એક સ્ત્રી માટલામાં આઠ પ્રકારના પાપ વેચતી હતી જેની કાલિદાસને પણ ખબર ન હતી

    ૧૩-જૂન-૨૦૧૯


 
મહાકવિ કાલિદાસ એક દિવસ ફરતા-ફરતા ‘હાટ’માં પહોંચ્યા. ત્યાં એક મહિલા બેઠી હતી. તેની સામે ત્રણ-ચાર માટલાં અને કેટલીક પ્યાલીઓ પડી હતી. સ્ત્રી મોટે-મોટેથી ‘પાપ લઈ લ્યો... પાપ’ની બૂમો પાડી રહી હતી. કાલિદાસ ચોંક્યા અને સ્ત્રીને પૂછ્યું, ‘બહેન, તું શું વેચે છે? આ માટલાંઓમાં આઠ પ્રકારનાં પાપ છે, હું દરરોજ તે વેચું છું અને લોકો હોશે હોશે ખરીદે પણ છે, પેલી સ્ત્રીએ કહ્યું, કાલીદાસને હવે પેલી સ્ત્રીની વાતોમાં રસ પડ્યો અને પૂછ્યું, અચ્છા, આ માટલામાં કયાં આઠ પ્રકારનાં પાપ છે ? સ્ત્રીએ જવાબ આપ્યો, ક્રોધ, બુદ્ધિનાશ, પત્ની-બાળકો પર અત્યાચાર અને અન્યાય, ચોરી, અસત્ય, દુરાચાર, પુણ્યનો નાશ અને સ્વાસ્થ્યનો નાશ. કાલિદાસના આશ્ર્ચર્યનો પાર ના રહ્યો અને પેલી સ્ત્રીને કહ્યું, મેં આટ-આટલાં શાસ્ત્રો વાંચ્યાં, પરંતુ એક પણ જગ્યાએ નથી વાંચ્યું કે એક માટલામાં આટલા પ્રકારનાં પાપ હોય છે. આ માટલામાં એવું તો શું છે ? પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, મહારાજ, આ માટલામાં ‘દારૂ’ છે. સ્ત્રીના આ વાકચાતુર્યથી કાલીદાસ આભા જ બની ગયા. તેઓએ કહ્યું, ધન્ય છે તને બહેન દારૂમાં આઠ પ્રકારનાં પાપ છે. તે તું જાણે છે, અને લોકોને ચેતવે છે અને ધિક્કાર છે એ લોકોને જે દારૂના આ દોષો - પાપને જાણતા હોવા છતાં તેનું પાન કરે છે.