‘દેવભૂમિ’ કેરળને ‘સલાફી જન્નત’ બનાવવાનું જેહાદી ષડયંત્ર ! વાંચો ચોકાવનારો રીપોર્ટ

    ૨૦-જુલાઇ-૨૦૧૯

કેરળમાં વધી રહેલો કટ્ટરવાદ અને મુસ્લિમ યુવાઓની કટ્ટર સલાફી વિચારધારામાં માનનાર આતંકી સંગઠન આઈએસઆઈએસ તરફ વધી રહેલો ઝોક રાજ્ય માટે જ નહીં સમગ્ર દેશની એકતા અને અખંડિતતા માટે ખતરાની ઘંટડી છે. દેવભૂમિ કેરળને સલાફી જન્નત બનાવવાનાં સ્વપ્નો બતાવી આઈએસઆઈએ મુસ્લિમ પેઢીને ભારત વિરુદ્ધ જેહાદ કરવા ઉશ્કેરી રહી છે. પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ...
 
કેરળમાં જે રીતે એક પછી એક આઈએસઆઈએસ સમર્પિત જેહાદી ઘટનાઓ બની રહી છે તેથી સ્પષ્ટ છે કે, ભારતમાં આઈએસઆઈએસનું નેટવર્ક કાશ્મીરથી માંડી કેરળ સુધી ફેલાઈ રહ્યું છે. કેરળના કાસરગોડ અને પલકક્ડ જિલ્લામાંથી તાજેતરમાં જ ૨૧ જેટલા મુસ્લિમ યુવકો અચાનક લાપતા થઈ ગયા હતા. ૨૦ થી ૨૫ વર્ષના આ તમામ યુવકો ઉચ્ચ શિક્ષિત છે. હવે તેમના પરિવારજનોને થોડાક દિવસ પહેલાં જ એક વ્હોટ્સએપ મેસેજ મળ્યો હતો, જેમાં તેઓએ લખ્યું હતું કે અમે અમારી અંતિમ મંજિલ સુધી પહોંચી ગયા છીએ. ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં કેરળથી આઈએસમાં જોડાવા જતા ૪ મુસ્લિમોને સાઉદી અરબથી પરત મોકલી દેવામાં આવ્યા હતા.

કેરળમાં આઈએસઆઈએસના વધતા જતા નેટવર્કનું કારણ

 
કેરળમાં મોટા પ્રમાણમાં આઈએસઆઈએસનો જે પ્રભાવ વધી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ અહીંના લોકોમાં મોટા પ્રમાણમાં ખાડી દેશોમાં કામ કરવાનું છે. અનેક લોકો ત્યાંના પૈસા સાથે ત્યાંની જીવનપદ્ધતિ પણ પોતાની સાથે લાવે છે. અરબ દેશોમાં સલાફીવાદ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેને અનેક કેરળવાસીઓ અપનાવી રહ્યા છે. પરિણામે લોકોને આઈએસઆઈએસનો સલાફીવાદ પણ પ્રભાવિત કરી રહ્યો છે. કટ્ટરવાદી ઝાકિર નાઈક દ્વારા તેના ખાસ એવા આર્શી કુરૈશી અને રિઝવાન ખાને કેરળના લોકોનું મતાંતરણ કરાવી આઈએસમાં સામેલ કરવાનું કામ સોંપ્યું છે. હાલ અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના જે તાલીમ કેમ્પો ચાલે છે તેમાં કેરળના ૨૦ જેટલા યુવાનો હોવાના અહેવાલ પણ માધ્યમોમાં આવી ચૂક્યા છે.
 

 
 
કેરળમાં વધી રહેલા ધાર્મિકકટ્ટરવાદ માટેનું એક કારણ એ પણ છે કે, અહીંના મુસ્લિમ યુવાઓ વિશેષ કરીને વિદ્યાર્થીઓ ઇસ્લામને લઈને અતિગંભીર બની ગયા છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ પર પોતાનો મોટાભાગનો સમય પસાર કરતી આ પેઢીના ધાર્મિક કટ્ટરવાદથી તેમનાં માતા-પિતા પણ ચિંતામાં છે. શુદ્ધ ઇસ્લામના નામે તેઓના બાળકો કટ્ટર બની રહ્યા છે. અહીંના બાળકો વાત-વાતમાં ઇસ્લામનાં ઉદાહરણો આપવા લાગ્યા છે. કેટલાક બાળકો તો તેમના માતા-પિતાને કહે છે, તમે શું જાણો છો કે ઇસ્લામ શું છે ?
 
આવા જ એક કિસ્સામાં કોચ્ચિના એક કાઉન્સિલરને મુસ્લિમ પિતાનો ફોન આવ્યો કે મારા દીકરાનું કાઉન્સિલિંગ કરાવવું છે. તે જ્યાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે ત્યાં તેની કોલેજમાં મહિલા વિદ્યાર્થિનીઓ અને મહિલા પ્રોફેસર પણ છે અને તે કહે છે કે, ઇસ્લામમાં સહશિક્ષા હરામ છે. માટે તેને આ કોલેજ છોડી દેવી છે. આ માત્ર એક મુસ્લિમ પરિવારની વ્યથા નથી. આજકાલ કેરળમાં આ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મુસ્લિમ-યુવક યુવતીઓ ઇસ્લામના નામે સહશિક્ષા આપતી કોલેજ-શાળાનો બહિષ્કાર કરી રહ્યાં છે. કેરળની આ રાહ ભટકેલી પેઢી માની રહી છે કે જો તે આવું કરશે તો અલ્લાહ તેઓને સજા આપશે.
 
એક પરિવાર તેમની સાથે બનેલો વિચિત્ર કિસ્સો વર્ણવતાં જણાવે છે કે, એ દિવસે અમે સહપરિવાર પિકનિક પર જઈ રહ્યાં હતાં, પરંતુ ખરે ટાણે તેમના પુત્રએ કારમાં બેસવાની ના પાડતાં કહ્યું કે, તમે આ ગાડી હપ્તા પર લીધી છે અને ઇસ્લામમાં વ્યાજ આપવું અને લેવું એ હરામ છે. આ ઘટના એ વાતનો દાખલો છે કે કે કેરળની મુસ્લિમ પેઢીમાં ઇસ્લામવાદીઓનો પ્રભાવ કેટલી હદે વધી ગયો છે. આમ તો કેરળ દેશનાં સૌથી શિક્ષિત રાજ્યોમાં એક છે ત્યાં શિક્ષણ તો વધ્યું છે પરંતુ રોજગારી નહીં. અહીંના મોટી સંખ્યામાં લોકો સાથે ખાડી દેશોમાંથી મની ઓર્ડરની સાથે સાથે ત્યાંની સંસ્કૃતિ અને વિચારધારા પણ આવી રહી છે, જે હવે ધીરે ધીરે તેનો રંગ બતાવી રહી છે એક સમયે કેરળનો મુસલમાન પણ આમ મલિયાલી મુસલમાન જેવો જ હતો, પરંતુ ખાડી દેશોના વધુ સંપર્કને કારણે વર્તમાન પેઢીનું ખૂબ જ ઝડપથી અરબીકરણ થઈ રહ્યું છે. તેઓ ખાડી દેશોમાં જેવું જુએ છે તેવું જ અનુકરણ કેરળમાં પણ કરે છે. કેરળના ઇસ્લામ પર હવે અરબ દેશોના શુદ્ધ સલાફી ઇસ્લામનો રંગ ચડવા લાગ્યો છે.
 
આજે કેરળની મુસ્લિમ યુવતીઓ પર્દા (બુર્ખા) વગર બહાર નીકળતી નથી. પહેલાં આ પ્રથા કેરળમાં હતી જ નહીં. જે તેઓને આ અંગે પૂછતાં તે તરત જ જવાબ આપે છે કે, અમારો મજહબ અમને પરદામાં રહેવાનો આદેશ આપે છે. અને ઘરથી બહાર નીકળતાં સમયે કાફિરો જેવા લિબાસ પહેરતાં રોકે છે. મુસ્લિમ યુવકો પણ હવે દાઢી રાખવા લાગ્યા છે અને તુર્કી ટોપી પહેરવા લાગ્યા છે. માનો કે દરેક અરબી નીતિ-નિયમ અને ચીજવસ્તુઓ અહીંની મુસ્લિમ પેઢી માટે ફેશન બની ગઈ છે. અરબી ભોજન પણ સામાન્ય બની ગયું છે. કેટલાક લોકો તો અહીં ઊંટ પણ રાખવા માંડ્યા છે. આમ, ધીરે ધીરે આખી પેઢી આઈએસની શુદ્ધ ઇસ્લામની ચુંગાલમાં ફસાઈ રહી છે.
 

 
 

શું છે આઈએસની વિચારધારાનો ઇસ્લામ ?

 
આઈએસઆઈએસની વિચારધારા એટલે શુદ્ધ ઇસ્લામ. એ ઇસ્લામની પહેલી પેઢી મહંમદ પયગંબરના સમયનો ઇસ્લામ. ઇસ્લામિક આતંકવાદને સમજવા માટે આપણે ઇસ્લામમાં આ અંગે ચાલી રહેલ બહેશ (ચર્ચા)ને સમજવી રહી. આ બહેશ ઇસ્લામના વહાબી ફિરકા દ્વારા છેડવામાં આવી છે. આઈએસઆઈએસની ઓનલાઈન પત્રિકા ‘દબિક’ને વાંચીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે, આઈએસઆઈએસ એક વહાબી આંદોલન છે. વહાબીઓની જેમ જ તે પણ માને છે કે ઇસ્લામમાં ૧૪૦૦ વર્ષ પહેલાંની પેઢી એટલે કે મોહમ્મદ અને તેમના સાથીઓની વિચારધારા જ શુદ્ધ ઇસ્લામ છે. તેમના બાદ ઇસ્લામમાં ભેળસેળ શરૂ થઈ ગઈ હતી. માટે ઇસ્લામની એ પ્રથમ પેઢીમાં સંશોધન મતલબ તમે શુદ્ધ ઇસ્લામને માની રહ્યા નથી અને આ બાબત સૌથી મોટો મઝહબ દ્રોહ છે, જેની સજા માત્ર મોત જ હોઈ શકે.
 
આ લોકો કટ્ટરપણે એવું માને છે કે, ઇસ્લામની પ્રથમ પેઢીમાં જે વ્યવસ્થા હતી તે અલ્લાહની વ્યવસ્થા હતી જ્યારે ત્યારબાદની વ્યવસ્થાઓ તો માનવ દ્વારા બનાવવામાં આવી છે. અને ઇસ્લામ આ માનવનિર્મિત વ્યવસ્થાઓ જેવી કે મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, ફાસિઝમ, લોકશાહી, તાનાશાહી વગેરેને સંપૂર્ણપણે નકારે છે. આ લોકો માને છે કે માત્ર નમાઝ પઢવાથી, કે રોજા રાખવાથી જ કોઈ સાચ્ચો મુસલમાન બની જતો નથી. સાચો મુસલમાન એ જ છે કે અલ્લાહ દ્વારા બનાવાયેલ જીવનપદ્ધતિ તેના સમગ્ર રૂપે, એટલે કે રાજનૈતિક, આર્થિક, સામાજિક રીતે અપનાવે. અને આ વ્યવસ્થા એટલે ‘શરિયા’ અને ‘ખિલાફત’. અને આ બાબતે જ અલકાયદા અને આઈએસમાં મતભેદ છે. બંને સિદ્ધાંત એક જ છે, પરંતુ રણનીતિ અલગ છે. તે આઈએસની જેમ શિયાઓનાં ખાત્માની પણ વાત કરતું નથી. પરંતુ આઈએસ તેની વિચારધારામાં ન માનતા મુસ્લિમોના ખાત્માની પણ વાતો કરે છે.
 
દેશમાં દેવતાઓની ભૂમિ ગણાતા કેરળમાં આઈએસની આ જ સલાફી કટ્ટરતાની વિચારધારા ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે, જેમાં કટ્ટરવાદ સાથે આતંકવાદ પણ છે. આમ તો કેરળમાં ઇસ્લામિક કટ્ટરવાદ કાંઈ નવી વાત નથી પરંતુ હાલ આઈએસ જેવી કથિત શુદ્ધ ઇસ્લામ વિચારધારાવાળા લોકો કરી રહ્યા છે. આપણે કાફિરો વચ્ચે સાચા મુસ્લિમો તરીકે જીવી શકીશું નહીં. માટે આપણે એ ભૂમિ પર રહેવું જોઈએ જ્યાં માત્ર મુસ્લિમો જ વસતા હોય. આપણી ભૂમિ પર કાફિરોના પડછાયો પણ ન પડવો જોઈએ. આઈએસઆઈએસ કેરળને આવી જ જન્નત બનાવવાનાં સ્વપ્નો કેરળના મુસ્લિમોને બતાવી રહ્યું છે. કેરળના મુસ્લિમ યુવા પણ આ વિચારધારાને લઈ ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા છે. જોકે તેઓ હુમલો કરવામાં સફળ તો નથી થઈ શક્યા પરંતુ કોશિશ જરૂર કરતા રહે છે.
 
- સતિષ પેડણેકર