ગુજરાતની રાજ્યસભાની બેઠકના ભાજપના ઉમેદવાર જુગલ ઠાકોર કોણ છે?

    ૨૫-જૂન-૨૦૧૯

 
 

જુગલ ઠાકોર કોણ છે? 

 
અમિત શાહે ગાંધીનગર બેઠક અને સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે. જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર આગામી 5 જુલાઈના રોજ ગુજરાત રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે એક બેઠક પર કેન્દ્રિય વિદેશમંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ લોખંડવાલા(ઠાકોર)ની પસંદગી કરી છે. આ માટે 25 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે કેન્દ્રિય વિદેશમંત્રી એસ જયશંકર જાણીતું નામ છે પણ જુગલ ઠાકોરની જાહેરાત એક સરપ્રાઈસ છે. તો આવો જાણીએ ગુજરાતની રાજ્યસભાની બેઠકના ભાજપના ઉમેદવાર જુગલ ઠાકોર કોણ છે?
 

ઠાકોર સમાજના ભામાશા  

 
જુગલ મથુરજી ઠાકોર. આ તેમનું પૂરૂ નામ છે. તેઓ લોખંડવાલા તરીકે ઓળખાય છે. જુગલના પિતા મથુરજી ઠાકોર સમાજમાં શેઠ તરીકે ઓળખાતા હતા. આ એજ ભાઈ છે જેમણે અલ્પેશ ઠાકોર સામે થઈને ઠાકોર વિકાસ મંચની સ્થાપના કરી અને ઠાકોર સમાજ માટે કામ પણ કર્યુ. તેઓ પહેલેથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ક્યારેય પક્ષ પાસેથી કોઇ માંગણી કરી નથી. જુગલ ઠાકોરની એક સ્વચ્છ છબી ધરાવતા નેતા તરીકેની થાય છે. ઠાકોર સમાજ તેમને ભામાશા તરીકે સંબોધે છે. તે ઠાકોર સમાજના મૂક સેવક અને દાનેશ્વરીની છાપ ધરાવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે પાટણ લોકસભા જીતાડવામાં જુગલ ઠાકોરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

એક પણ ચૂંટણી લડ્યા નથી

જુગલ ઠાકોર શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. શિક્ષણ સંબંધી કામ હોય કે સામાજિક કામ હોય તેઓ હંમેશાં આગળ રહે છે. મજાની વાત એ છે કે અત્યાર સુધીમાં જુગલ ઠાકોર એક પણ ચૂંટણી લડ્યા નથી. ભાજપના એક કાર્યકર્તા તરીકે જ તેમણે હંમેશાં કામ કર્યું છે. પાટણ લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીની પાટણ સભા વખતે નરેન્દ્ર મોદીને હેલિપેડ પર આવકારવાની જવાબદારી જુગલ ઠાકોરને અપાઈ હતી.