સદી અને નદી કદી અટકતી નથી : મોરારિબાપુ

    ૧૩-જૂન-૨૦૧૯   

 
 
નદીનું નીરનિરાળું સૌન્દર્ય મને બાળપણથી જ આકર્ષતું રહ્યું છે. શિવરાત્રીએ હું હંમેશા ગિરનારની ગોદમાં જ હોઉં છું. શિવના સાંનિધ્ય સાથે અવધૂતી ચેતનાનો સંસ્પર્શ થાય છે. ગીરમાંથી પ્રગટતી શેત્રુંજી નદીનું રૂપ ચોમાસામાં નવવધૂ જેવું હોય છે. ખંભાતના અખાતને મળતા અને ભળતા પહેલાં સૌરાષ્ટ્રના પંથકને ફળદ્રુપ કરતી જાય છે. ગીરની નજીક મેંદરડા પાસે મધુવંતી નદી વહે છે. આ નદી પહેલાં મધની હતી એટલે એનું નામ મધુવંતી પડ્યું હતું. ભગવાન કૃષ્ણએ આ નદી વહેતી કરી હતી. જોકે આજે આ નદીમાં મધ નહીં પણ પાણી વહે છે પણ આસપાસનું વાતાવરણ મધમીઠું છે. નદીકિનારે આવેલા સોમેશ્ર્વર મંદિરની સુવાસ આબોહવાને જીવંત કરે છે. કૃષ્ણએ દ્વારિકા આવ્યા પછી રાણી રુકમણી સાથે અહીં ચૉરીના ચાર ફેરા ફર્યા હતા. ચોમાસામાં અહીંનું વાતાવરણ સાધના ઉપાસના કરવા પ્રેરે એવું છે. જાણે પ્રકૃતિનું પરમધામ...
 
રામાયણમાં મહર્ષિ વિશ્ર્વામિત્ર ગંગાની ઉત્પત્તિની વાત કરે છે. સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો જેટલી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્ર્વમેધ યજ્ઞ કરવાનું નક્કી કર્યું ત્યારે યજ્ઞમાં વિઘ્ન ઊભું કરવા ઇન્દ્રે વિચાર્યું અને અશ્ર્વને કપિલમુનિના આશ્રમમાં મૂકી આવ્યા. સગરના પુત્રો ઘોડાને શોધતા શોધતા આશ્રમમાં પહોચ્યા. કપિલમુનિને અશ્ર્વ ચોરવાનું આળ આપ્યું. કપિલમુનિ ગુસ્સે થયા અને તેમને બાળીને ભસ્મ કરી નાખ્યા. સગરને આ વાતની જાણ થઈ અને પોતાના સંતાનની સદ્ગતિ માટે પ્રાર્થના કરી હતી. સ્વર્ગની નદી ગંગાને જો ધરતી પર અવતારવામાં આવે અને તેમાં પુત્રોનાં અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન ત્યારબાદ દિલીપ વગેરે ગંગાને અવતારવાના પ્રયત્ન કરે છે. સતત તપ કરે છે. પેઢી દર પેઢી આ આરાધના ચાલુ રહે છે. છેવટે ભગીરથ ગંગાને ધરતી પર અવતારવામાં સફળ રહે છે. ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો પાતાળમાં જતી રહેશે. એટલે ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલવા માટે વિનંતી કરી અને શિવે સ્વીકારી. શંકરે પોતાની જટામાં ગંગાને ઝીલી, પછી ગંગાની નાની ધારને ધરા પર પડવા દીધી. ભગીરથ જ્યાં પણ ગયા ત્યાં ત્યાં ગંગા પાછળ પાછળ આવ્યાં. રસ્તામાં જ્હનુઋષિના આશ્રમમાં વિનાશ કર્યો એટલે ઋષિ ગંગાને પી ગયા. ભગીરથની કથની જાણી એટલે એમણે કાનમાંથી બહાર કાઢી. આમ તે જ્હનુની પુત્રી ગણાય એટલે એમનું નામ જ્હાનવી પણ પડ્યું. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઈ ગયા કે જ્યાં સગરના પુત્રોનાં અસ્થિ હતાં. આમ સગરના પુત્રોને સદ્ગતિ પ્રાપ્ત થઈ. ભારતીય સંસ્કૃતિનો વિકાસ નદીકિનારે જ થયો છે. આપણા ઘડતરમાં નદીને બાદ કરીએ તો જીવનના બધા જ વળાંકોની બાદબાકી થઈ જાય છે. મોહે જો દરોથી આજની સંસ્કૃતિ સુધી પહોંચતાં માનવવિકાસ વિસ્તાર્યો. રક્ષા શુક્લ કહે છે કે -
 
આખેઆખું જીવન આપ્યું, પળ તો લ્યો.
નદિયુંમાંથી પાણી સાથે ખળખળ તો લ્યો.
 
નદીને આપણે એક દૃષ્ટિથી જોઈ છે. એકાંતમાં શાંત ચિત્તે નિહાળશો તો ખ્યાલ આવશે કે નદીના કેવા રંગ-ઢંગ છે. સદીઓથી વહેતી ક્ષીપ્રા નદી હોય કે મારા ગામની માલણ હોય, આપણને કૈંક કહેવા માંગે છે, પણ આપણે કાનસેન ક્યાં બની શકીએ છીએ ? અયોધ્યાકાંડમાં ગોસ્વામીજી કહે છે કે...
 
नदी पुनीत पुरानी बखानी, अत्रिप्रिया निज ताप बल आनी |
सुरसरि धार नाऊं मंदाकिनी, जो सब पात पोटकडाकिनि |
 
અત્રિ મુનિનાં ધર્મપત્ની અનસૂયા પોતાના તપોબળથી મંદાકિનીને ચિત્રકૂટ લાવ્યા હતા. આ સ્થળ જોઈ રામે કહ્યું કે હે લક્ષ્મણ, આનો બહુ જ સુંદર ઘાટ છે, સારી જગા જોઈ, આસપાસ રહેવાની વ્યવસ્થા કરો. લક્ષ્મણે ઉત્તર કિનારો જોયો તો તે ધનુષાકારનો હતો. નદી જાણે એ ધનુષ્યની દોરી છે, ચિત્રકૂટ કાબેલ શિકારી છે, તે પોતાનું નિશાન ક્યારેય ચૂકતો નથી. રામાયણમાં નદીના અદ્ભુત અલૌકિક વર્ણનો છે. આપની અનેક પૌરાણિક કથાઓમાં જળનું માહાત્મ્ય દર્શાવાયું છે. પહેલાંના સમયમાં આજની જેમ ઘરે નળમાં પાણી આવતું ન હતું, પણ તોય જળસંકટ સર્જાયું ન હતું. કેમ કે ત્યારે પાણીનો બગાડ થતો ન હતો. આજે એટલી બધી સુવિધા પછી પણ જળસંકટનો સામનો કરીએ છીએ. જયશ્રી કૃષ્ણ સાથે જળશ્રી કૃષ્ણ મંત્ર પણ બોલવાની જરૂર છે.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી