ટ્રમ્પ જેના થકી ભારતને ડરાવી રહ્યો છે તે જીએસપી (GSP) શું છે?

    ૧૫-જૂન-૨૦૧૯

 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર પોતાની ચાબૂક વીંઝી દીધી ને અમેરિકાની જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) સ્કીમમાં ફેરફાર કરીને ભારતને તેમાંથી બાકાત કરી નાંખ્યું. અમેરિકા અને ભારત વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી ખેંચતાણ ચાલતી જ હતી. ટ્રમ્પ અમેરિકા ફસ્ટ એ સ્લોગન આપીને અમેરિકાના પ્રમુખ બનેલા તેથી અમેરિકાની કંપનીઓનાં હિતો તેમના માટે સર્વોપરી છે. એ માટે બીજા દેશોને પરેશાન કરવા પડે તો તેમાં પણ તેમને વાંધો નથી.
 
ભારત સાથે પણ તેમનું વલણ એ જ રહ્યું છે ને એ સતત ભારત પર દબાણ કર્યા કરતા હતા કે, અમેરિકાની કંપનીઓને ભારતીય બજારમાં રાહતો આપો. ભારતની પોતાની મર્યાદા છે ને પોતાની કંપનીઓનાં પણ હિતો સાચાવવાં જરૂરી છે તેથી ભારત એક હદથી વધારે પ્રમાણમાં રાહતો આપી શકે તેમ નહોતું. ગિન્નાયેલા ટ્રમ્પે ૪ માર્ચ ૨૦૧૯ના રોજ ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)માંથી બહાર કરવાની ચીમકી આપી હતી ને ૬૦ દિવસનો સમય આપ્યો હતો. ભારતે એ પછી અમેરિકાને સંતોષ થાય એ પ્રકારનાં સમાધાન શોધવા પ્રયત્નો કર્યા પણ તેમાં સફળતા ના મળી.
 
જીદ પર અડેલા ટ્રમ્પને કોઈ રીતે સંતોષ ના થયો ને છેવટે તેમણે ૫ જૂને ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)માંથી બહાર કરી દીધું. ટ્રમ્પના કહેવા પ્રમાણે ભારત પોતાના બજારમાં અમેરિકાને વિકાસની સરખી તક આપશે એવી ખાતરી નથી આપતું તેથી પ્રેફરેન્સિયલ ટ્રેડ સ્ટેટ્સ પાછું ખેંચી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ટ્રમ્પે ભારત અને તુર્કી એ બે દેશોને અપાયેલું પ્રેફરેન્સિયલ ટ્રેડ સ્ટેટ્સ પાછું લેવાનું જાહેર કર્યું છે. તુર્કી પર પણ તેની અસર થશે પણ તેની સાથે આપણને લેવાદેવા નથી. આપણા માટે આપણી નિકાસને શું અસર થશે એ મહત્ત્વનું છે.
 
શું છે જનરલાઈઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ
 
જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)ની શરૂઆત અમેરિકાએ ૧૯૭૬માં વિકાસશીલ દેશોને અમેરિકાના બજારમાં પોતાનો માલ વેચીને વિકાસ કરવાની તક મળે એ માટે કરેલી. આ સિસ્ટમ હેઠળ સંખ્યાબંધ વસ્તુઓને કોઈ પણ કરવેરા (ડ્યુટી) ભર્યા વિના અથવા તો સાવ નજીવો કરવેરો ભરીને અમેરિકામાં નિકાસની મંજૂરી આપવામાં આવે છે. આ સિસ્ટમ હેઠળ અત્યાર સુધી ૧૯ દેશોને લગભગ ૪૮૦૦ વસ્તુઓ અમેરિકાના બજારમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ ભર્યા વિના વેચવાની મંજૂરી મળી છે. અમેરિકા અને બ્રિટન સાથી દેશો છે તેથી બ્રિટન પણ અમેરિકાની નીતિને અનુસરીને વિકાસશીલ દેશોને આ લાભ આપે છે. યુરોપિયન યુનિયન પણ વિકાસશીલ દેશોને જીએસપી હેઠળ કેટલીક વસ્તુઓની નિકાસની મંજૂરી આપે છે. જીએસપીનો મુખ્ય ઉદ્દેશ વિકાસશીલ દેશોની નિકાસ વધારવાનો છે.
 
ભારતે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફેરેન્સિસ (જીએસપી)નો સૌથી વધારે લાભ લીધો છે. આ સ્કીમ હેઠળ ભારતનાં ઉત્પાદનો અમેરિકાના બજારમાં ઠાલવી શકાતાં ને તેમના પર કોઈ ટેક્સ નહોતો લાગતો. જીએસપી હેઠળ ભારતની ઓટો કમ્પોનેન્ટ્સ સહિતની ૩૦૦૦ વસ્તુઓને ટેક્સ ફ્રી નિકાસની સુવિધા મળે છે. જાન્યુઆરીમાં અમેરિકાની કોંગ્રેસમાં રજૂ કરાયેલા રિસર્ચ સર્વિસ રિપોર્ટ પ્રમાણે, જીએસપી વ્યવસ્થાનો સૌથી વધુ લાભ લેનારો દેશ ભારત છે. ભારત આ સ્કીમ હેઠળ લગભગ ૫૬૦૦ કરોડ ડોલરની નિકાસ અમેરિકામાં કરે છે.
 
હવે ટ્રમ્પે ભારતને અપાયેલું આ સ્ટેટસ પાછું ખેંચી લીધું તેથી ભારતની લગભગ ૫.૬ અબજ ડોલરની ભારતીય નિકાસ અમેરિકાના બજારમાં ટેક્સ ફ્રી નહીં રહે. ભારતે બીજા દેશો સાથે સ્પર્ધા કરવી પડે ને એ સ્પર્ધામાં ટકે નહીં. તેના કારણે મોટા ભાગની નિકાસ બંધ થાય. ભારતમાંથી ઈમિટેશન જ્વેલરી, ફૂટવેર સિવાયની લેધર પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, પ્લાસ્ટિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ તથા કૃષિ ક્ષેત્રનો માલ આ સિસ્ટમ હેઠળ મોટા પ્રમાણમાં અમેરિકામાં નિકાસ કરાતો. હવે આ માલ પર અમેરિકામાં ટેક્સ લાગશે તેથી ભારતનો માલ સસ્તામાં નહીં પડે. આ ક્ષેત્રમાં ભારતે ચીન સામે સ્પર્ધા કરવી પડશે કેમ કે ચીન દ્વારા અમેરિકાને થતી નિકાસ જીએસપીમાં સમાવેશ પામતી નથી. ચીનના માલ પર ટેક્સ લાગે છે. હવે ભારત ને ચીન બંનેના માલ પર ટેક્સ લાગે તો સ્વાભાવિક રીતે જ ચીનનો હાથ ઉપર રહે કેમ કે તેનાથી સસ્તો માલ આપણે આપી શકીએ તેમ નથી. સરવાળે ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની નિકાસને મોટો ફટકો પડે.
 
ભારતે જણાવ્યું છે કે, ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની અમેરિકામાં થતી નિકાસ પર કોઈ અસર પડશે નહીં પણ એ વાસ્તવિકતા છે જ કે ભારતની નિકાસને ફટકો તો પડે જ. ભારતનો માલ ઓછો જાય તેથી ઈમિટેશન જ્વેલરી, ફૂટવેર સિવાયની લેધર પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, પ્લાસ્ટિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ તથા કૃષિ ક્ષેત્રને ફટકો પડે. આપણી નિકાસ ઘટે તેથી વિદેશી હૂંડિયામણ ઘટે, રોજગારી પણ ઘટે ને એ રીતે આપણા અર્થતંત્રને ફટકો પડે જ.
ભારત પાસે આ સ્થિતિને પહોંચી વળવાના ત્રણ રસ્તા છે. પહેલો રસ્તો અમેરિકા સામે ઘૂંટણ ટેકવીને તેનાં હિતો સાચવવાનાં છે. બીજો રસ્તો જેવા સાથે તેવા થઈને અમેરિકાના માલ પર પણ જંગી પ્રમાણમાં ડ્યુટી ઠોકવાનો છે અને ત્રીજો રસ્તો જે ક્ષેત્રોને અસર થાય છે તેમને રાહત આપવાનો છે. ભારતે અમેરિકા સામે ઘૂંટણ ટેકવવાનો ઇન્કાર કરી દીધો છે તેથી તો ટ્રમ્પે આ પગલું લીધું. હવે ભારત અમેરિકાનાં એપલ, બદામ સહિતનાં ડ્રાય ફ્રુટ્સ તથા બોરિક એસિડ સહિતનાં કેમિકલ્સ પર ડ્યુટી લાદવાનું વિચારી જ રહ્યું છે. સાથે સાથે જે ક્ષેત્રોને અસર થશે તેમને રીબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સ લેવીઝ સ્કીમ હેઠળ લાભ આપવાની વિચારણા પણ છે જ.
 
ભારત પોતાનાં હિતો સાચવવા આ બધું કરે તેમાં કશું ખોટું નથી પણ સવાલ અમેરિકાની દાદાગીરીનો છે. અમેરિકા પોતાના ફાયદા માટે કઈ હદે જઈ શકે છે તેનો આ વધુ એક નાદાર નમૂનો છે.
 
અમેરિકાની દાદાગીરી સામે ચીનના આક્રમક તેવર, જેવા સાથે તેવા
 
અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટ્રેડ વોર ચાલ્યા જ કરે છે પણ હવે આ વોરમાં નવો વળાંક આવ્યો છે. ચીને પોતાના નાગરિકોને અમેરિકાની યાત્રા નહીં કરવા ચેતવણી આપી છે. ચીને તેના નાગરિકો માટે એડ્વાઈઝરી બહાર પાડીને કહ્યું છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લગતો તણાવ ઘણો વધી ગયો છે તેથી અમેરિકામાં ચીની નાગરિકોને સુરક્ષાનો ખતરો છે અને તેમણે હેરાનગતિ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડશે તેથી ચીનના નાગરિકો અમેરિકા જવાનું ટાળે.
 
ચીને એક દિવસ પહેલાં જ અમેરિકામાં રહીને અભ્યાસ કરતાં અથવા તો અમેરિકા જઈ રહેલા તેના વિદ્યાર્થીઓને આવી જ ચેતવણી આપી હતી. વિદ્યાર્થીઓને પણ બને તો અમેરિકા નહીં જવા કહેવાયું હતું. હવે ચીનના પર્યટન અને સાંસ્કૃતિક મંત્રાલયે અમેરિકા જવા ઇચ્છતા ચીની નાગરિકો માટે પણ એલર્ટ જાહેર કરી દીધું છે. સામાન્ય રીતે કોઈ પણ દેશ આતંકવાદનો ખતરો હોય ત્યારે પોતાના નાગરિકોને બીજા દેશમાં નહીં જવાની સલાહ આપે છે. અમેરિકામાં અત્યારે એવો કોઈ ખતરો નથી પણ ચીને પોતાના નાગરિકોને અમેરિકા નહીં જવાની સલાહ આપીને મેસેજ આપ્યો છે કે, અત્યારે તે અમેરિકાને આતંકવાદીથી ઓછું ગણતું નથી. ચીને તો હાલમાં જ અમેરિકામાં થયેલા ગોળીબારની ઘટનાઓનાં ઉદાહરણ આપીને પોતાના નાગરિકોને ચેતવ્યા છે કે, અમેરિકા જવું હવે ખતરોં સે ખાલી નથી. આ ચેતવણી આ વર્ષના અંત સુધી લાગુ રહેશે.
 
ચીને આ ચેતવણી દ્વારા અમેરિકાને અહેસાસ કરાવ્યો છે કે, અમેરિકાને જ નહીં પણ ચીનને પણ નાક દબાવતાં ને દાદાગીરી કરતાં આવડે છે. ચીન પોતાના વિદ્યાર્થીઓ અને નાગરિકોને અમેરિકા ના જવા દે તેના કારણે અમેરિકાના પ્રવાસન ઉદ્યોગ પર ભારે અસર થાય ને અમેરિકાને મોટો ફટકો પડે. ચીન અને અમેરિકા વચ્ચે ઊભી થયેલી ટ્રેડવોરની સ્થિતિના કારણે એ ફટકાની અસર તો પડવા જ માંડી છે. ગયા વર્ષે ૧૫ વર્ષમાં પહેલી વાર અમેરિકા જતા ચીની પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. હવે ચીને સત્તાવાર રીતે એલર્ટ બહાર પાડ્યું તેથી આ સંખ્યામાં હજુ ઘટાડો થશે.
 
ચીન અને અમેરિકા વચ્ચે વેપારના મામલે ખટપટ હતી જ પણ ચીનની જાયન્ટ ટેલીકોમ કંપની હુઆવે પર અમેરિકાએ પ્રતિબંધ મૂકી દીધો તેના કારણે બંને દેશોના સંબંધો વધારે બગડ્યા છે. એ પછી ચીને બીજી રીતે પણ આક્રમક તેવર બતાવવા માંડ્યા છે. ટ્રેડ વોર અને દક્ષિણ ચીન સમુદ્ર મુદ્દે અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વે ફેંગે સીધો પડકાર જ ફેંક્યો કે, અમેરિકા સાથે મંત્રણા માટે ચીનનાં દ્વાર હજુ પણ ખુલ્લાં છે પણ અમેરિકા ચીન સાથે લડવા માગતું હોય તો અમે પણ છેલ્લી ઘડી સુધી લડી લઈશું.
 

અમેરિકાના ટ્રમ્પને મોદીએ જવાબ આપી દીધો છે

અમેરિકાની દાદાગીરી હવે નહીં ચાલે એવું લાગી રહ્યું છે. અમેરિકાએ ભારતને જીએસપીમાંથી બાકાત કર્યુ તો ભારતે પણ અમેરિકા સામે કડક પગલા ભર્યા છે. ભારતે ૨૯ જેટલી અમેરિકાની વસ્તુઓ પર ઇમ્પોર્ટ ટેક્સ વધારી દીધો છે. આનાથી ૨૧.૭ કરોડ ડોલરનો ભારતને ફાયદો થશે. એવું કહો કે ભારતને આવક થશે. ગયા વર્ષે પણ ભારતે અમેરિકાને આ રીતે સબક શીખવ્યો હતો…
 
જોકે, અમેરિકાની દાદાગીરી અને ચીનનો પ્રતિકાર જોતાં બંને દેશોના સંબંધો નજીકના ભવિષ્યમાં સામાન્ય બને એવી શક્યતા દેખાતી નથી. 
 
 
જય પંડિત