શનિવારે અડદની દાળ ખાવાનો રીવાજ આપણી ગુજરાતી ભોજન પરંપરામાં કેમ છે?

    ૨૯-જૂન-૨૦૧૯

શનિવાર એટલે...

 
શનિવાર એટલે હનુમાનજી મહારાજનો વાર, શનિવાર એટલે આપણી ગુજરાતી ભોજન પરંપરામાં બપોરે અડદની દાળ અને રોટલો ખાવાનો વાર. બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન  (testosterone) બુસ્ટ કરનાર-વધારનાર છે. ટેસ્ટોરેરોન એક મેલ હાર્મોન છે, જે પુરુષોમાં વધુ હોય છે અને  સ્ત્રીઓમાં ખૂબ ઓછી માત્રામાં હોય છે. સ્ત્રીઓમાં ટેસ્ટોટેરોનની માત્રા વધી જાય તો એમાં શારીરિક રીતે મર્દાના લક્ષણો આવી જાય, ઇવન સ્ત્રીઓને થોડી-થોડી મૂછ કે દાઢી દેખાય એવું બને. (સ્ત્રીઓમાં એસ્ટ્રોજન વધુ હોય, એ ફિમેલ હોર્મોન્સ (Female Hormones) છે. એ પુરુષોમાં ખૂબ ઓછો હોવો જોઈએ, એ પુરુષોમાં વધુ તો સ્ત્રીઓ જેવા શારીરિક લક્ષણો ખીલે. આપણાં શરીરને સ્નાયુઓ (Muscles) ને જાળવવા કે વધુ મજબૂત બનાવવા માટે પ્રોટીનની સાથે-સાથે ટેસ્ટોટેરોનની જરૂર પડે જ. મસલ્સ મેઇનટેઇન કરવા કરતાં પણ ટેસ્ટોટેરોનની પ્રથમ જવાબદારી છે પુરુષોનું જાતિય જીવન (સેક્સ લાઈફ - Sex Life) તંદુરસ્ત રાખવું. ટેસ્ટોટેરોનની માત્રા ઘટતા જાતિય ઇચ્છાઓ પણ ઘટતી જાય છે. સૌનું શરીર પોતાની રીતે નેચરલી ઓછા-વધુ પ્રમાણમા ટેસ્ટોટેરોન બનાવતુ હોય છે. 17 થી 25 વર્ષની ઉમરમાં શરીર પુષ્કળ પ્રમાણમાં ટેસ્ટટેરોન બનાવતુ હોય છે. એમાં પણ આ ઉમરે ક્વોલિટી ઊંઘ લેતા-નિર્વ્યસની યુવાનોમાં આ માત્રા ઔર વધે છે. પછી ઉમર વધે એમ આ માત્રા ધીમે-ધીમે ઘટતી જાય.
 
જીમમાં જઈને બોડી બિલ્ડીંગ કરતાં જુવાનિયાઓ ટેસ્ટબુસ્ટરની ડબ્બીઓ લાવતા હોય છે. એનાથી તાત્કાલિક ફાયદો દેખાય પણ એ અમુક સમય લેવાથી શરીર નેચરલી જે ટેસ્ટટેરોન બનાવે છે એ પણ બનાવવાનું ઓછું કરી દે અથવા બંધ કરી દેતું હોય છે. જે મુશ્કેલી સર્જે છે.
 
શરીર પોતે ટેસ્ટોટેરોન જેમ બનાવે છે એમ બનાવતુ રહે , ઉપરાંત વધારાનું ટેસ્ટટેરોન બુસ્ટ કરી શકે એવો એકમાત્ર વિકલ્પ છે અડદ. અડદ શરીરની આ સાયકલને કોઈ ડિસ્ટર્બ કર્યા વિના ટેસ્ટોટેરોનને બુસ્ટ કરવાનો ગુણ ધરાવે છે. માટે સૌએ અડદ વીકમાં કમ સે કમ એકવાર ખાવા જોઈએ. (સ્ત્રીઓએ પ્રમાણમા પુરુષોથી ઓછા અડદ ખાવા જોઈએ, પ્રેગનન્સી દરમિયાન આપણે ત્યાં સ્ત્રીઓએ અડદની વાનગીઓ ના ખાવી એવી રિવાજ છે, એની પાછળ પણ કારણ આ જ કે એ વધુ ખાવાથી ટેસ્ટ બુસ્ટ થાય અને આ પુરુષ હાર્મોન વધવાથી સ્ત્રીઓની નેચરલ સાયકલમાં અડચણ ઊભી થાય એવું બની શકે.  આમ આપણે ત્યાં હનુમાનજી મહારાજ બલિષ્ઠ શરીરનું પ્રતિક પણ માનવામાં આવે છે. શનિવાર હનુમાનજીનો વાર છે. તો શનિવારે અડદની દાળ ખાવી એવું આપણી ભોજન પરંપરામાં ગોઠવાયું હશે.
 
અહી ફોટામાં થાળીમાં અડદની દાળ સાથે રાગીનો (નાગલી) રોટલો (રાગી કોઈપણ અનાજ કરતાં દસ ગણું કેલ્શિયમ ધરાવે છે. બાકી બધા અનાજ સો ગ્રામમાં 35-50 મિલિગ્રામ કેલ્શિયમ આપે છે તો રાગી એકમાત્ર એવું અનાજ છે જે સો ગ્રામમાં 350 મિલિગ્રામ કેલ્શિયમ આપે છે.) સાથે ભરેલા લીલા મરચાં અને ડુંગળી-લીંબુ (ડુંગળીને પણ આરબ દેશોમાં ટેસ્ટ બુસ્ટર માનવામાં આવે છે.) અને પૃથ્વીનું અમ્રુત છાશ...
 
- કાનજી મકવાણા