બેટ દ્વારકા | જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજ, ઊર્જા અને આત્મા આજે પણ વિદ્યમાન છે

    ૨૮-જૂન-૨૦૧૯

 
 

બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું જીવનાંત શરણાગતિ સ્થાન...

જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજ, ઊર્જા અને આત્મા આજે પણ વિદ્યમાન છે એવી પવિત્ર અને દિવ્ય ભૂમિ બેટ દ્વારકા અને વિશ્ર્વના હિન્દુઓ, અસ્થાળુઓનું પ્રાચિન યાત્રાધામ એટલે દ્વારકા...
આનંદની વાત છે તાજેતરમાં રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકાને જિલ્લાનો દરજ્જો આપ્યો છે, આ જિલ્લામાં દ્વારકા અને ઓખા બે નગરપાલિકાઓ છે. શિક્ષણ ક્ષેત્રે ધો. ૧૨ સુધીની શાળાઓ અને કેટલીક સેલ્ફ ફાઈનાન્સ ધંધાદારી શિક્ષણની સંસ્થાઓ છે...
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે જોડાયેલ ઓખા નગરપાલિકાનો એક વિસ્તાર દરિયાપાર છે, જે બેટ દ્વારકા જ્યાં માત્ર મશીનવાળી બેટ દ્વારા જ જઈ શકાય છે.
 

 
દેશને આઝાદી મળ્યા બાદ શિક્ષણ, આરોગ્ય - ઉપચાર, રોજગારીના અભાવે અહીંથી અનેક હિન્દુ પરિવારો છેલ્લાં વર્ષોમાં હિજરત કરી ગયા છે. બેકારીને કારણે આ પવિત્ર ભૂમિ ઉપર દારૂ, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ફાલીફૂલી છે, તેનો ઈલાજ આવશ્યક છે.
 

 
બેટ દ્વારકા કુદરતી સંપદા ધરાવતું, દરિયા કિનારે આવેલું રમણીય અને સર્વધર્મનો સંદેશો આપતું નગર છે, જ્યાં શિખ, મુસ્લિમ, વૈષ્ણવ - હિન્દુઓના અનેક દેવસ્થાનો છે. આ બેટમાં નાના મોટા ૧૦૦થી પણ વધારે મંદિરો છે, અહીં બેટ દ્વારકાધીશ ભગવાનની પાંચ હજાર વર્ષ પુરાણી મૂર્તિ છે... ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાનગરીનો વહીવટ દ્વારકામાં કરતાં હતાં, પરંતુ તેમની પટરાણીઓ સાથેનો આજીવન નિવાસ હંમેશાં બેટ દ્વારકામાં જ રહ્યો હતો, એટલે જ બેટ દ્વારકાનું વૈશ્ર્વિક મહત્ત્વ છે. બેટ દ્વારકાને પુલ દ્વારા જમીન માર્ગે જોડવા માટે સરકારે રિલાયન્સ, અદાણી, એસ્સાર કે ટાટા સાથે લોક ભાગીદારી કરીને આ પ્રૉજેક્ટને મુર્ત સ્વરૂપ આપવા સમય પાકી ગયો છે, જેથી આ ઐતિહાસિક નિર્માણ કાર્યથી સરકારને માત્ર ગુજરાત કે ભારતમાં જ નહિ, વિશ્ર્વ સ્તરે વ્યાપક પ્રસિદ્ધિ મળશે.
 

 
જેમ સરદાર પટેલે સોમનાથનો ર્જીણોધ્ધાર કરાવ્યો તેવી જ રીતે દ્વારિકા તરફ લક્ષ્ય અપાયું હોત તો એક વધુ પૌરાણિક અને અતિ મહત્ત્વના તીર્થનો જગતના નકશા પર જવાજલ્યમાન મહિમા ઝળહળતો હોત.
કચ્છની માફક બેટ દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે જોડવા પણ વ્યાપક શક્યતાઓ છે, અહીંની દરિયાઈ પટ્ટી પર એવા અનેક સ્થળો છે, જ્યાં ટુરિઝમને પ્રોત્સાહન મળે એવા વિકાસ કાર્યોથી વિશ્ર્વભરના પ્રવાસીઓનું આકર્ષણ બની રહે એવી આ મનોરમ્ય ભૂમિ છે. બેટ દ્વારકામાં આવેલ પદમતીર્થથી ૮૪ ધૂણા સુધીની દરિયાઈ પટ્ટી પર, દરિયાના કાંઠાના ભાગે પેદલ પટ્ટી રોડ બનાવવામાં આવે તો અહીંથી દૃશ્યમાન દરિયાના સૌંદર્યને નિહાળવા પ્રવાસીઓનો ધસારો વધવાની પૂરી સંભાવના છે. બેટ દ્વારકાને પુલ દ્વારા જમીન માર્ગે જોડવામાં આવે અને દરિયાઈ પટ્ટીને પ્રવાસન સ્થળ તરીકે સરકાર વિકસાવે તો દેશનું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બને એવી શક્યતા છે.