શું શિક્ષણ કેળવણી બનશે ? ટ્યુશનમાં બંધાઈ જતો એ સમય બાળકની કઈ પ્રવૃત્તિમાંથી ભાગ પડાવે છે ?

    ૨૦-જુલાઇ-૨૦૧૯   

 
 
નિશાળો ચાલુ થઈ ગઈ છે, વરસાદ આવતો હોય અને બાળકો નિશાળ જતાં હોય તે જોવાનું સારું લાગે છે. મારી કાવ્યપંક્તિને છે ને, કુંવારી કન્યાએ ગોરમામાં વાવી છે, લીલું કંઈ ફૂટવાની વાણી ! પીળી બસો જતી હોય, એમાં કાચાકુંવારા સપનાં બેઠાં હોય એ વરસાદનું પાણી ઉડાડે તો મઝા આવે, પણ તડકાના છાંટા ઉડાડે છે ત્યારે પે’લી ૪૫ ડિગ્રીવાળી બપોર યાદ આવે... શું થઈ રહ્યું છે આપણાં મહાવિદ્યાલયોમાં અને બાલવિદ્યાલયોમાં હમણાં મહાકાલની ક્રૂર મજાક હોય એમ ‘તક્ષશિલા’માં બાળકોએ મોતકૂદકો લગાવ્યો હતો, તે કેમેય ભૂંસાતો જ નથી. ખાલી તક્ષશિલા એવા નામને કારણે પણ આપણે ખાસ્સા વિચારમાં પડી ગયા હતા.
 
આ બધા કોલાહલોમાં એક મંથનનો અવાજ સંભળાઈ રહ્યો છે, તે છે ‘રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી’. આપણા દેશના ગણમાન્ય વૈજ્ઞાનિક કસ્તૂરીરંગન અને બીજા તજ્જ્ઞોએ એક મુસદ્દો (૪૬૫ પાનાંનો) વહેતો મૂક્યો છે તે વાંચ્યો એથી થોડાં અવલોકનો અને ચિંતા પ્રગટી છે.

એ મેદાનમાં જતો જ નથી શું ?  

આપણા નગરજીવનમાં ટ્યુશન ક્લાસીસની ભારે બોલબોલા છે. છાપામાં આવતી જાહેરાતોમાં કોઈ મલ્ટિનેશનલને હંફાવી શકે તેવી માર્કેટીંગની ઊંચાઈ આ ક્લાસીસમાં શિક્ષકોએ અથવા એના વહીવટદારોએ પ્રાપ્ત કરી પૂછવા માગે છે એમ કહી પૂછેલું કે ટ્યુશન ક્લાસનો આટલો બધો મહિમા છે તો બાળકો વર્ગખંડમાં શું કરે છે ?’ ટ્યુશનમાં બંધાઈ જતો એ સમય બાળકની કઈ પ્રવૃત્તિમાંથી ભાગ પડાવે છે ? એ મેદાનમાં જતો જ નથી શું ? ગલીમાં તો ગલીમાં (યાદ છે ફિલ્મ ગલીબોયનું ગીત)... ‘અપના ટાઈમ આયેગા... ખુલ્લા મને અને તંદુરસ્ત શરીરે ગાય તો કેવો સારો લાગે ! સમાજને માટે આ એક રેડ ટ્રાફિક સિગ્નલ છે, મને ખબર નથી, નીતિનિર્ધારકોને એક બાળકના સમયના બજેટનો ખ્યાલ છે. જીવનના સંઘર્ષમાં હેલમેટમાં માથું સંતાડી દોડતાં મા-બાપ શું વિચારણા કરે અથવા કરાવે એ એક સમસ્યા છે. એમને તો આ ‘ભણતરનો ભાર’ એમના બજેટને ખોરવી દે છે, એની ચિંતા છે. આ એક એવી સમસ્યા છે જેને માટે સરઘસ નથી નીકળતાં કે નથી મોટા મોટા શિક્ષણશાસ્ત્રીઓ કશું બોલતા. આજે બજેટ અને એનાં આર્થિક પાસાંઓ મહત્ત્વનાં હોવા છતાં બાજુએ રાખીએ. મારી ચિંતા છે, ‘બાળક શું કરે છે ? કેમ એના ચમકતા ટકાની માર્કશીટની રેખાઓ ચહેરા પર નથી પડઘાતી ? એક તરફ તેજસ્વી બાળકોના વ્યક્તિત્વ અને એના વિકાસની ‘બ્લૂપ્રિન્ટ’ જોવી છે તો બીજી તરફ સામાન્ય બાળકોમાં એક યુગાંતર ઝીલવાની સજ્જતા પ્રગટે છે કે નહીં એની ચર્ચા કરવાની છે.
 

 

જે આ જગત અને માહિતી સાથે આનંદથી જીવતાં શીખવાડે તે કેળવણી 

આપણા સમયના ઇતિહાસકાર પ્રો. યુવલ નોઆહ હરારી જે ભવિષ્યનું દર્શન કરાવે છે તેની યાદ આવે છે. આમ તો એક પેઢી પોતાની પાસે હોય તે માહિતી અને ડહાપણ આવતી પેઢીને આપવાની જે વ્યવસ્થા ઊભી કરે તે શિક્ષણ છે. મને ફ્રેન્ચ સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ ડર્ખીહેમ (Durkheim) ના સિદ્ધાંતો ગમ્યા. એમણે શિક્ષણના કાર્યને વ્યાખ્યાયિત કરતાં કહ્યું હતું, education as the action exercised by the older generations upon those who are not yet ready for social life. Its object is to awaken and develop in the child those physical, intellectual and moral states which are required of him both by his society designed. (જૂની પેઢી નવી પેઢીને ડહાપણ આપે તે શિક્ષણ છે.)
 
ગાંધીજી એટલા માટે શિક્ષણને કેળવણી કહે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક પુસ્તક છે ‘કેળવે તે કેળવણી’. અહીં શિક્ષણ અને કેળવણી વિશેની સંખ્યાબંધ વ્યાખ્યાઓનું જંગલ ઊભું કરી શકાય, પણ મારા મનમાં એક સાદો વિચાર જન્મે છે. જે માહિતી આપે છે, જે જગત વિશે જ્ઞાન આપે છે, તે શિક્ષણ છે અને જે આ જગત અને માહિતી સાથે આનંદથી જીવતાં શીખવાડે તે કેળવણી. કેળવણી મનને અને તનને કેળવે છે. ધન કમાવવાનો રસ્તો બતાવે છે, પણ આનંદ છીનવાઈ ના જાય તેની સાવધાનીના મંત્રો પણ શીખવાડે છે.
 

 
 
શિક્ષણ સંસ્થાઓ જગત વિશે માહિતીના ભંડારો ખોલી આપે છે. વ્યક્તિ ગૂગલના ગગનમાં વિહરે એ સારું છે, ટેક્નોલોજીથી જીવન સરળ બને તે એનાથી પણ સારું છે, પણ બધી પરિસ્થિતિમાં સહજ રહેવું એ અગત્યનું છે. એ કેળવણીના ત્રણ મહામાર્ગો હોઈ શકે, એ અનિશ્ર્ચિત ભવિષ્ય સાથે કેમ કામ લેવું તે માટે મન-મસ્તિષ્કને તૈયાર કરે, માનવને સમૂહમાં રહેવાની એક ઊંડી સમજ આપે અને આખા આયુષ્ય દરમિયાન અંદરથી એક પ્રસન્નતાનો ફુવારો વ્યક્તિના અસ્તિત્વને ભીંજવતો રહે. આવું કશુંક થાય તો પે’લી ‘સા વિદ્યા યા વિમુક્તયે’ની વ્યાખ્યાની શાખા-પ્રશાખાઓનો અનુભવ કરી શકાય. માણસ સફળ થવા મહેનત કરે, પણ સાર્થક થવા ધ્યાન કરે તો શિક્ષણને કેળવણી થતાં વાર નહીં લાગે.