ઉનાળાની કવિતા | તડકાનું તોફાન અને ઉનાળાની ગર્મીનું અદ્‌ભુત વર્ણન

    ૧૩-જૂન-૨૦૧૯   

 
 
તડકાનું તોફાન જામ્યું છે, અચાનક જ વૃક્ષની છાયા શીતળતાના શ્ર્લોક જેવી બની ગઈ છે. વહેલી સવારનો પવન દાબડીમાં મૂકી રાખવાની ઇચ્છા થઈ આવે છે. સવારના પવનની દોડાદોડ વેકેશનમાં રમતા નાના છોકરાઓ જેવી છે, મસ્ત, બેફિકર અને નિર્દોષ. સવારે બગીચામાં બહુ લોકો ચાલી રહ્યા છે, કો’ક ડાયાબિટીસને હરાવવા બહાર નીકળ્યા છે તો કો’ક મહાન ખેલાડી થવાની ઇચ્છા લઈને દોડી રહ્યા છે. સવારનું અજવાળું ક્યાંક ભજન જેવું ડોલતું દેખાય છે તો ક્યાંક એ છાપાની જેમ પથરાયું છે. કો’કનું બોલવાનું ઊકળતી ચા જેવું છે તો કો’ક ફ્રીઝમાં પડેલા દૂધ જેવા ઠંડા છે. સવારે આઠ વાગ્યે તો કોઈ એન્જિનમાં કોલસા નાંખે અને એંજિન ધીરે ધીરે ગરમ થાય તે રીતે ગરમી પકડાય છે, બાર વાગતાં વાગતાં તો અગનજ્વાળાઓ ઊઠતી હોય તેવું વાતાવરણ બની જાય છે. એપ્રિલ અગ્નિલ બની ગયો છે.
 
બપોરે તો જાહેરનામા વગરનો કર્ફ્યું જોવા મળે છે. આછા ટ્રાફિકથી પહોળા લાગતા રસ્તાનો થાક ઢાંકી નથી શકાતો, ફ્લાય-ઓવરની અંગડાઈ સાંજે લાગે છે તેટલી સુંદર નથી લાગતી, પરંતુ ઝાંઝવાની નદીમાં પૂર આવ્યું હોય તેવું તો જરૂર લાગે છે. એરકન્ડિશન્ડ સમાજ અને વેંરકન્ડિશન્ડ સમજ એકસાથે એક રુમમાં ગોઠવાયા છે. ઝાડની છાયામાં બેઠેલી એક વૃદ્ધા સૂર્યને શાપ આપવાની તૈયારી કરે છે ત્યારે જ એની ભાષા સુકાઈ જાય છે, એના ચહેરા પરની કરચલીઓમાં સંતાયેલું ગામનું સુકાઈ ગયેલું તળાવ છલકાઈ રહ્યું છે. વૃક્ષની છાયામાં બેઠેલી એક ગાય નિરક્ષર હોવાનો ઢોંગ કરે છે છતાંયે ફીલોસોફર લાગ્યા વિના રહેતી નથી. સામેની લારી પર તડબુચ વેચવા આવેલી બાઈના પાલવે બંધાયેલા પૈસા એની કાચી ઉંઘને પોષી રહ્યા છે. રીક્ષામાં બેઠેલો ડ્રાઈવર ગ્રાહકની રાહ ના જોતો હોય તેવી બેફિકરાઈ સીંચી રહ્યો છે. ઝાડ નીચે બેઠેલા મોચી પગલાંને બાંધવાની રમતમાંથી બહાર આવી ગયો છે. વેકેશનને કારણે શાળા ઊંઘી ગઈ છે, બે-ત્રણ બારીમાંથી શિક્ષકોના અવાજ સંભળાય છે, એ પેપરો જોતાં જોતાં માર્ક્સનો સરવાળો કરતા હોય તેમ લાગે છે, કારણ શાળાની બારીમાં બેઠેલા હોલાના અવાજમાં મૌન ગવાય છે, ઘવાય પણ છે. પરસેવે રેબઝેબ ટપાલી જે મેગેઝીન નાખી ગયો છે તેનું ગદ્ય થોડું થાકેલું લાગે છે, ટપાલમાં આવેલા કવર-વગરના-આમંત્રણ-કાર્ડમાં લખાયેલા સાંજના સમયની નિરાંત સ્પષ્ટ સંભળાય છે. આથમતી બપોરની ચા પીવાની ઇચ્છા થતી નથી, પરંતુ બપોરની વામકુક્ષીના છાંટા લૂછવામાં છાશ કામમાં નહીં આવે તેવી માન્યતાથી ‘ચા’ પીવાય છે.
 
સાંજે તડકાને પરાસ્ત થતો જોવાની મઝા આવે છે. સમીસાંજનો પવન કશા વાજિંત્રો વિના આવે છે, એની આગળ સવારે હતી એવી કોઈ સુરાવલીઓની મહેંક નથી. સવારના છાપામાંથી ઊઠતા બારાખડીના બૂમબરાડા પણ નથી. જે છે તે એની ચાલ છે, તડકાની તોતીંગ દિવાલમાંથી ફૂટી નીકળેલી એક વેલની નજાકત છે, કોમળ અંગોમાં પણ મક્કમતાનું મુખરગીત સંભળાય છે, અંગડાઈ લે તો ગરમ રેતના ઢગલામાંથી એક ધૂળ-ક્ધયા જાણે કે આળસ મરડીને ઉભી થાય છે. કો’ક અહલ્યાની અદા હોય છે. શીતસ્પર્શની કવિતા હોય છે, સામેના આંબા પર ઊગેલી તાજી મંજરી જાણે કે હમણાં જ જાગેલી કો’ક યુવતીની આંખોની જેમ નજર ફેલાવે છે. તડકાના તકાજાને અવગણતો ટ્રાફિક થોડો વધારે બોલકો બને છે, સાંજની શીતળતાને આવકારવા માળી પાણી છાંટવાનું શ‚ કરે છે. બે દુકાનદારો છાપાને ઓશીકા નીચે દબાવી ઊભા થાય છે, એમના મોં ધોવાથી નાનકડા બજારમાંથી તડકાના તીડ ઉડી જશે એવી લાગણી જન્મે છે. ઑફિસમાંથી નીકળેલા મોટરસાઈકલના ધણમાં વિજયનો થોડો ઉન્માદ દેખાય છે. રાતના પરફોરમન્સ માટે ગ્રીન‚મમાં આવેલા તારાઓ થોડા થોડા દેખાય છે, નવરા કોઈ જ્યોતિષીની ટીપણામાં. બગાસું ખાતો વડ ક્યારનોયે કશુંક પામી ગયો છે, એની તત્ત્વજ્ઞાની જેવી દાઢી ફરફરી રહી છે, મારી ભાષા આવા જ કો’ક ઉનાળાની બપોરનો અંત આવે તેની રાહ જોઇને બેઠા છે. ઉનાળાની ભાષા કરતાં ભાષાનો ઉનાળો આકરો હોય છે. આવામાં એકાદ વૃક્ષની ડાળ પર ખિસકોલી કશુંક ટાઇપ કરતી હોય તેવું સંભળાય છે, કદાચ, એ ઉનાળા પર નહીં લખાયેલી કવિતા તો નહીં હોય ને ?