તેલંગણાનું એક એવું ગામ જ્યા દરેકની સવાર રાષ્ટ્રગીતથી થાય છે

    ૧૩-જૂન-૨૦૧૯

  
 

તેલંગાણા (Telangana ) નું નાનું ગામ જમ્મુકુંટા  ( Jammikunta ) દરરોજ સવારે ૧ મિનિટ થોભી જાય છે

 
તેલંગાણા રાજ્યના એક નાનકડા ગામ જમ્મુકુંટા માં દરરોજ સવારે ૮.૦૦ કલાકે જનજીવન ૧ મિનિટ માટે થોભી જાય છે. કેમ કે, અહીંના લોકો રાષ્ટ્રગીત ગાવા માટે દરરોજ એક મિનિટ ઊભા રહી જાય છે. હૈદરાબાદથી ૧૪૦ કિ.મી. દૂર આવેલા કરીમનગર જિલ્લાના આ નાનકડા કસબામાં ૧૫ ઓગસ્ટ, ૨૦૧૭થી રાષ્ટ્રગીત લોકોની દિનચર્યાનો એક ભાગ બની ગયું છે. આ એક સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની પહેલ છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં દેશભક્તિની લાગણી જગાડવાનો છે.
  
 
સવારે ૭.૫૮ કલાકે લોકોને સાવચેત કરવા માટે શહેરનાં ૧૬ જાહેર સ્થળે સંબોધનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તેલુગુ અને હિન્દી ભાષામાં જાહેરાત કરવામાં આવે છે. જાહેરાતની બે સેકન્ડ પછી રાષ્ટ્રગીત (National Anthem ) વાગવાનું શરૂ થઈ જાય છે.
 

 
 
રાષ્ટ્રગીત વાગવાની શરૂઆત થતાંની સાથે જ વાહનો જ્યાં હોય ત્યાં જ ઊભાં રહી જાય છે તો પગે ચાલતા લોકો પણ પોતાના સ્થાને ઊભા રહી જાય છે. રાષ્ટ્રગીતને સન્માન આપવા માટે ઓફિસ જતા લોકો હોય કે પછી રોજિંદા કામદાર, સ્કૂલના બાળકો હોય કે ઘરમાં કામ કરતી મહિલાઓ, તમામ લોકો બાવન સેકન્ડ માટે પોતાનાં તમામ કામ છોડીને ઊભાં રહી જાય છે અને રાષ્ટ્રગીત ગાય છે. રાષ્ટ્રગીત પૂરું થયા પછી લાઉડસ્પીકર પર દેશભક્તિનાં ગીતો વગાડવામાં આવે છે. જો કે, રાષ્ટ્રગીત પૂરું થયા પછી લોકો ફરી પોતાના કામે લાગી જાય છે.