પાકિસ્તાનના કેપ્ટન સરફરાજના બગાસાનો ફાયદો ડાબરે ઉઠાવ્યો છે

    ૨૦-જૂન-૨૦૧૯

 
 
૧૬ જૂન ૨૦૧૯નો એ દિવસ ભારતીયોને અને પાકિસ્તાનીઓને યાદ રહેવાનો છે. આ દિવસે વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ક્રિકેટ મેચ રમાઈ. ભારતની ભવ્ય જીત થઈ. પાકિસ્તાનની હાર થઈ અને એ સાથે જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના ખેલાડીઓની મજાક ચાલુ થઈ ગઈ. આ બધું એટલે સુધી થઈ રહ્યું છે કે પાકિસ્તાનના લોકો પણ તેમના જ ખેલાડીઓની મજાક ઉડાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ અને પાકિસ્તાનના ખેલાડીઓની ફીટનેસને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને પાકિસ્તાની કેપ્ટનના બગાસાની અને ભારતીય કેપ્ટનની સ્ફૂર્તિની…
 
તમે મેચ જોઇ હોય તો ખ્યાલ હશે કે ભારતીય ટીમ જ્યારે પહેલી બેટીંગ કરી રહી હતી ત્યારે ૪૬મી ઓવરમાં વરસાદ પડ્યો. થોડીવાર મેચ વરસાદને કારણે રોકવી પડી. વરસાદ બંધ થયા પછી જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ મેદાને આવ્યા તો કેમેરાની નજર વિકેટ પાછળ ઉભા રહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ પર ગઈ. એ ભાઈ કોઇ સરમ વગર બગાસા ખાતા હતા. આ ભાઈએ એક નહીં બે-બે બગાસા ખાઈ લીધા. કરોડો લોકોએ લાઈવ એ દ્રશ્યો જોયા. આ પછી તો સરફરાજની મજાક સોશિયલ મીડિયા પર ખૂબ થઈ. લોકોએ ખૂબ મીમ બનાવ્યા, ફની કેપ્શન પણ લખ્યા.
 
 
 
 
હવે જાહેરખબરવાળા પણ સરફરાજના આ જાહેરમાં ખાધેલા બગાસાનો ફાયદો ઉઠાવવા આગળ આવી ગયા છે. ડાબર…જાણીતી બ્રાન્ડ છે. આ ડાબરે એક ફોટો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેણે તો માત્ર પોતાની પ્રોડક્ટની જાહેરાત કરી છે પણ સરફરાજના એ બગાસાની મજાક સાથે. ફોટામાં એક બાજુ બગાસા ખાતો સરફરાજનું ચિત્ર છે અને બાજુમાં એક કેપ્શન લખ્યું છે કે “ખોટા સમયે ઉંઘવું મોઘું પડી શકે છે.” બીજી બાજુ ડાબરની પ્રોડક્ટની એક કફ સીરપ મૂકવામાં આવી છે અને નીચે ટેગલાઈન છે “અસર દિખાયે, બિના સુલાયે”