સચિને સ્પાર્ટન કંપની પર કેસ કરી ૧૪ કરોડ રૂપિયાની માંગ કેમ કરી?

    ૧૪-જૂન-૨૦૧૯

 
 
ક્રિકેટજગતનો મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે એક કંપની પર કેસ કર્યો છે. ખેલજગત ક્ષેત્રે સંકળાયેલી સ્પાર્ટન નામની કંપની પર સચિને કેસ કર્યો છે. સચિનનો આરોપ છે કે આ કંપનીએ પોતાની પ્રોડક્ટનો પ્રચાર કરવા તેના નામનો અને તેની તસવીરનો ઉપયોગ કર્યો છે. આ કેસ કરીને સચિને સ્પાર્ટન પાસેથી ૨૦ લાખ ડોલર(૧૪ કરોડ રૂપિયા)ની રોયલ્ટી પણ માંગી છે.
ન્યુઝ એજન્સી રોયટર્સના એક રીપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૬માં સચિન અને સ્પાર્ટન કંપની વચ્ચે એક કરાર થયો હતો. આ કરાર મુજબ આ કંપની એક વર્ષ સુધી તેની પ્રોડક્ટ પર સચિનનો ફોટો છાપશે અને તેના નામનો ઉપયોગ પણ પ્રોડક્ટ માટે કરશે. આ માટે કંપની સચિનને ૧૦ લાખ ડોલર (૭ કરોડ રૂપિયા) ચૂકવશે. આ કરાર પછી કંપનીએ તેની ટેગ લાઈનમાં પણ સચિનના નામનો ઉપયોગ કર્યો હતો. “સચિન બાઈ સ્પાર્ટન” આ ટેગલાઈન થકી કંપનીએ સચિનની લોકપ્રિયતાનો ખૂબ લાભ ઉઠાવ્યો. પણ હવે જ્યારે સચિનને પૈસા ચૂકવવાનો વારો આવ્યો તો કંપની હવે આનાકાની કરે છે.
 
સચિન ફોન કરીને પેમેન્ટની વાત કરે છે તો કંપની તરફથી કોઇ જવાબ મળી રહ્યો નથી. આથી સચિને તરત કંપનીને પોતાના નામ અને ફોટાનો ઉપાયોગ ન કરવાનું જણાવ્યુ અને કંપની સાથેના બધા જ કરારનો અંત લાવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે આટલું કર્યા પછી પણ કંપનીએ સચિનનું નામ અને ફોટો પોતાની પ્રોડક્ટ પર ઉપયોગ કરવાનું ચાલુ જ રાખ્યું છે. આથી સચિને હવે આ કંપની પર કેસ કર્યો છે…