શ્રીલંકામાં રાષ્ટ્રગાનનો વિરોધ નથી, ભારતમાં વંદે માતરમનો વિરોધ કેમ ?

    ૨૮-જૂન-૨૦૧૯

 
 
 
સાઉદી અરેબિયામાં રાષ્ટ્રગાનમાં અલ્લાહુ અકબર આવે છે, પાકિસ્તાનમાં ખુદા આવે છે. અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોના રાષ્ટ્રગાનમામ ગોડ આવે છે...જો આ દેશોમાં પંથ પ્રેરિત શબ્દોનો વિરોધ લઘુમતી ન કરતા હોય તો ભારતમાં વંદે માતરમ્‌ અને જન ગણ મનનો વિરોધ કેમ? 
 
 
સાઉદી અરેબિયામાં રાષ્ટ્રગાનમાં ‘અલ્લાહુ અકબર’ આવે છે. પાકિસ્તાનમાં ‘ખુદા’ આવે છે. અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોમાં ‘ગોડ’ આવે છે. શ્રીલંકામાં શ્રી લંકા માતા નમો નમ આવે છે. જો આ દેશોમાં પંથ પ્રેરિત શબ્દોનો વિરોધ લઘુમતી ન કરતા હોય તો ભારતમાં ‘વંદે માતરમ્’ અને ‘જન ગણ મન’નો વિરોધ કેમ? અને તે પણ વંદે માતરમ્ને ટુંકાવી દેવાયા પછી ?
 
તમે અફઘાનિસ્તાનના નાગરિક હો તો તમારે ગાવું પડે છે, કાલા એ ઇસ્લામ. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રગાન ૧૯૨૬થી અત્યાર સુધીમાં પાંચ વાર બદલાઈ ચૂક્યાં છે! હમણાં સોશિયલ મીડિયા પર એ વિવાદ પણ ચાલે છે કે જન ગણ મન પહેલાં આવેલું કે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજ દ્વારા બનાવાયેલી પ્રથમ સ્વતંત્ર ભારતની સરકારનું રાષ્ટ્રગાન શુભ સુખ ચૈન પહેલાં આવેલું ? બંનેની ધૂન અને શબ્દો લગભગ સરખા જ છે. પરંતુ રવીન્દ્રનાથ ટાગોરનું જન ગણ મન ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમના માનમાં લખાયેલું હોવાનો વિવાદ છે ત્યારે શુભ સુખ ચૈન અપનાવવું જોઈએ કે કેમ તેનો વિવાદ જાગ્યો છે.
ઇંગ્લેન્ડના રાજાની વાત ભૂલી જઈએ તો પણ જન ગણ મનમાં આ દેશના રાજાની વાત થાય છે, જે વ્યક્તિમૂલક અને પૂજક લાગે છે. ભારત દેશ વ્યક્તિના ગુણોને માન જરૂર આપે છે, પરંતુ વ્યક્તિપૂજક નથી. અંગ્રેજોના આવ્યા પછી તેમાં જરૂર વિકૃતિ આવી છે. દાસત્વનાં મૂળિયાં ઊંડે સુધી ઘૂસી ગયાં છે.
 

 
 
પરંતુ અફઘાનિસ્તાનની વાત પર પાછા ફરીએ તો તેના રાષ્ટ્રગાનમાં ઇસ્લામનો ઉલ્લેખ આવે છે. પાકિસ્તાનના રાષ્ટ્રગાન-કૌમી તરાના-માં પાક સરઝમીન શાદબાદમાં પવિત્ર ભૂમિનો ઉલ્લેખ છે. આ ભૂમિ સુખી રહે. ત્યાં વસતા લોકોનું ધ્યેય એક હોય. તેઓ સુખી રહે અને છેલ્લે સાયા યી ખુદા યી ઝુ ઇ જલાલ (અક્ષરોમાં અહીં ગડબડ હોય તો ભૂલચૂક લેવી-દેવી, કારણ કે અંગ્રેજી ટ્રાન્સલિટરેશન પરથી લખાયું છે.) ગવાય છે.
 
અમેરિકાના રાષ્ટ્રગાનમાં પંક્તિ આવે છે : એન્ડ ધિસ બી અવર મોટો : ઇન ગોડ ઇઝ અવર ટ્રસ્ટ. યુકેના રાષ્ટ્રગાનમાં ગોડ સેવ અવર ગ્રેસિયસ ક્વીન એવા શબ્દો છે. આ ગાનમાં ભૂમિની વાત નથી, માત્ર વ્યક્તિની જ વાત છે. દેશની રાણી કે રાજા, જે હોય તે, તેનું આયુષ્ય લાંબુ કરો. તેને વિજયી બનાવો અને તે અમારા પર રાજ કરતા રહે ! તેના દુશ્મનોને વિખેરી નાખો. તેમનું પતન કરો. નર્યું વ્યક્તિપૂજક અને સામંતવાદી માનસિકતાવાળું રાષ્ટ્રગાન. સાઉદી અરેબિયામાં રાષ્ટ્રગાનમાં ગાવું પડે છે - અલ્લાહુ અકબર અર્થાત્ અલ્લાહ મહાન છે. તેમાં એમ પણ આવે છે કે મુસ્લિમોના ગૌરવ તરીકે જીવો. તેમાં પણ છેલ્લે માતૃભૂમિ માટે સાઉદીના રાજા લાંબું જીવે તેવી કામના કરવામાં આવે છે.
 

મુસ્લિમોએ વંદે માતરમ્ ગાયેલું

 
આપણા પડોશી શ્રીલંકામાં જે રાષ્ટ્રગાન છે તેના શબ્દો છે - શ્રી લંકા માતા, આપા શ્રી લંકા માતા નમો નમો નમો નમો માતા. અર્થાત્ હે શ્રી લંકા માતા, અમે તમને નમન કરીએ છીએ. તેના શબ્દો આપણા વંદે માતરમ્ સાથે ઘણા મળતા આવે છે. શ્રીલંકામાં પણ મુસ્લિમો રહે છે. હજુ સુધી ક્યાંય એવું સાંભળ્યું કે વાંચ્યું નથી કે ત્યાં મુસ્લિમોએ રાષ્ટ્રગાનનો વિરોધ કર્યો હોય.
તો પછી ભારતમાં જ કેમ ? હમણાં નવી લોકસભામાં શપથ વખતે શફીકુર રહેમાને કહ્યું કે વંદે માતરમ્ ઇસ્લામની વિરુદ્ધ છે. આથી ફરીથી વિવાદ સર્જાયો છે.
 
૧૯૦૫ના બંગાળના ભાગલા દરમિયાન હિન્દુ-મુસ્લિમો તમામ વંદે માતરમ્ના નારા સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ વંદે માતરમ્ બોલતાં ફાંસીના માંચડે ઝૂલી ગયા હતા. ક્રાંતિકારી ખુદીરામ બોઝ ૧૯૦૮માં એક જજની હત્યાના પ્રયાસમાં ફાંસીની સજા મળી ત્યારે તેમના નિવેદનની શ‚આતમાં વંદે માતરમ્ જ બોલ્યા હતા. મુસ્લિમ લીગે વિરોધ શ‚ કર્યો. બાકી, એક સમયે મોહમ્મદ અલી ઝીણા પણ વંદે માતરમ્ના વિરોધી ન હતા. રફી અહેમદ કીડવાઈ જેવા કોંગ્રેસી નેતા પણ વંદે માતરમ્ ના પક્ષધર હતા. સી. રાજગોપાલાચારી, સરદાર પટેલ, જી. બી. પંત જેવા કોંગ્રેસી નેતાઓ માનતા હતા કે વંદે માતરમને વિવાદોથી દૂર રાખવા (અને આ રીતે કટ્ટર મુસ્લિમોનું તુષ્ટીકરણ કરવા) માટે તેના માત્ર બે જ અંતરા સ્વીકારવા એ હલ નથી. (સી. રાજગોપાલાચારીનો સરદાર પટેલને ૭ જાન્યુઆરી ૧૯૩૯નો પત્ર)
તો કોંગ્રેસમાંથી વિરોધ કોનો હતો ? કોણ ઝૂકી ગયું ? ગાંધીજીએ ૧ જુલાઈ ૧૯૩૯ના હરિજનમાં લખ્યું હતું. તેમાં પહેલાં પૂર્વભૂમિકા તો વંદે માતરમ્ની તરફેણમાં બાંધી પરંતુ પછી છેલ્લે લખ્યું કે હવે આપણી સામે ખરાબ દિવસો આવ્યા છે. (હિન્દુ-મુસ્લિમોનું) મિશ્ર એકત્રીકરણ હોય ત્યાં વંદે માતરમ્ ગાવાના મુદ્દે એક પણ ઝઘડાનું જોખમ હું વહોરવા માગતો નથી.
લંડનમાં ભણેલા નહેરુજીને વંદે માતરમ્ સમજાતું નહોતું ! ૨૦ ઑક્ટોબર ૧૯૩૭ના રોજ તેમણે લખેલું, શબ્દકોશ વગર હું તેને સમજી શકતો નથી. ૧૯૩૧ અને ૧૯૩૪માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્રપ્રસાદે તેમનું વક્તવ્ય વંદે માતરમ્ના સૂત્ર સાથે સમાપ્ત કરેલું પરંતુ ૧૯૨૯ અને ૧૯૩૬માં નહેરુજીએ તેમ નહોતું કર્યું.
 

 
  

જન ગણ મનનો પણ વિરોધ..?

 
કટ્ટર મુસ્લિમોના સંતોષ માટે આપણે વંદે માતરમ્ને પાંચ અંતરા સાથે સ્વીકાર્યું નથી. માત્ર બે જ અંતરા સ્વીકારાયા છે જેમાં મા દુર્ગાની વાત આવતી નથી. તો પછી વિરોધ શા માટે ? એવું લાગે છે કે સાત પૂંછડિયા ઉંદરની વાર્તાની જેમ પૂંછડી રાખશો તો પણ તેનો સ્વીકાર નહીં થાય અને કાપી નાખશો તો પણ સ્વીકાર નહીં થાય. જ્યાં સત્તાવાર રાષ્ટ્રગાન જન ગણ મનનો વિરોધ પણ થતો હોય ત્યાં બિનસત્તાવાર રાષ્ટ્રગીત વંદે માતરમ્ના સન્માનની શું અપેક્ષા રાખવી ?
જી હા, ૧૩ ઑગસ્ટ ૨૦૧૭ના સમાચાર મુજબ, ઉત્તર પ્રદેશમાં બરૈલીના કાઝી મૌલાના અસઝાદ રઝા ખાને તો એમ કહ્યું કે જન ગણ મન પણ ઇસ્લામની વિરુદ્ધ છે. તેના બદલે તેઓ સારે જહાં સે અચ્છા ગાશે. કેરળમાં ખ્રિસ્તી પંથના પેટા પંથ જેહોવાઝ વિટનેસના ત્રણ વિદ્યાર્થીઓએ તો જન ગણ મન ગાવાનો પણ વિરોધ કર્યો હતો. તેમના પિતાએ તેમને આ રાષ્ટ્રગાન ન ગાવું પડે તે માટે શાળામાંથી ઉઠાડી લીધા !
 
પરંતુ જ્યાં રાજકીય પક્ષો પોતાની મત બેન્ક માટે થઈને રાષ્ટ્રગીત તો છોડો, રાષ્ટ્રગાન માટે પણ મક્કમ ન હોય અને દેશભક્તિના સંસ્કાર પ્રજામાં કે પોતાનામાં સીંચવા ન માગતા હોય ત્યાં આવા વિરોધ થતા રહેવાના. રાજસ્થાનમાં જયપુર નગર નિગમમાં તાજેતરમાં જ સવારે રાષ્ટ્રગીત અને સાંજે રાષ્ટ્રગાન સાથે કામકાજ સમાપ્ત કરવાની પરંપરા કોંગ્રેસે બંધ કરી દીધી છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ ચતુર્વેદીનો આક્ષેપ છે કે કોંગ્રેસ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતની વિરોધી છે તેથી આ પ્રથા બંધ કરી દીધી !
 
આ જ રીતે મધ્ય પ્રદેશમાં કમલનાથની કોંગ્રેસ સરકાર આવી તો તેણે પણ આવી જ એક પ્રથા બંધ કરી દીધી. મધ્ય પ્રદેશમાં દર મહિનાની પહેલી તારીખે સરકારી અધિકારીઓ સચિવાલયમાં વંદે માતરમ્ ગાતા હતા. કોંગ્રેસ સરકારે આવતાં વેંત આ પ્રથા બંધ કરી દીધી! જોકે ત્યાંના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વિરોધ કર્યો એટલે કોંગ્રેસ સરકારે વિચિત્ર નિર્ણય કર્યો કે જેમાં વંદે માતરમ્ વાગે પણ ખરું પરંતુ સરકારી અધિકારીઓને તો ન જ ગાવું પડે. આ નિર્ણય મુજબ, દર મહિનાની પહેલી તારીખે સવારે ૧૦.૪૫ કલાકે પોલીસ બેન્ડ વંદે માતરમ્ વગાડશે. હવે જે અસર ગાવાથી, પ્રાણ‚પી શબ્દોના ઉચ્ચારણથી થાય તે માત્ર ધૂન સાંભળવાથી થાય ખરી? જે દિવસે કમલનાથ સરકારનો આ નિર્ણય આવ્યો તે જ દિવસે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે સરકારી દસ્તાવેજોમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા મહામાનવની તસવીર હટાવવાનો નિર્ણય કર્યો. મેરઠ નગર નિગમમાં પણ ગૃહની બેઠક પહેલાં વંદે માતરમ્ ગાવાનો પ્રસ્તાવ કરાયો તો વિપક્ષોએ વિરોધ કર્યો !
 

મુસ્લિમો સામે ઘૂંટણિયે છતાં વિરોધ કેમ ?

 
આપણે અગાઉ જોયું કે સાઉદી અરેબિયામાં કોઈ પણ પંથના લોકોએ રાષ્ટ્રગાનમાં ઇસ્લામની પંક્તિ અલ્લાહુ અકબર કહેવું પડે છે. અમેરિકામાં ગોડમાં ભરોસો છે તેમ ત્યાં રહેતા મુસ્લિમો પણ કહેતા હશે ને? બ્રિટનમાં તો રાણીને ઈશ્ર્વર સમકક્ષ માનવાં પડે છે. તેમની શુભકામના કરવી પડે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પણ રાષ્ટ્રગાનમાં ખુદા બોલતા હશે ને? શ્રીલંકામાં પણ મુસ્લિમો રહે છે, પરંતુ તેમણે શ્રી લંકા માતા, તમને નમન તેનો વિરોધ કર્યાનું સાંભળ્યું નથી.
ભારતમાં કટ્ટર મુસ્લિમોને ખુશ કરવા વંદે માતરમ્ના બે જ અંતરા રખાયા. તે પછી પણ તેનો વિરોધ ચાલુ રહે, જન ગણ મનનો વિરોધ પણ ચાલુ રહે તો તેનો અર્થ શું કરવો? મુસ્લિમોને આ દેશ પ્રત્યે પ્રેમ નથી? તેનો જવાબ એ છે કે બધા મુસ્લિમો વંદે માતરમનો વિરોધ કરતા નથી. બીબીસીના એક અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મહેન્દ્રસિંહ જેઓ પોતાના ગામના મદરેસામાં ભણાવે છે તે કહે છે કે અમે મદરેસામાં વંદે માતરમ્ ગાઈએ છીએ. ૧૦ માર્ચ ૨૦૦૪ના એક સમાચાર મુજબ, આગરામાં ચોપ્પન મુસ્લિમોને પંથ બહાર કરાયા હતા અને તેમનાં લગ્નોને પણ નિરસ્ત જાહેર કરાયાં હતાં. તેનું કારણ એ હતું કે તેઓ માનતા હતા કે વંદે માતરમ્ ગાવું તે ઈસ્લામ વિરોધી નથી !
આનો અર્થ એ જ થયો કે કોંગ્રેસ સહિત કેટલાક વોટબેન્ક પ્રેમી રાજકીય પક્ષો અને કટ્ટર મુસ્લિમો જ વંદે માતરમનો વિરોધ કરે છે. ગત પાંચ વર્ષમાં જેમ ઇફ્તાર પાર્ટીમાં રાજકીય પક્ષોના નેતાઓનું દેખાવાનું થઈ ગયું તેમ આવનારા સમયમાં વંદે માતરમનો વિરોધ પણ બંધ થઈ જ જશે.
 
- જયવંત પંડ્યા