ટ્રમ્પની પહેલના કારણે ઉત્તર કોરિયા વિશ્ર્વના મુખ્ય પ્રવાહમાં ભળશે ?

    ૧૫-જુલાઇ-૨૦૧૯

 
 

ટ્રમ્પે પહેલું કદમ ઉઠાવ્યું, હવે ઉનનો વારો

 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે. ઉત્તર કોરિયાની મુલાકાત લેનારા પહેલા અમેરિકન પ્રમુખ બનીને ટ્રમ્પે એવું જ આશ્ર્ચર્ય સર્જ્યું છે. ટ્રમ્પ ઉત્તર કોરિયા તો ગયા જ પણ કોરિયાના સર્વેસર્વા સરમુખત્યાર કિંમ જોંગ-ઉનની સાથે ડીએમઝેડ પણ ગયા ને મોટું આશ્ર્ચર્ય સર્જી દીધું.
 
ડીએમઝેડ એ ડિમિલિટ્રાઇઝ્ડ ઝોનનું ટૂંકું નામ છે. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને વિભાજિત કરનારી રેખા પાસે આવેલો વિસ્તાર છે કે જ્યાં બંનેમાંથી કઈ દેશનું લશ્કર હાજર નથી હોતું. આ વિસ્તારની બંને બાજુ બંને દેશનાં લશ્કર મોટા પ્રમાણમાં હાજર હોય છે. ટ્રમ્પ મૂળ તો બે દિવસના પ્રવાસ માટે દક્ષિણ કોરિયા ગયા હતા ને પછી દક્ષિણ કોરિયાની સરહદને પાર કરીને કિમ જોંગ ઉનને મળવા ઉત્તર કોરિયા પહોંચી ગયા.
 
ટ્રમ્પ અને ઉનની મુલાકાતના કારણે સમગ્ર વિશ્ર્વમાં ઉત્તેજના વ્યાપેલી છે. ટ્રમ્પની પહેલના કારણે ઉત્તર કોરિયા વિશ્ર્વના મુખ્ય પ્રવાહમાં ભળશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. આ ઐતિહાસિક પળ છે તેનો ઇન્કાર ના કરી શકાય પણ ઉત્તર કોરિયાને મુખ્ય વૈશ્ર્વિક પ્રવાહમાં લાવવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે. ઉત્તર કોરિયામાં દુનિયાના કોઈ દેશને પ્રવેશ નથી ને એ અલિપ્ત થઈને જીવે છે. ટ્રમ્પની મુલાકાત પછી ઉન પણ એક કદમ આગળ વધીને ઉત્તર કોરિયાને દુનિયાના બીજા દેશો માટે ખુલ્લું મૂકે એ જ‚રૂરી છે. બાકી તો આ રીતે મુલાકાતો થતી રહેશે, ઉત્તેજના ફેલાતી રહેશે ને ઉત્તર કોરિયા ત્યાં જ હશે. ટ્રમ્પ એક કદમ આગળ વધ્યા છે, હવે ઉનનો વારો છે.