માનસમર્મ । સદી અને નદી કદી અટકતી નથી । મોરારિબાપુ

    ૨૮-જૂન-૨૦૧૯   

 
બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર, પુષ્કર સરોવર અને માનસ સરોવર. આ પાંચ સરોવરનું ઐતિહાસિક મૂલ્ય છે. આ પાંચમાંથી બે તો ગુજરાતમાં જ રહેલાં છે. એમનાં દર્શનથી ભવ્ય અને દિવ્ય અનુભૂતિ થાય છે. ગંગાસ્નાનથી પાપ નાશ થાય છે એમ સરયૂસ્નાનથી આત્મશુદ્ધિ થાય છે. એમાં ય રામનવમીના દિવસે સ્નાન કરવાથી તો અનેક પુણ્યોની પ્રાપ્તિ થાય છે. રામ સરયૂ નદીમાં સમાયા હતા. આ ઘટના એટલે સાગરનું નદીમાં સમાવું. શયદા કહે છે...

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું, હું સમજ્યો એમ કે આકાશે ચડ્યો છું.

 
સ્વયંવરમાં જગતજનની સીતાને વરીને અયોધ્યા નગરીમાં રામ પગલાં કરે છે. દશરથના આનંદનો પાર ન રહ્યો. પુત્ર સવાયો બને ત્યારે પિતાનો આનંદ અઢી ગણો થઈ જાય છે. એમણે નક્કી કર્યું કે હવે રામનો રાજ્યાભિષેક કરી દઉં. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે... કૈકેયીએ દશરથ પાસે બાકી રહેલાં બે વરદાન માગ્યાં, જેમાં રામને ચૌદ વરસનો વનવાસ અને ભરતને રાજગાદી. વચનને વરેલા રામેં રઘુકુલ રીતિ નિભાવવા ક્ષણનો ય વિલંબ કર્યા વગર વનમાં પ્રસ્થાન કર્યું.
વનમાં નીકળેલા રામ ગંગાના તીરે પહોંચ્યા. નાવિક કેવટને સામે કિનારે લઈ જવા કહ્યું ત્યારે કેવટે કહ્યું કે મને ભવસાગર પાર કરાવો. રામે કહ્યું કે તમારી વાતનું તાત્પર્ય સમજ્યો નહીં. ત્યારે નાવિકે કહ્યું કે પ્રભુ, તમારા પગ ધોવા દ્યો. રામે કેવટનો ભક્તિભાવ જોઈ સહર્ષ સંમતિ આપી. ચતુર કેવટ જાણતો હતો કે રામના ચરણસ્પર્શ થવાથી મારાં સાત કૂળનો ઉદ્ધાર થવાનો છે. આજે સાક્ષાત્ ભગવાન મારી સામે છે. આ સોનેરી અવસર હાથમાંથી જવા ન દેવાય. પગ ધોઈને રામને નદી પાર કરાવ્યા. દરેકના જીવનમાં એક સોનેરી તક ઈશ્વર આપે જ છે. એ તકને જે ઝડપી લે એનો બેડોપાર થતો હોય છે. આ નદી સાથે જોડાયેલો સ્નેહસમર્પણનો શ્રેષ્ઠ પ્રસંગ છે.
 

 
 
રામાયણના સમયમાં જ યમુના નદી ગંગા નદીના સહવાસના પુરાવા મળે છે. ૧૨૦૦૦ વર્ષ પહેલાંનો આ ભવ્ય વારસો છે. ભૌગોલિક અને ભાવનાત્મક રીતે સરસ્વતી નદી બેજોડ છે. ઋગ્વેદ પણ સાહેદી પૂરે છે. નદી સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એકવાર મહાકાલ રામને મળવા આવ્યા અને કહ્યું કે હું તમારી સાથે એક અગત્યની વાત કરવા આવ્યો છું. પણ એ પહેલાં મારી એક શરત છે. આપણી વાત કરતાં કોઈ સાંભળે કે જુએ તો એને તમારે મૃત્યુ દંડ દેવો પડશે. મહાકાલની આ શરત સ્વીકારી રામ એમને પોતાના કક્ષમાં લઈ ગયા. બહાર લક્ષ્મણને સૂચના આપી કે અમારી વાત કોઈ સાંભળે નહીં કે અંદર કોઈ આવે નહીં એની ખાસ તકેદારી રાખજો. મહાકાલે કહ્યું કે મને બ્રહ્માએ મોકલ્યો છે. પૃથ્વી પરના તમારાં તમામ કર્તવ્યો પૂર્ણ થયાં છે. હજુ પૃથ્વી પર રહેવા માંગો છો કે પરમધામ આવવા માંગો છો ? ત્યાં જ દુર્વાસા મુનિ રામને મળવા આવ્યા. લક્ષ્મણે કહ્યું કે થોડીવાર બેસો પણ દુર્વાસાએ ગુસ્સે થઈને કહ્યું કે મારે અત્યારે જ રામને મળવું અનિવાર્ય છે. મને મળવા દેવામાં નહીં આવે તો હું અયોધ્યા નગરીને શ્રાપ દઈશ.
 
લક્ષ્મણ વિમાસણમાં પડ્યા. ઋષિને જવા દઉં તોય પ્રશ્ર્ન અને ન જવા દઉ તોય પ્રશ્ર્ન. મારું જે થવાનું હોય તે થાય, અયોધ્યા નગરીને કશું ન થવું જોઈએ એમ વિચારીને અંદર ગયા. લક્ષ્મણ ને અંદર આવેલા જોઈ મહાકાલ અદૃશ્ય થઈ ગયા. વચનને કારણે રામે પોતાના ભાઈનો જ વધ કરવો પડે એવી સ્થિતિ આવી ઊભી. તેઓ વશિષ્ઠજી પાસે ગયા. વશિષ્ઠજીએ ઉપાય બતાવ્યો કે લક્ષ્મણનો ત્યાગ કરી દો. કોઈનો ત્યાગ કરવો એ એના વધ કરવા બરાબર છે. આથી રામે લક્ષ્મણનો ત્યાગ કર્યો. લક્ષ્મણ દ્રવિત હૃદયે સરયૂ નદીમાં સંમિલિત થયા. લક્ષ્મણજીએ પોતાની બધી ઇન્દ્રિયો વશમાં કરી શ્ર્વાસ રોકી લીધો.
સંસ્કૃતમાં કહ્યું છે કે परोपकाराय वहन्ति नद्यः બે કાંઠાના બે હાથ વડે સતત બીજાને અર્પવાનો ભાવ નદીના નમણા વળાંકમાં આલેખાયેલો હોય છે. કાંઠાનાં ગામ એને સ્વજન જેવાં લાગે છે. અમૃતલાલ વેગડ કહે છે કે કોણ જાણે પુનર્જન્મ થાય છે કે નહીં પરંતુ જો થતો હોય તો હું ઇચ્છું છું કે મારો જન્મ નર્મદા કાંઠેના કોઈ ગામમાં થાય.... નદીકાંઠે ઊભા રહી આકાશને નીરખશો તો એક નવા આકાશનાં દર્શન થશે, એ દર્શન પરમતત્ત્વથી કમ નથી...નદીનાં નીર જેને ભીંજવી ન શકે એનો કદી વિશ્ર્વાસ ન કરવો...
 
- હરદ્વાર ગોસ્વામી