અંગ્રેજોના બહેરા કાને અવાજ પહોંચાડવા ધારાસભામાં પહેલો બોમ્બ ભગતસિંહે અને બીજો બોમ્બ બટુકેશ્વર દત્તે ફેંક્યો હતો

    ૨૦-જુલાઇ-૨૦૧૯

 
 

અમર ક્રાંતિકારી : બટુકેશ્ર્વર દત્ત 

૨૦ જુલાઈ, ક્રાંતિકારી બટુકેશ્ર્વર દત્તની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ

ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું એક અમરનામ એટલે બટુકેશ્ર્વર દત્ત. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સાથે ખભેખભા મિલાવીને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા જીવનભર ઝઝૂમનાર ક્રાંતિકારી એટલે બટુકેશ્ર્વર દત્ત. દેશમાં આઝાદીની ચળવળ ચરમસીમાએ હતી. ક્રાંતિકારીઓ ‘ભારતમાતાકી જય’ અને ‘વંદેમાતરમ્’ના નારા સાથે અંગ્રેજોના દાંત ખાટા કરી રહ્યા હતા.
 
૮ એપ્રિલ, ૧૯૨૯નો દિવસ હતો. દિલ્હીમાં બ્રિટિશ સરકારની સત્તા તળે એસેમ્બલી મળવાની હતી. ભગતસિંહ અને બટુકેશ્ર્વરે નક્કી કર્યું કે આ બહેરી અને ગૂંગી સરકારની આંખો ખોલવી જોઈએ. દિવસે દિવસે તેનો આતંક વધતો જાય છે. બંગાળના કેટલાક ક્રાંતિકારીઓ સાથે મળીને તેમણે ધારાસભામાં બોમ્બ ફેંકી સરકારના દમનનો વિરોધ કરવાનું નક્કી કર્યું. આ દિવસે જન સુરક્ષા અધિનિયમ અને મજદૂર વિવાદ બીલ ધારાસભામાં પસાર થવાના હતા. ૮ એપ્રિલે, સવારે ભગતસિંહ અને બટુકેશ્ર્વર નીકળી પડ્યા. દિલ્હીના કાશ્મીરી ગેટની પાસે રામનાથ પાસે બંનેએ તસવીર ખેંચાવી. બે દિવસ પહેલાં જ તેમણે ધારાસભામાં પ્રવેશ મેળવીને ક્યાં બેસવું તેની વ્યવસ્થા કરી લીધી હતી. સરકારે બીલ રજૂ કર્યું. મોટાભાગના સભ્યો તેના વિરોધમાં હતા. છેવટે જ્યોર્જ સુસ્ટરે જાહેર કર્યું કે વાઇસરોયે પોતાના વિશેષ અધિકારોનો ઉપયોગ કરીને બીલ પસાર કરી દીધું છે. પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્ત તરત ઊભા થયા. જ્યોર્જ સુસ્ટરના પાછળના ભાગે બોમ્બ ફેંક્યો. બટુકેશ્ર્વરે બીજો બોમ્બ તેનાથી આગળ ફેંક્યો. બંને જણ ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા બોલાવતા ઊભા રહ્યા. બોમ્બના ધડાકાથી બધા સ્તબ્ધ થઈ ભાગવા લાગ્યા. સુસ્ટર ટેબલની નીચે સંતાઈ ગયો. ભગતસિંહે તેને ડરાવવા ટેબલ તરફ પિસ્તોલની બે ગોળીઓ છોડી. બંને જણે સભામાં સોશ્યાલિસ્ટ પાર્ટીની પત્રિકાઓ ઊછાળી જેમાં લખ્યું હતું, ‘બહેરાઓને સંભળાવવા માટે બોમ્બ વિસ્ફોટ જરૂરી છે.’
 

 
 
બંને ત્યાં જ ઊભા રહ્યા અને ગિરફ્તારી વહોરી લીધી. બંને ક્રાંતિકારીઓને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. તેમના પર કેસ ચાલ્યો અને બંનેને આજીવન કેદની સજા કરવામાં આવી.
 
લાહોર ષડયંત્ર અને બીજા કેસોમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા ફરમાવવામાં આવી. જ્યારે બટુકેશ્ર્વર દત્તને કાળાપાણીની સજા આપવામાં આવી. બટુકેશ્ર્વરને ફાંસીની સજા ન થવાથી દુ:ખ થયું. તેઓ પોતાને દુ:ખી અને અપમાનિત સમજવા લાગ્યા ત્યારે ભગતસિંહે તેને પત્રમાં લખ્યું, ‘દુનિયાને એ બતાવો કે ક્રાંતિકારીઓ પોતાના આદર્શો માટે માત્ર મોતને વહાલું નથી કરતા પરંતુ જીવિત રહીને જેલની કાળકોટડીઓમાં બધા અત્યાચાર સહન કરીને પણ દેશ માટે લડી શકે છે.’
 
બટુકેશ્ર્વરનો જન્મ ૧૮ નવેમ્બર, ૧૯૧૦માં કાનપુરમાં થયો હતો. તેઓ મૂળ બંગાળના બર્દવાન જિલ્લાના ઓરીગામના વતની હતા. કાનપુરમાં ભણતાં ભણતાં જ તેઓ ભગતસિંહના પરિચયમાં આવ્યા અને ક્રાંતિકારી સંગઠન ‘હિન્દુસ્થાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન’માં જોડાયા હતા. તેઓ ગુપ્ત રીતે બોમ્બ બનાવવાનું શીખ્યા હતા. આગ્રામાં બોમ્બ બનાવવાની ગુપ્ત ફેક્ટરીના સૂત્રધાર બટુકેશ્ર્વર જ હતા.
 
આંદામાનમાં કાળા પાણીની સજા પછી ૧૯૩૭માં તેમને પટનાની બાંકીપુર સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા. બીજા વર્ષે તેઓ જેલમાંથી છૂટ્યા. ત્યારબાદ મહાત્મા ગાંધીના અસહયોગ આંદોલનમાં જોડાયા. ફરીથી ગિરફ્તાર થયા અને ચાર વર્ષની જેલની સજા થઈ.
 
૧૯૪૭માં દેશ આઝાદ થયો. તેમની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં. તેઓ પટનામાં સ્થાયી થયા અને લગ્ન કર્યાં. આજીવિકાનું કોઈ સાધન ન હોવાથી ક્યારેક સિગારેટ કંપનીના એજન્ટ તરીકે તો ક્યારેક ટૂરિસ્ટ ગાઈડ તરીકે કામ કરીને પોતાનું પેટ ભરતા.
 
એકવાર પટનામાં બસ માટે પરમિટ મળી રહી હતી. તેમણે પણ અરજી કરી અને પટનાના કમિશનર પાસે ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું. તમે સ્વતંત્રતા સેનાની છો તેવું પ્રમાણપત્ર બતાવો. જેના નામથી અંગ્રેજ સરકાર કાંપતી હતી તેની પાસે આઝાદ ભારતનો અધિકારી પુરાવા માંગતો હતો. આ વાતની જ્યારે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ખબર પડી ત્યારે તેમણે કમિશનરનું ધ્યાન દોર્યું. કમિશનરે બટુકેશ્ર્વર દત્તની માફી માંગી.
 
૧૯૬૪માં બીમાર પડતાં પટનાની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા. અહીં તેમને પૂછનાર કે ખબર-અંતર લેનાર કોઈ નહોતું. આ વિશે તેમના મિત્ર ચમનલાલ આઝાદે એક લેખમાં લખ્યું, ‘શું દત્ત જેવા ક્રાંતિકારીઓએ ભારતમાં જન્મ લેવો જોઈએ ? જે વ્યક્તિએ દેશને આઝાદ કરવા જાનની બાજી લગાવી દીધી અને ફાંસીની સજાથી બાલબાલ બચી ગયા તે આજે દયનીય હાલતમાં હૉસ્પિટલમાં બિછાને દમ ઘૂટી રહ્યો છે.’
 
લેખ જોઈને સત્તાધીશો જાગ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી ગુલઝારી લાલ નંદા અને પંજાબના મંત્રી ભીમલાલે તેમની હોસ્પિટલમાં જઈ મુલાકાત લીધી. સરકારે તેમની સારવાર પર ધ્યાન આપ્યું. તેમને દિલ્હી લાવવામાં આવ્યા અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, ‘જે દિલ્હીમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ બોમ્બ ફોડ્યો હતો ત્યાં મારે અપંગ હાલતમાં સ્ટ્રેચર પર જવું પડશે એવું સપનામાં પણ વિચાર્યું નહોતું.’ કેન્સરની બીમારીથી ૨૦ જુલાઈ, ૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે ભારત-પાક. સીમા પાસે હુસેનીવાલામાં જ્યાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ હતી તેની બાજુમાં તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.