આપણે અને આપણી ક્રિકેટ ટીમના પસંદગીકારો કેમ ચેતેશ્વર પૂજારાને ભુલી ગયા!?

    ૧૬-જુલાઇ-૨૦૧૯   

 
 
ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપની સેમી સાઈનલમાં થયેલી હાર પછી અનેક વાતો મીડિયામાં આવવા લાગી છે. એવા અહેવાલો પણ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી એમ બે ભાગમાં આપણી ટીમ વહેંચાઈ ગઈ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે હવે વન-ડે માટે રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવશે. આવા અનેક તર્ક-વિતર્ક હવે સામે આવી રહ્યા છે. આવા તર્ક-વિતર્ક વચ્ચે હવે આપણા ચેતેશ્વર પૂજારાની વાતો પણ સામે આવી છે.

ચેતેશ્વર પૂજારા ચાર નંબરની જગ્યા લઈ શકે?

ચેતેશ્વર પૂજારા સામે આવતા જ આપણે હવે ટીમમાં ચાર નંબરની જગ્યા પણ યાદ આવી ગઈ છે. છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમ ચોથા નંબરના ખેલાડીની શોધ કરી રહી હતી. રાહુલ, રાયડુ, ઋષભ પંત, વિજય શંકર શ્રેયાંસ ઐયર આ બધાની આ ચાર નંબર માટે પરીક્ષા લેવાઈ પણ તેમને મેચ વધારે ન રમવા મળી. હા આમા રાયડુને ચાર નંબર પર સૌથી વધુ મેચ રમવા મળી. પણ તેનું વર્લ્ડ કપની ૧૫ સભ્યોની ટીમમાં પસંદગી જ ન થઈ. પસંદગી થઈ કેએલ રાહુલની પણ તેને શિખર ધવનને ઇજા થવાથી પહેલા નંબરે બેટિંગ કરવી પડી. ચાર નંબર પર વિજય શંકરને જગ્યા મળી પણ તેને પણ પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઈ અને પંત અને દિનેશ કાર્તિક ને ટીમમાં જગ્યા મળી. જેનું પરિણામ શું આવ્યું? તે આપણે સૌ જાણીએ છીએ. જો ન્યુઝલેન્ડ સામેની સેમી ફાઈનલમાં ૪ અને ૫ નંબર ચાલી ગયા હોત તો આપણે ફાઈનલ રમી શક્યા હોત અને આજે કદાચ પરિણામ અલગ હોત…પણ આજે હકિકત એ છે કે આપણે વર્લ્ડ કપ જીતી ન શક્યા અને ચાર નંબરની તલાસ આજે પણ ભારતીય ટીમ ને છે.

ભારતીય ટીમની મજબૂત “દિવાલ”ને આપણે ભૂલી ગયા!

આવા સમયે ચેતેશ્વર પૂજારાનું એક બયાન સામે આવ્યું છે. આ બયાન પછી આપણને લાગે છે કે શું ખરેખર આપણે ચેતેશ્વર પૂજારાને ભૂલી ગયા હતા. શું ભારતીય ટીમમાં ચાર નંબરે તેની જગ્યા બનતી નથી? રાહુલ દ્રવિડ યાદ છે ને! ભારતીય ક્રિકેટ ટીમની વોલ એટલે રાહુલ દ્રવિડ. ભારતીય ટીમને ઓલઆઉટ કરવી હોય તો આ રાહુલ નામની દિવાલ પાડવી પડે. હવે વિચારો હાલ આપણી ટીમ પાસે આવો ખેલાડી છે. પહેલું નામ કયુ યાદ આવ્યુ? ચેતેશ્વર પૂજારા યાદ આવ્યો કે નહી? ટીમમાં માત્ર ઝડપથી રમી શકે એવો જ નહી પણ ક્રિસ પર ટકી રહે અને એક-બે રન કાઢી શકે તેવો ખેલાડી પણ જોઇએ અને આવા ખેલાડી માટે ચાર નંબરની જગ્યા એકદમ ફીટ છે. જરા વિચારો સેમી ફાઈનલમાં ચાર નંબર પર ચેતેશ્વર હોત તો એ શાંતિથી રમીને વિકેટ બચાવી શકતો હતો. ૨૪૦ નો સ્કોર આરામથી કરી શકાયો હોત.

પસંદગીકારો ટીમ પસંદ કરવામાં થાપ ખાઈ ગયા

ખરેખર આપણા પસંદગીકારો ટીમ પસંદ કરવામાં થાપ ખાઈ ગયા. તેમને ટી/૨૦ માટેની ટીમ પસંદ કરી. એ ભૂલી ગયા કે આ ૫૦ ઓવરની ટૂર્નામેન્ટ હતી. આવું રવીન્દ્ર જાડેજા સાથે પણ થયુ. ચહેલ અને કુલદીપની વાતોમાં આપણે ઓલરાઉન્ડર જાડેજાને ભૂલી જ ગયા. આપણે રીસ્ટ સ્પિનરને જ મહત્વ આપ્યુ. આ જોડી વર્લ્ડ કપમાં ચાલી નહી અને જાડેજાને ટીમમાં જગ્યા મળી અને તેણે એક જ મેચમાં સાબિત કરી દીધુ કે પસંદીકારો અત્યાર સુધી ખોટું વિચારતા હતા. હવે ચેતેશ્વર પૂજારાએ પણ એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે હું વન-ડે ક્રિકેટ રમી શકું છું. ટીમમાં જગ્યા મળે તો ચાર નંબર પર બેટિંગ કરી શકું છું.
 
ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ક્રિકેટર માનવામાં આવે છે અને વન-ડેમાં કે ટી\૨૦માં તેને વધુ તક આપવામા આવી નથી. પૂજારાએ કહ્યું કે, મે છેલ્લા 1 વર્ષમાં ધરેલું વન-ડે મેચોની ટૂર્નામેન્ટમાં મેં સતત સારું પ્રદર્શન કર્યું છે. હું ટેસ્ટની જેમ વન-ડેમાં સારું પ્રદર્શન કરી શકું છું, પરંતુ ટીમમાં સ્થાન મળવું મારા હાથમાં નથી. હું ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શકું તેવી ક્ષમતા મારી અંગદ છે. મારી વન-ડેમાં રમવાની ઈચ્છા છે. વર્લ્ડ કપ અગાઉ ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ નંબર ચાર ઉપર પૂજારાને લાવની વાત કરી હતી પરંતુ ટીમ પસંદગીકારોએ તેનો ટીમમાં સમાવેશ કર્યો ન હતો.
 
લાગે છે કે હવે પસંદગીકારઓનું ધ્યાન ચાર નંબર માટે ચેતેશ્વર પૂજાર પર પણ જશે. જોઇએ શું થાય છે. બાકી ચાર નંબર પર એક ચાંસ તો પૂજારાનો બને છે…!!