આજે હિન્દુ સામ્રાજ્ય દિવસે યાદ કરીએ શિવાજીનો એ રાજ્યાભિષેક

    ૧૫-જૂન-૨૦૧૯   

 
 

... અને શિવાજીનો ‘છત્રપતિ’ તરીકે રાજ્યાભિષેક થયો

 
૧૬૭૪માં શિવાજી મહારાજનો અભૂતપૂર્વ રાજ્યાભિષેક થયો, પરંતુ એના પહેલાં રાજ્યાભિષેક બાબતે અનેક સવાલો ઊભા થયા હતા. એ સમગ્ર ઘટના, એ સવાલો, તેના ઉકેલ અને ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેકના અવસરની ઉજવણી અહીં રજૂ કરી છે...
 
શિવાજી મહારાજે કરેલી પ્રગતિ કેટલાક મરાઠાઓને પસંદ પડી નહીં, માટે તેઓએ વાંધો ઉઠાવ્યો કે શિવાજી મહારાજ એ અસલ મરાઠા-ક્ષત્રિય નથી, માટે તેઓને ગાદી ઉપર બેસવાનો સહેજ પણ અધિકાર નથી.
 

જ્યારે કેટલાંક લોકોએ કહ્યું કે શિવાજીને ગાદીએ બેસવાનો અધિકાર નથી

ત્યાર પછી બ્રાહ્મણ લોકોની સભા બોલાવી. તે સભામાં પણ એકમત થઈ શક્યો નહીં, પછી કાશીક્ષેત્રના નામાંકિત પંડિત જે નાશિક બાજુમાં આવેલા હતા તેમને સન્માનપૂર્વક શિવાજીના માણસોએ ‘રાયગઢ’ પર બોલાવ્યા. તેમનું નામ પંડિત ગાગા ભટ્ટ હતું. તેઓએ શિવાજી મહારાજનો કુલ વૃતાંત તપાસતાં તે રાજસ્થાનના સિસોદિયા વંશના છે તેની ખબર પડી. એટલે તે ઉચ્ચક્ષત્રિય વંશના છે તેની ખાતરી થઈ અને બીજાને પણ તેમણે એવી ખાત્રી કરી આપી.
 

 
 

પંડિત ગાગા ભટ્ટે શિવાજી મહારાજની મદદે આવ્યા

 
શિવાજી મહારાજને ‘જનોઈ’ આપેલી નહોતી. બ્રાહ્મણોને પણ જનોઈ ન આપવામાં આવે તો તે પણ ક્ષત્રિય થતા નથી.
પંડિત ગાગા ભટ્ટે શિવાજી મહારાજની સર્વે હકીકત જાણ્યા પછી કહ્યું કે, શિવાજી મહારાજે ‘ગાદી ઉપર’ બેસવું જ જોઈએ અને તે પણ વિધિપૂર્વક ! ત્યારબાદ પં. ગાગા ભટ્ટે રાજ્યારોહણ માટેનું મુહૂર્ત કાઢી આપ્યું અને પછી સર્વે કાર્યક્રમો વેળાસર અને બરાબર થવાં જ જોઈએ એ માટે એક ચોપડી તૈયાર કરી આપી. તેમાં કઈ કઈ વેળા શું શું કરવાનું છે તે સર્વે વિધિ સાથે લખેલું હતું. તે ચોપડી પ્રમાણે સર્વે કાર્યક્રમ નક્કી થયો અને તે પ્રમાણે ઉત્સવ ઊજવવાનું નક્કી થયું. રાજ્યારોહણ માટેનું મુહૂર્ત શાલિવાહન શકે ૧૫૯૬ જ્યેષ્ટ સુદ ૧૩ શનિવારના પરોઢના પાંચ વાગ્યાનું નક્કી કરવામાં આવ્યું.
 
રાયગઢ કિલ્લા પર રાજ્યારોહણ સમારંભ થવાનો હોવાથી શિવાજી મહારાજના સગાંસંબંધી, મિત્ર, સાધુ, સંત, વિદ્વાન પુરુષો, પંડિતો, પરદેશના દૂતો, ગાયકો, નર્તકી, અખાડાવાળાઓ, તમાશાવાળા વગેરે આવવાના હતા માટે રહેવાનું, જમવાનું, વ. માટેનાં સાધનોની ઉત્તમ સગવડ કરી હતી અને તે કામ ઉપર જુદાજુદા કુશળ માણસોની ગોઠવણ કરી હતી. આવેલા બધા માણસોને સારી સગવડ મળવી જ જોઈએ એવી મહારાજની ઇચ્છા હતી. રાયગઢ કિલ્લા ઉપર મોટું બજાર પણ શરૂ કરવામાં આવ્યું હતું. તે બજારમાં જે જોઈએ તે મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
 

પં. ગાગા ભટ્ટે હવે મહારાજાને લગ્ન કરવા માટે પરવાનગી આપી 

 
હવે મહારાજ બ્રહ્મચારી થયા. મહારાજનાં લગ્ન તો થયેલાં હતાં જ, તો હવે તેમની પત્નીઓનું શું ? પં. ગાગા ભટ્ટે હવે મહારાજાને લગ્ન કરવા માટે પરવાનગી આપી. તેમની સૂચના મુજબ મહારાજનાં જે પત્નીઓ હતાં તેમની જોડે લગ્ન કરવાનું નક્કી થયું. તા. ૩૦ મે ૧૬૭૪ના રોજ સોયરાબાઈ જોડે મહારાજાનું સમંત્રક લગ્ન થયું. ત્યારબાદ પુંતળાબાઈ વિગેરે જોડે ઉપર પ્રમાણે સમંત્રક લગ્ન થયું.
 
પં. ગાગા ભટ્ટના કાર્યક્રમ મુજબ કાર્યક્રમ શરૂ થયેલો હતો. ગ્રહશાંતિ, યજ્ઞયાગ, વિનાયક શાંતિ, ગણેશ સ્થાપના વિગેરે સર્વે કાર્યક્રમ મહારાજાના હસ્તે થવાનાં હતાં. એટલે શિવાજી મહારાજને વ્રતસ્થ રહેવું પડેલું. તેઓ દુગ્ધપાન અને ફળાહાર કરીને શ્રદ્ધાયુક્ત મનથી સર્વે કાર્યક્રમ કરતા હતા.
 

૧૬૦ પૌંડ સોનું વાપરવામાં આવ્યું

 
પ્રાથમિક કાર્યક્રમ થયા બાદ જેઠ સુદ ૧૧, તા. ૪ જૂન, ૧૬૭૪ના રોજ મહારાજની સુવર્ણતુલા કરવામાં આવી. તે માટે ૧૬૦ પૌંડ સોનું વાપરવામાં આવ્યું. તે સર્વે સોનું ધર્મદાનમાં વાપરવામાં આવ્યું. ત્યારબાદ મહારાજની ચાંદી, તાંબુ, માખણ, ફળો, મસાલાઓ વગેરેથી તુલા કરવામાં આવી અને તે સર્વેનું દાન કરવામાં આવ્યું.
 
હવે જેઠ સુદ ૧૩, તા. ૬ જૂને ૧૬૭૪નો શુભ મંગલ દિવસ ઊગ્યો. રાયગઢ ઉપર આનંદ આનંદ થયો હતો. તે દિવસે પરોઢના પાંચ વાગ્યાનું મુહૂર્ત શિવાજી મહારાજના રાજ્યાભાષિક માટેનું હતું. તે પહેલાં જ મહારાજના અષ્ટપ્રધાનો, સગાસંબંધી વગેરે વેળાસર હાજર થઈ ગયાં હતાં. ગુ‚જીની સૂચના મળતાંની સાથે શિવાજી મહારાજ પત્ની સોયરાબાઈ તથા પુત્ર સંભાજી સોનાના બાજઠ ઉપર બેસી ગયા. પછી વિધિપૂર્વક અભિષેકનો કાર્યક્રમ શરૂ થયો. ઘી, દૂધ, દહી, ગંગાજળ, સમુદ્રનું પાણી વગેરેનો અભિષેક કરવાનું શરૂ થયું. પં. ગાગા ભટ્ટ તેમજ, મહારાજના કૌટુંબિક ગુરુજી હાજર હતા તે સર્વે ગુરુજીઓ વેદ મંત્રોચ્ચાર કરતા હતા ત્યાર પછી ગરમ પાણીથી સ્નાન થયું. તે થતાંની સાથે સુવાસિનીઓએ (સ્ત્રીઓએ) તેમની આરતી ઉતારી. પછી કાંસાના વાસણમાં ઘી ભરેલું હતું તેમાં મહારાજે પોતાનું મોં પં. ગાગા ભટ્ટની સૂચનાથી જોયું. પછી શુભ્ર વસ્ત્રો અને કીમતી અલંકાર ધારણ કર્યાં. બાદ શિવાજી મહારાજે પોતાની તલવાર, ઢાલ, ધનુષ્ય, બાણ વગેરે આયુધોની પૂજા કરી અને તે સર્વે શસ્ત્રોનો સ્વીકાર કર્યો અને સિંહાસન ઉપર બેસવાના કાર્યક્રમ માટે હળવે હળવે ચાલવા લાગ્યા. પછી પોતે તથા રાણીસાહેબ અને પુત્ર સંભાજી પોતાના કુલગુરુને, પં. ગાગા ભટ્ટને તેમજ વિદ્વાનમંડળી બ્રાહ્મણોને વંદન કરીને પોતાનાં વૃદ્ધ માતુશ્રી જીજાબાઈને વંદન કરવા માટે ગયા.
 
વંદન કરીને અને તેમના આશીર્વાદ લઈને સુવર્ણ તથા રત્નોથી બનાવેલા સિંહાસન પાસે આવ્યા. સુંદર રીતે શણગારેલો દરબારખંડ ગીચોગીચ ભરાઈ ગયો હતો.
 

અને શિવાજી મહારાજ સિંહાસન ઉપર બેઠા 

 
મુહૂર્તની ક્ષણ આવતાં જ ગાગા ભટ્ટે મહારાજને જાણ કરી અને મહારાજે જાજમ ઉપર, જમણા ગોઠણ પર બેસી સિંહાસનને વંદન કર્યું. ગાગા ભટ્ટ તથા બીજા પંડિતોએ વેદ-મંત્રોનું ઉચ્ચારણ શરૂ કર્યું. વેદમંત્રો બોલાતા હતા તે સમયે શિવાજી મહારાજ સિંહાસન ઉપર બેઠા. તે બેસવાની સાથે મંગલ વાદ્યો, નગારાંઓ વિગેરે વગાડવાની શરૂઆત થઈ અને પછી તરત જ તોપોના અવાજ દશે દિશામાં પહોંચી ગયા. તે અવાજ સાંભળતાંની સાથે રાજ્યમાં સર્વ ઠેકાણે તોપોની સલામી આપવામાં આવી. તેનાથી રાજ્યમાં સર્વે લોકોને ખબર પડી કે શિવાજી રાજા રાજગાદી ઉપર બેઠા.
 
મહારાજ ગાદી ઉપર બેસતાંની સાથે સોના, ‚પાના બનાવેલાં ફૂલો તથા ખરાં ફૂલો તથા અક્ષત વિગેરે શિવાજી મહારાજ ઉપર આનંદથી નંખાતાં હતાં.
 
મહારાજ સિંહાસન ઉપર બેઠા પછી જરા શાંતિ મળતાંની સાથે ૧૬ સ્ત્રીઓએ તથા કુંવારી ક્ધયાઓએ હાથમાં આરતીની થાળીઓ લઈને શિવાજી મહારાજને કંકુ-તિલક કર્યું અને આરતી ઉતારી. મહારાજે આવેલી સ્ત્રીઓ તથા કુંવારી ક્ધયાઓને તથા બાળકોને વસ્ત્રાલંકાર આપ્યા પછી ગાગા ભટ્ટે હાથમાં રત્નજડિત રાજછત્ર લઈને મહારાજના માથા પર ધર્યું અને મંત્રોચ્ચારમાં ઘોષણા કરી કે ‘શિવાજી રાજા આજથી છત્રપતિ થયા છે. ક્ષત્રિય કુલાવતંસ મહારાજ સિંહાસનાધીશ્ર્વર રાજા શિવ છત્રપતિ જય ! જય !!’ તરત જ બીજા શાસ્ત્રીઓ પંડિતો વિગેરે આગળ આવ્યા. તેઓેશ્રીએ મહારાજને આશીર્વાદ આપ્યા. મહારાજે તેઓને વંદન કર્યું. પછી અષ્ટપ્રધાનો આગળ આવીને મહારાજાને વંદન કરીને નજરાણું આપતા ગયા. મહારાજાએ પ્રેમથી તેમના નજરાણાનો સ્વીકાર કર્યો.
 
ઇંગ્લીશ વકીલ હેનરી ઓક્ઝિન્ડન પોતાના સેક્રેટરી સાથે આગળ આવ્યો, મહારાજને નમીને તેણે અભિવાદન કર્યું અને હાથમાં એક મૂલ્યવાન અંગૂઠી આપી અને નજરાણું ધર્યું. મહારાજાએ તેનો સ્વીકાર કર્યો. મહારાજાએ હેનરીને આગળ બોલાવ્યા અને સન્માનપૂર્વક વસ્ત્રાલંકાર ભેટમાં આપ્યાં. આ પ્રમાણે નજરાણાનો કાર્યક્રમ આગળ ચાલ્યો. તે પતી ગયા બાદ શિવાજી મહારાજની દળસવારી, સરઘસાકારે દેવદર્શન કરવા નીકળી.
 

સૌથી પહેલા માતા  જીજાબાઈ પાસે ગયા

 
મહારાજા સુશોભિત હાથી પર બેઠા હતા. સાથે અષ્ટપ્રધાનો, આમંત્રિતો પંડિતો અને જનતા વિ.નો સમાવેશ હતો. શોભાયાત્રા અત્યંત શિસ્તબદ્ધ અને શાંતિથી ચાલતી હતું. રસ્તામાં લોકો મહારાજ ઉપર અક્ષત, દુર્વા, ફૂલો, મમરા વગેરે નાખીને આરતી ઉતારતા હતા. મંદિરે પહોંચ્યા બાદ હાથી ઉપરથી ઊતરીને દેવદર્શન કરી મહારાજા પાછા રાજમંદિર પધાર્યા. મહારાજ અંદર ગયા. ઘરના દેવનાં દર્શન કર્યાં અને પોતાની માતા જીજાબાઈ પાસે આવ્યા. તેમણે માતાને સાષ્ટાંગ પ્રણામ કર્યાં તે ઠેકાણે રાજસ્ત્રીઓએ તેમની આરતી ઉતારી. તે વેળાએ મહારાજાએ સર્વને વસ્ત્રાલંકાર ભેટમાં આપ્યા. પછી મહારાજાએ આવેલા સર્વે મહેમાનોને, પંડિતોને, વિદ્વાન લોકોને, સાધુસંતો, ગરીબો, તેમની યોગ્યતા મુજબ ભરપૂર ભેટો અને દાન કર્યુંં. મહારાજાએ પોતાના અષ્ટ પ્રધાનોને, નોકરવર્ગને સારી સારી ભેટો આપી. હવે ભેટ આપવા માટે ફક્ત એક જ છોકરો રહ્યો - મદારી મેહતર.
 
શિવાજી મહારાજ આગ્રામાં જેલમાં હતા તે વખતે જાનના જોખમે મદારી મેહતરે મહારાજાની સેવા કરી હતી અને પછી મુશ્કેલીથી છૂટીને રાયગઢ આવ્યો. મહારાજાએ તેને પૂછ્યું કે તને શું આપું ? જે માગશે તે મળશે. મદારીએ કહ્યું કે "મારે કાંઈપણ જોઈતું નથી. ફક્ત મહારાજ, મને આપના સિંહાસનની વ્યવસ્થાનું કામ તથા તેના ઉપર ચાદર પાથરવાનું કામ કાયમ માટે આપો ! મહારાજાએ તે વિનંતી માન્ય કરી. આ ઉત્સવ પેટે મહારાજે ૪ કરોડ ૨૬ લાખ ‚રૂ. જેટલી રકમ ખર્ચ કરી હતી. શિવાજી મહારાજે આ વખતે નવો શક શરૂ કર્યો તેને રાજ્યાભિષેક શક નામ આપવામાં આવ્યું. શિવાજી મહારાજે પોતે શરૂ કરેલા શક સંવતને પોતાનું નામ નહી આપતાં રાજ્યાભિષેકના પ્રસંગને જ મહત્ત્વ આપ્યું. સર્વત્ર આનંદ છવાયો, કારણ કે...
સિંહાસન પર આજ બિરાજ્યા,
છત્રપતિ શિવરાય
મંગલ દિન આ હિન્દુરાષ્ટ્રનો,
પ્રગટ્યુ સ્વર્ણ પ્રભાત