જર્મનીમાં આ પૂરૂષ નર્સ સામે ૧૦૦ દર્દીઓની હત્યાનો આરોપ છે, ૫૫ હત્યા તેણે સ્વીકારી લીધી છે

    ૦૬-જૂન-૨૦૧૯

 
 
જર્મનીમાં નર્સ તરીકે કામ કરનારા આ માણસે ૫૫ દર્દીઓને મારી નાખ્યા છે અને એની વાત તેણે સ્વીકારી પણ લીધી છે. આ નર્સનું નામ છે નીલ્સ હોએગલ. તે પોતાના મરીજોને એવી દવા આપતો હતો કે જેનાથી તેને હાર્ટ અટેક આવી જતો અને ત્યાર પછી તે આ દર્દીઓને બચાવવાની કોશિશ કરતો. ઉલ્લેખનીય વાત એ છે કે આવું તે એટલા માટે કરતો કે જેના કારણે તે દર્દીઓના સગા સામે હીરો બની શકે. પરંતુ આ પૂરૂષ નર્સની આ હરકતના કારણે ૫૫ દર્દીઓના જીવ ગયા છે.
 
નીલ્સ હોએગલ પર વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫ની વચ્ચે ૧૦૦ દર્દીઓની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આ દરમિયાન તેણે એક ક્લિનિક અને એક હોસ્પિટલમાં કામ કર્યુ હતું. ગયા બુધવારે તેણે પોતાના આ ગુનાનો સ્વીકાર પણ કરી લીધો છે અને પીડિત પરિવારની માફી પણ માંગી છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે નીલ્સને આજ સુધી અનેક લોકો ભગવાન માનતા હતા. કેમ કે આ લોકોનો તેણે જીવ બચાવ્યો હતો. પણ આ લોકોને એ ખબર ન હતી કે તેણે દર્દીઓને કંઇક રોમાંચક કરવા તેમને અટેક આવે તેવી દવાઓ આપી હતી. અને પછી તેમની સહાનુભૂતિ મેળવવા રાત દિવસ તેની સેવા કરી. જે બચી ગયા તેમને તો એવું જ લાગ્યુ કે આ ભાઇએ તો કમાલ કરી. આણેજ મારી જિંદગી બચાવી. પણ હકિકત બહાર આવતા આ લોકો ને હવે ખબર પડી છે કે નીલ્સના કારણે તેમનો જીવ બચ્યો નથી પણ તેઓ મરતાં મરતા બચી ગયા છે.
 

આ હકિકત બહાર કેવી રીતે આવી?

 
આ ભાઇની કરતૂત બહાર આવી તે વર્ષ હતું ૨૦૦૫. આ ભાઈ ખતરનાક ડ્રગનું ઇન્જેક્શન દર્દીને આપતો હતો અને તેના સાથીઓ તે જોઇ ગયા. થોડા દિવસમાં જ તે દર્દીનું મૃત્યુ થયુ. કેસ થયો, મીડિયામાં સમાચાર આવ્યા અને નીલ્સની ધરપકડ થઈ. પૂછપરછ દરમિયાન તેને પૂછવામાં આવ્યુ કે તે આવું કેમ કરતો હતો? તો તેણે જણાવ્યું કે એકનું એક કામ કરીને હું કંટાળી ગયો હતો. હું કંઇક રોમાંચક કરવા ઇચ્છતો હતો, માટે મે આવું કર્યુ
 
તેની પૂછપરછ કરી ચૂકેલા મનોવિજ્ઞાનીનું કહેવું છે કે તે માનસિક રીતે બિમાર નથી. તે દર્દીઓના પરિવારની નજરમાં હીરો બનવા માગતો હતો. તે પ્રશંસા મેળવા માગતો હતો અને એટલે જ તે આવું કરતો હતો. તેના માટે દર્દી એક રમત હતી. અને રમત રમતમાં તેણે ૧૦૦ જેટલા દર્દીઓનો જીવ લઈ લીધો છે.