રાહુલનું રાજીનામું : કોંગ્રેસમાંથી વંશવાદના ખાત્માનો પ્રારંભ બની રહેશે ખરો ?

    ૧૩-જુલાઇ-૨૦૧૯   

 
વંશવાદ એ લોકશાહી માટે સૌથી મોટો રોગ છે. ભ્રષ્ટાચાર જેમ વંશવાદ પણ ઊધઈ જેમ રાજનીતિને અને લોકશાહીને કોરી રહ્યો છે. રાહુલે મોડે મોડે પણ રાજીનામું આપ્યું એ કોંગ્રેસના પોતાના માટે ખૂબ ઉપકારક નીવડી શકે તેમ છે, જો હવે ફરી વંશવાદને શરણે જઈને પ્રિયંકાને આગળ ના કરે અને પરદા પાછળ રહી કુટુંબીઓ જ ભૂમિકા ના ભજવે તો અને તો જ ! આ મહારોગે જ કોંગ્રેસને ભરખી લીધી એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. રાજીવ ગાંધીને આકસ્મિક વડાપ્રધાન બનાવાયા પરંતુ ત્યાર બાદ નેતાગીરીની બાબતમાં કોંગ્રેસ દિશાવિહીન થઈ. થોડાં વર્ષો અજ્ઞાતવાસમાં રહેલાં સોનિયા ગાંધી કોંગ્રેસને બચાવવા રાજકારણમાં પ્રવેશ્યાં, પરંતુ બિનઅસરકારકતાના કારણે થયેલી ભૂલોમાં છેલ્લું બુઠ્ઠું (બુદ્ધુ નહીં) શસ્ત્ર પણ દીકરાને બનાવ્યો. ત્યારબાદ સમયાંતરે એક પછી એક કરીને મુખ્ય ઘટકો છૂટા પડતા ગયા અને કોંગ્રેસનો પાર્ટી તરીકે કરુણ રકાસ થયો.
 
મજબૂત અને સક્ષમ લોકતંત્ર માટે રાજનીતિ વંશવાદમુક્ત હોવી જ‚રૂરી. ભારતમાં કોંગ્રેસ સૌથી મોટી અને જૂની પાર્ટી હોવાથી તેના વંશવાદની ચર્ચા વધુ થાય એ સ્વાભાવિક અને જ‚રી પણ ખરી. રાહુલનું રાજીનામું એટલે જ ચર્ચાનો વિષય બને છે, કારણ કે આટલી મોટી પાર્ટી નાબૂદ થઈ જવાના આરે આવીને ઊભી રહી ત્યાં સુધી તેમની વંશ-વારસાની સત્તાલોલુપતા ઘટી નહીં અને રાહુલ પાર્ટી પર ચીટકી રહ્યાં, આખરે પાર્ટી તૂટી, પાર્ટીની આબ‚નું ધોવાણ થયું, કોઈ આરો-ઓવારો ના રહ્યો ત્યારે રાહુલને રાજીનામાનું ડહાપણ સૂઝ્યું. કોંગ્રેસ કહે છે, "અમારી પાર્ટી સૌથી જૂની અને સૌથી દેશભક્ત છે ! તો શા માટે સોનિયાએ પોતાના અણઆવડતવાળા દીકરાને પહેલી જ નિષ્ફળતાએ પાછો હટાવી લઈ લોકતંત્રની રક્ષા ના કરી ? શા માટે કોઈપણ અનુભવ વગર રાહુલને પાર્ટીપ્રમુખ બનાવાયા ? શા માટે અન્ય અનુભવી, સક્ષમ યુવા નેતાઓને આ જવાબદારી ન સોંપાઈ ? શા માટે કોંગ્રેસમાં રહેલા સક્ષમ નેતાઓને આગળ કરી પાર્ટી, રાજનીતિ અને લોકશાહી બચાવી ના લેવાઈ ? હાર્યા છતાં પણ શા માટે એક મજબૂત વિપક્ષનું નિર્માણ કરી સબળ રાજનીતિને ઉજાગર ના કરાઈ ? આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા યોગેન્દ્ર યાદવનું વાક્ય યાદ કરવું ઘટે કે, ‘કોંગ્રેસનો કોઈ સબળ વિકલ્પ ઊભો થવામાં સૌથી મોટી અડચણ કોંગ્રેસ પક્ષ ખુદ છે.’
 
માત્ર કોંગ્રેસની જ વાત નથી, દેશ-દુનિયામાં જ્યાં જ્યાં પણ વંશવાદ ફૂલ્યોફાલ્યો છે ત્યાં લોકશાહીનું મરણ થયું છે અને રાજકારણમાંથી તટસ્થતાનો હ્રાસ થયો છે. માત્ર ભારતમાં ૩૪ જેટલી મોટી રાજકીય પાર્ટીઓ વંશવાદના રોગથી ગ્રસિત છે. લોકસભાની ચૂંટણી વખતે લોકજનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાને જાહેરમાં કહેલું કે, ‘કાર્યકર્તાઓની માંગ છે કે હું મારી પત્ની કે દીકરાને ચૂંટણીમાં ઊભાં રાખું.’ આ હદ નથી તો બીજું શું છે? ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ર્ચિમ સુધી ચારેય દિશામાં વ્યાપ્ત પાર્ટીઓમાં વંશવાદની ઊધઈ લાગેલી છે. દેશની ટોચ જમ્મુ - કાશ્મીરમાં અબ્દુલ્લા અને મુફ્તિ, પંજાબમાં બાદલ પરિવાર, મધ્યપ્રદેશમાં સિંધિયા પરિવાર, હરિયાણામાં ચૌટાલા, ચડ્ડા પરિવાર, ઉત્તર પ્રદેશ, બિહારમાં યાદવ પરિવાર, પ. બંગાળમાં મમતા પરિવાર, તમિલનાડુમાં કરુણાનિધિ, સ્ટાલીન, દેવગૌડા કુટુંબથી લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી સર્વત્ર વંશવાદનો કીચડ ફેલાયેલો છે. માત્ર દેશ જ શું કામ, દુનિયા પણ બાકી નથી. અમેરિકામાં ટ્રમ્પની દીકરી ઈવાન્કા અને જમાઈથી શ‚રૂ કરીને, સાઉદી અરબ, ઉત્તર કોરિયા, થાઈલેન્ડ, કયુબા, કેનેડા, બાંગ્લાદેશ અને આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજનીતિને ય આ રોગે જમીનદોસ્ત કરી છે. વળી, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા ઘણા દેશોમાં રાજનીતિજ્ઞોએ વર્ષોથી પોતાના કુટુંબીજનોને રાજકારણમાં લાવી મોટો ભ્રષ્ટાચાર આદર્યો છે અને જેલમાં પણ ગયા છે.
 
પહેલાંના જમાનામાં જ્યારે રાજાનો પુત્ર રાજા બનતો ત્યારે ય વંશવાદ હતો, પણ મોટાભાગે જો રાજાનો પુત્ર સક્ષમ રાજા ના બની શકે તો એની ગાદી છીનવી લેવાયાના દાખલા છે. સરદાર પટેલ, મહાત્મા ગાંધી, મોરારજી દેસાઈએ પોતાના પુત્ર-પુત્રી-પૌત્રોને રાજકારણમાં વારસદાર નથી બનાવ્યા, પણ આજની રાજનીતિમાં એવું બનતું નથી. મોટાભાગના ઉત્તરાધિકારીઓ અસક્ષમ, ઓછું ભણેલા, અણઆવડતવાળા, રાજનીતિને ન સમજનારા હોય છતાં હટતા કે હટાવાતા નથી. તેના કારણે સૌથી મોટું નુકસાન લોકશાહીને થાય છે અને પ્રજાએ એનો દંડ ભરવો પડે છે. આવડત વગરના સત્તાધીશો બની બેસે એટલે અર્થતંત્ર અને લોકતંત્ર બંને બગડતાં પ્રજા હેરાન થાય છે.
 
કોંગ્રેસની પછડાટમાં રાહુલ સિવાય પણ અનેક કારણો જવાબદાર છે, કોંગ્રેસના અનેક નેતાઓ રાજ્યોમાં કામ કરવાને બદલે દિલ્હીમાં રહે, કુશળ મેનેજમેન્ટ અને પ્રોફેશનાલિઝમનો અભાવ, ભાજપા જેમ જમીનીસ્તરે કોઈ કામગીરી નહીં, નાના કાર્યકર્તાને સાચવી લેવાની આવડત નહીં અને મોટા નેતાઓથી ખુરશી ના છૂટે. નવા કાર્યકર્તાઓની ભરતીથી લઈને ટ્રેનિંગ માટે કોઈ આયોજન જ નહીં, લોકસભાની ચૂંટણીમાં આટલી મોટી હાર પછી કોઈ માઈના લાલે જવાબદારી સ્વીકારી રાહુલ જેમ રાજીનામું ના ધર્યું ! રાહુલે પોતાના પત્રમાંય આનો ઉલ્લેખ કર્યો છે. આવાં કારણો કરતાં ય ઉપરનું કારણ એ કે વંશવાદથી મળેલી સત્તા આસાનીથી છૂટતી નહોતી. હજુ મોડું થયું નથી, કોંગ્રેસ માટે આ એક બહુ મોટી તક છે. કોઈ એક વ્યક્તિના વિરોધમાંથી બહાર આવી પ્રજા સાથે સંવાદ સાધે, સામાન્ય જનતાની સમસ્યા સમજી ઉકેલી શકે તેવા નેતાઓ તૈયાર કરે. એક અર્થમાં કહીએ તો કોંગ્રેસ પાસે હવે ભારતીય રાજનીતિને નવી દિશા આપવાનો મોકો છે. રાહલના રાજીનામા થકી આવેલી આ તક, કોંગ્રેસમાંથી વંશવાદના ખાત્માનો પ્રારંભ બની રહે અને કોંગ્રેસ સાથે સાથે સમગ્ર રાજનીતિ વંશવાદથી મુક્ત બને એ પ્રતીક્ષા...!