દીધાં. કહ્યું, ‘સંતરાનો રસ કાઢીને એમને પાઓ. હમણાં સારું થઈ જશે.’
 
બન્યું પણ એવું જ. સંતરાનો રસ પીધા પછી ઊઠીને એ બેઠી. એના શરીરમાં તાજગી આવી ગઈ. બન્ને પુરુષો ખૂબ ખુશ થયા. એમણે ગાંસડીમાંથી બે તાકા કાઢીને નરેશને આપતાં કહ્યું, ‘તમે અમને મદદ કરી, એના બદલામાં આ ભેટ સ્વીકારો.’
હવે નરેશને લાગ્યું કે, ‘એનું સ્વપ્નું રંગ લાવી રહ્યું છે. જોતજોતામાં એક નાની દોરીના કારણે એને કાપડના બે તાકા મળી ગયા હતા. આગળ શું થશે. એ વિચારતો તે પેલા તાકા લઈને આગળ વધ્યો.’
 
આગળ એક પહાડી હતી. એણે જોયું. પહાડી પરથી બે ઘોડેસવાર ઝડપથી નીચે ઊતરી રહ્યા છે. અચાનક એક ઘોડાનો પગ લપસ્યો. એ ઠોકર ખાઈને ધુડામ દઈને નીચે બેસી પડ્યો. કદાચ ઘોડાના પગમાં મોચ આવી હશે. હવે તે ચાલવા લાયક ના રહ્યો ઘોડેસવાર ચિંતાતુર હતો. એને જવાની ઉતાવળ હતી. એણે નરેશને પાસે બોલાવીને કહ્યું, ‘તમે ઇચ્છો તો કપડાના એક તાકાના બદલામાં હું મારો આ ઘોડો તમને આપી શકું એમ છું.’ આ સાંભળીને તો નરેશને ખૂબ જ આનંદ થયો. એને એવી આશા ક્યાં હતી કે એક તાકાના બદલામાં એક ખૂબ સુંદર ઘોડો મળી જશે. એણે આનંદથી વાત સ્વીકારી લીધી. એક ઘોડાને ત્યાં જ છોડીને બીજા ઘોડા પર સવાર થઈને પેલો ઘોડેસવાર ચાલ્યો ગયો.
 
નરેશને જંગલની જડીબુટ્ટીઓની જાણકારી હતી. તે જડીબુટ્ટીઓ લઈ આવ્યો. એને પથ્થર પર લસોટીને ઘોડાના પણ પર લગાવી. દવાની અસર થઈ. એક-બે કલાકમાં તો ઘોડો ઊભો થઈ ગયો. નરેશે ફરી એકવાર એના પગે દવા લગાવી. ઉપર પટ્ટી લગાવી. એ પછી તે ઘોડાની લગામ પકડીને ચાલવા લાગ્યો. એને આશા હતી કે થોડી વારમાં ઘોડો ચાલવા લાયક થઈ જશે.
 
સાંજ પડવામાં હજુ વાર હતી. તે ઘોડાને લઈને એક ગામમાં આવ્યો. ચાલતાં-ચાલતાં એ થાકી ગયો હતો. ગામની બહાર એક સુંદર ઘર બનેલું હતું. ઘરની બહાર એક વૃદ્ધ દંપતી હાથમાં સામાન લઈને ક્યાંક જવાની તૈયારીમાં હતા. અત્યાર સુધીમાં તો ઘોડો પણ બરાબર થઈ ગયો હતો.
 
નરેશને જોઈને એ બન્નેના મ્હોં પર હાસ્ય ચમકી ઉઠ્યું. વૃદ્ધે કહ્યું, ‘ભાઈ, તું સમયસર આવી ગયો છે. અમારે તીર્થયાત્રાએ જવાનું છે. જવાનું મુહૂર્ત પણ આવી ગયું છે. જવા માટેના સાધનની રાહ જોયા માટે ઊભા છીએ. અમે વિચારી રહ્યાં છીએ કે યાત્રાએ કેવી રીતે જઈશું ? બની શકે તો તમે તમારો ઘોડો અમને આપી દો. બદલામાં અમારું ઘર અને ખેતર તમે રાખી લો. અમે તો લાંબી યાત્રાએ જઈ રહ્યા છીએ શું ખબર પાછાં આવીએ કે ના આવીએ.’ આપ ઘોડો લઈ જાઓ. આપ યાત્રાથી પાછા આવશો ત્યાં સુધી આપના ખેતરની સંભાળ રાખીશ. આમ કહીને નરેશે એમને ઘોડો આપી દીધો.
 
હવે નરેશે ઘર અને ખેતરનો માલિક હતો. ફરી રાત પડી ગઈ. રાતની જેમ નરેશ ખાટલામાં પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો. દેવતાએ મને બધું જ આપ્યું. જે મારે જોઈતું હતું. હવે કાલથી આ ખેતરોમાં સખત મહેનત કરીશ. વૃદ્ધ દંપતી પાછા આવતા સુધીમાં બીજો એક ઘોડો ખરીદી લઈશ. તે મનોમન દેવતાને ધન્યવાદ આપવા લાગ્યો. પછી તો આંખોમાં ઊંઘ ભરાઈ આવી. આવનાર કાલની કલ્પનામાં ડૂબેલો તે ગાઢ નિંદરમાં સૂઈ ગયો.