કર્ણાટકમાં જે નાટક થયું તે સમજવા જેવું ય ખરું!

    ૨૦-જુલાઇ-૨૦૧૯   

 
 

કોંગ્રેસ-જેડીએસ કર્ણાટક પતન ગૂટબંધી તથા સત્તા લાલસાને કારણે

 
લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારથી ચર્ચાતું હતું કે કર્ણાટકની સરકારનો સૌથી પહેલો ફિયાસ્કો થઈ જશે, અને એવું જ થયું. છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધિત સરકારની સ્થિતિ ગંભીર હતી, છેવટે ૧૩ સભ્યોના રાજીનામાથી ચરુ ઊકળ્યો. બે સભ્યોનાં રાજીનામાં સુધી અમેરિકામાં બેસીને "અમારી પાર્ટીને કોઈ ખતરો નથી તેવું કહેનારા કુમારસ્વામી ય ૧૩ના આંકડે હચમચી ગયા.

ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી રહ્યું છે?? 

છેલ્લા કેટલાક સમયથી કોઈ પાર્ટી હારે કે એના સભ્યો તૂટે ત્યારે ભાજપને જ દોષ દેવાતો હોય છે એમ આ વખતેય કોંગ્રેસના નેતાઓ કહે છે કે, ‘ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી રહ્યું છે.’ આ આક્ષેપ હાથમાંથી સરકી જતી સત્તાના અજંપામાંથી ઉદ્ભવ્યો હોય એમ લાગે છે. કુમારસ્વામીના પિતા દેવેગૌડા તથા તેમના પુત્રને જનતાએ જાકારો આપ્યો. સિદ્ધારમૈયા જૂથે કુમારસ્વામીને અવાર-નવાર એવા મજબૂર કર્યાં કે ‘હું રોજેરોજ ઝેરના ઘૂંટડા ભરી રહ્યો છું. હવે તમે કહો તો રાજીનામું આપી દઉં.’ તેવું કહેવું પડ્યું. આ બધાં કારણોસર એક પછી એક સભ્યો આ પાર્ટીમાંથી સરકી ગયા છે એ સાચી હકીકત છે.

આક્ષેપ કરવાનો કોઈ અર્થ નથી

જે સભ્યો છૂટા પડી રહ્યા છે એ લોકો કોંગ્રેસ-જેડીએસના કપરા ભવિષ્યને કારણે છોડી રહ્યા છે. જે સભ્યોને એમ લાગે કે આવનારાં પાંચ કે દસ વર્ષમાં પણ આ પાર્ટીનું કશું જ થવાનું નથી, અને પાર્ટીમાં રહીને પોતાનું પણ કશું જ થવાનું નથી એવા નબળા માણસો રાજીનામાં આપી દેતા હોય છે. આ કિસ્સામાં રાજીનામાની માનસિકતા તેની સ્વીકૃતિ પછીની બનતી સરકારમાં તેમને કેવું સ્થાન મળે તે પરથી જ નક્કી થાય. અન્ય પર આક્ષેપ કરવાનો કોઈ અર્થ નથી.
 
કર્ણાટકમાં જે નાટક થયું તે સમજવા જેવું ય ખરું! ૧૩ સભ્યોના રાજીનામાંને સ્પીકર તેમના હોવાને કારણે રાજીનામા યોગ્ય ફોર્મેટમાં ના હોવાનું કહીને સ્વીકાર્યાં નહીં. મામલો સુપ્રીમમાં જતાં સુપ્રીમે કહ્યું, એક દિવસમાં સભ્યો પાસેથી યોગ્ય ફોર્મેટમાં રાજીનામાં લઈ સ્વીકાર કરી લો. સ્પીકરે પોતાના અધિકાર આધારિત કોર્ટના કોઈ પણ સમયનાં દબાણ વગર નિર્ણય લેવાશે તેમ કહ્યું. હવે કોર્ટે ૧૬ જુલાઈ સુધી કોઈ નિર્ણય ન લેવાનો આદેશ આપ્યો છે. રાજીનામાં આપનારા સભ્યોને મુંબઈની એક હોટેલમાં લઈ જવામાં આવ્યા. કોણ લઈ ગયું એ પ્રશ્ર્ન ય ઊભો છે. ત્યાં એમની પાર્ટીનો એક સભ્ય મળવા ગયો તો એને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો અને ફ્લાઈટમાં બેસાડી બેંગલોર ભેગો કરી દેવામાં આવ્યો.

જોગવાઈ છે ખરી ?  

કર્ણાટકમાં જે થયું તેવું લોકશાહીમાં થતું જ હોય છે, એ સારું નથી, અત્યંત ખોટું છે છતાં થયું તે કડવી હકીકત છે. આવા લોકોને માટે કાયદાકીય રીતે કોડ ઓફ કંડક્ટ જેવી કોઈ જોગવાઈ કે પાર્ટી પોતાના તરફ લઈ શકે તેવી જોગવાઈ છે ખરી ? આ પ્રજાના પ્રતિનિધિઓને તેમની મરજી મુજબ વર્તવાનો અધિકાર ન હોય તેમ ગોંધી રાખવામાં આવે છે અને છેવટે તેઓને નાસી જવા માટે મજબૂર કરાય છે. આ બધા પ્રજાના સેવકો છે કે પછી સેટલમેન્ટની રાહ જોઈને બેઠેલા કોઈ માણસો માત્ર છે ? કે પછી આપણે મરી પડેલી માણસાઈની લોકશાહીમાં જીવી રહ્યા છીએ ?

મતદારો ભવિષ્યમાં મજબૂત સરકાર આપે તે જ ઉપાય... 

આયારામ-ગયારામ સ્થિતિ સામાન્ય બનતી જાય છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા ૭૦થી વધારે નામાંકિત નેતાઓએ પાટલી બદલી, મોટાભાગે ભાજપમાં ગયા. રાજ્યોમાં તેમને મંત્રી પદ મળ્યા. સિદ્ધાંતો, આદર્શો, જૂના લાયક કાર્યકર્તાઓને બાજુએ રાખીને ચૂંટણીઓ જીતવા ભરાતા આ પગલામાં વૃદ્ધિની સમસ્યા (Problem of plenty) જરૂર થવાની જ.
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગૂટબંધી તથા સત્તાલાલસાનો ફાયદો ભાજપાને થવાનો જ. ૨૦૧૮માં હાથમાંથી સરકી ગયેલી સત્તાને ફરી હાંસલ કરવા સાથે દક્ષિણ ભારતમાં મજબૂતાઈથી ઊભા રહેવાની આ ઉત્તમ તક માટે સક્રિયતા, માત્ર રાહ જોઈએ બેસવાનું નહીં. તો રાજનીતિના ખેલની આવડત ભાજપામાં છે તે બાજુના રાજ્ય ગોવામાંથી સમજાય છે, પરંતુ કર્ણાટકાનો દોષ તો અત્યારની સરકારને જ. પ્રજાને તો લોકાભિમૂખ વહીવટના દિવસો કપાય જ છે, કારણો ગમે તે આપે... મતદારો ભવિષ્યમાં મજબૂત સરકાર આપે તે જ ઉપાય...