રામચરિત માનસ હૃદયકોશ છે. એમાં તમારી સંવેદનાનું સરનામું મળી જશે

    ૧૩-જુલાઇ-૨૦૧૯   

 
 

અસ્તિત્વને એક અવસર તો આપો...

એકવાર એક દસ વર્ષનો છોકરો વાડીએથી ઘરે જતો હતો. વચ્ચે સૂમસામ વગડો આવ્યો. ત્યાં અચાનક એની સામે સિંહ આવી ગયો. સિંહે તરાપ મારી પણ નજર ચૂકવી એ બાજુમાં ઝાડ હતું એના પર ચડી ગયો. નીચે સિંહ ઘૂરકિયાં કરીને છલાંગ મારતો હતો તો સામે બાળક પણ એના પર ઝાડનાં ફળ ફેંકતો હતો. અંતે કંટાળી સિંહ ત્યાંથી જતો રહ્યો. સિંહ ગયો છે એની પૂરી ખાતરી કર્યા પછી બાળકે ગામ ભણી દોટ મૂકી. ઘરે આવી એણે બધી વાત કરી, પણ ઘરના લોકો આ વાત સાચી માનવા તૈયાર ન હતા. છેવટે એક બાજુમાં રહેતા વ્યક્તિએ કહ્યું કે બાળકની વાત સાચી જ હશે. સૌપ્રથમ તો ત્યાં એને કોઈ કહેનાર ન હતું કે સિંહથી ડરવું જોઈએ. સિંહને પણ એક પ્રાણી તરીકે જ એ જોતો હતો.
 
તમે આ ન કરી શકો એવું કહેનારા ડાહ્યા માણસોથી દૂર રહેવા જેવું છે. આપણી પાસે શક્તિઓ તો છે જ પણ એ પ્રગટ નથી થતી. એને અવસર મળે તો આપોઆપ પ્રગટ થાય જ છે. જેને પોતાની જાતમાં શ્રદ્ધા છે એનામાં ઈશ્ર્વર પણ શ્રદ્ધા મૂકે છે. પગલે પગલે પૂછ્યા કરે એ કદી મંઝિલે પહોંચી શકતા નથી. રામદેવ પીરની પરંપરામાં બીજપંથ, મહાધર્મ, નિજધર્મ, નિજિયા શબ્દો છે. આ શબ્દની નદી એક સાગરમાં જઈ ભળે છે. એક શબ્દ આગળ આવે છે નિજાર. જે પંથમાં મૂળ વ્યક્તિ અથવા તો એમના આશ્રિતનો સંયમ ક્યારેય પણ લડખડાયો ન હોય એનું નામ નિજાર. માથે બાર બીજનો ધણી હોય એને કોઈ ચિંતા ન હોય. પણ હાથ પર હાથ રાખી બેસી રહો, એ તો ભગવાનને પણ ન ગમે. આપણી પરંપરામાં અંધારવાળી બીજને પૂજવામાં નથી આવતી. એનો મતલબ એ કે તમે ખૂબ પૈસાદાર હો પણ તમારામાં સાત્ત્વિકતા નહીં હોય તો તમારું પણ સન્માન નહીં થાય. ગોસ્વામીજી કહે છે ‘बीज सकल ब्रत धरम नेम के’ આ જ વાત વિનયપત્રિકામાં જુદા અર્થસંદર્ભ સાથે મળે છે, बीज मन्त्र जपिये जो जपत महेस જગતનો નાથ શંકરનો બીજ મંત્ર રામ છે. જીવનમાં દરેક માણસનો એક બીજ મંત્ર હોવો જોઈએ. ભ્રમિત અર્થ અને તર્કમાંથી બહાર આવવું જોઈએ. અજવાળું વધારે એનું નામ ધર્મ. જે અજવાળા તરફ લઈ જાય એનું નામ ધર્મ.
 
સૌએ પોતાનો નિજધર્મ નિભાવવો જોઈએ. કાક ભુશુણ્ડીએ ગ‚ડને ઉત્તરકાંડમાં બતાવ્યું છે કે હે વત્સ, જગતમાં કોઈ મહાધર્મ હોય તો એ અહિંસા છે. અહિંસાનો એક અર્થ થાય છે ધર્મને નામે કોઈનું શોષણ ન કરવું. દરેક ધર્મનો આ સાર છે. પાણી કહો કે જળ કહો તત્વત: એક જ છે. અંતે તો હેમનું હેમ... રમેશ પારેખ કહે છે..
 
માણસથી મોટું કોઈ નથી, તીર્થ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરુ.
 
રામચરિત માનસ હૃદયકોશ છે. એમાં તમારી સંવેદનાનું સરનામું મળી જશે. શબ્દકોશમાં રામનો એક અર્થ છે પ્રેમી. પ્રેમીજનને રામ કહે છે. તુલસીએ પણ મહોર મારી છે. रामहि केवल प्रेमु पिआरा રામે સંસારને ખૂબ પ્રેમ કર્યો છે. દીન હીનનો ઉદ્ધાર કર્યો, એનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે. આપણે ચમત્કારને સ્થૂળ અર્થમાં જ લઈએ છીએ. હજારો લોકો કથા સાંભળે છે અને પ્રસાદ લે છે, આ પણ એક ચમત્કાર છે, આ કોઈ વ્યક્તિનું કામ નથી. કોઈ અગમ અગોચર તત્ત્વ છે, જે આ બધું સંભાળે છે, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...
 
રામનો બીજો અર્થ છે આત્મા. આ બહુ મોટો આધ્યાત્મ અર્થ છે. નિજાનંદીના સંદર્ભે આત્મારામ શબ્દ જાણીતો છે. અમારી સાધુ પરંપરામાં તો આત્મારામ નામ બહુ છે. રામનો ત્રીજો અર્થ જીવ છે. ક્યારેક ક્યારેક આપણે આત્માને રામ માનીએ છીએ પણ જીવાત્માને નહીં, એને ધિક્કાર મળે છે. જીવ આત્મા સુધી પહોચવાની સીડી છે.રામનો અન્ય એક અર્થ તાકાત પણ છે. જે બળ વિઘટન ન કરે, સંગઠન કરે એ રામ. આજે આવા સંગઠનાત્મક રામોની તાતી જરૂરિયાત છે.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી