માનસમર્મ : બધા અભાવમાં શાંત સ્વભાવ રાખે એનું નામ સંત - મોરારિબાપુ

    ૨૦-જુલાઇ-૨૦૧૯   

 
યશોધરા બુદ્ધને સવાલ કરે છે કે સમૃદ્ધ રાજનો ત્યાગ કરીને આપે સંન્યાસ લીધો એ ઉત્તમ ધર્મકાર્ય કર્યું. રાજનો થોડો હિસ્સો સ્વીકાર્યો હોત અને થોડી સંપતિ હોત તો આ રોજ ભિક્ષા માંગવા જવું ન પડત. બીજા પાસે હાથ લંબાવીને સમાજનું ઋણ માથે શું કામ ચડાવવું ?
 
બુદ્ધે કહ્યું, તમારી જિજ્ઞાસા સારી છે. તમે આ પ્રશ્ર્ન સિદ્ધાર્થને કર્યો છે. બુદ્ધને કર્યો હોત તો જવાબ આપોઆપ મળી જાત. સંન્યાસ એટલે વૈરાગ્ય. સંન્યાસની પૂર્વશરત અહંકારનો છેદ. ભિક્ષા માંગવાનો અર્થ આપણાથી સમાજ મોટો છે, આપણે સમાજથી નહીં. સમાજને ઉપદેશ આપીને સમાજ પર કોઈ ઉપકાર નથી કરતા. એ એનો નિજાનંદ છે. એ સમાજના મનનું પોષણ કરે છે અને સમાજ એના તનનું. સરવૈયું શૂન્ય થઈ ગયું. આ જ લેણદેણથી સમાજ ચાલે છે. કદી એકતરફી વ્યવહાર ન ચાલે. સમાજ અને સંન્યાસી પરસ્પર આશ્રિત છે.
 
મેં ક્યારેક કોઈ કથામાં કહ્યું હતું કે બુદ્ધપુરુષ જવાબ નથી આપતા પણ જાગૃત કરે છે. તમે પ્રશ્ર્ન પૂછવા માટે અધિકારી છો પણ બુદ્ધપુરુષ જવાબ આપવા માટે બંધાયેલા નથી. સાચા બુદ્ધપુરુષ અંધકાર વિશે પ્રવચન નથી આપતા પણ એક દીવો પ્રગટાવી દે છે. વક્તૃત્વ એ શાસ્ત્રોક્ત આધાર છે અને કર્તૃત્વ એ સામાજિક નિસ્બત છે.
 
चरागे हुश्‍न जलाओ, बहोत अन्धेरा है |
रुख से परदा हटाओ, बहोत अन्धेरा है ॥
 
દીપાવલી એ કોઈ ચાંદની રાત નથી. અમાવસ્યા છે. એ દિવસે કોઈ અંધારાની ચર્ચા કરવા નથી બેસતું. ગરીબ હોય, તવંગર હોય, સૌ પોતાની તાકાત મુજબ દીવા પ્રગટાવે છે. કવિતામાં પ્રેમની ભાષા જુદી હોય છે. આપણી બોલીમાં કહીએ તો ઘૂંઘટ કા પટ ખોલ. અનાવૃત્ત કરવામાં આવે છે. પ્રેમનું કથન થઈ શકતું નથી. પ્રેમ એક એવો ધર્મ છે જે અવર્ણનીય છે, અકથનીય છે. પ્રેમ સિદ્ધાંત નથી, જીવનનો પરમ સંતોષ છે. સિદ્ધાંત મળે શાસ્ત્રોથી અને પ્રેમ મળે અનુભૂતિથી. પેલું ફિલ્મગીત છે ને પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ નામ ન દો. આ પ્રેમનો ઉચ્ચતમ તબક્કો છે. પ્રેમ અડાબીડ હોય છે. પ્રેમ એ ગાર્ડન નથી, એ નૈમિષારણ્ય છે. પ્રેમ એ પાર્ક નથી પણ અરણ્ય છે. પ્રેમ અવસ્થા છે, વ્યવસ્થા નથી. જેવી રીતે જંગલમાં ગમે ત્યાં ઝાડ ઊગે છે. લતાઓ, વનસ્પતિ, ઋષિમુનિ, સિંહ શું શું નથી હોતું જંગલમાં ! અરણ્યકાંડની ચર્ચા એકવીસમી સદીમાં જરૂરી છે. આજે જ્યારે બધી જગ્યાએ જંગલ કાપવામાં આવે છે, શહેરનો વિસ્તાર થતો જાય છે. નગર વધે એનો વાંધો નથી પણ મૂળ આ દેશ તો અરણ્યનો છે. આ દેશમાં વનવાસનો ખૂબ મહિમા છે. કાં તો વચનને કારણે, કાં તો જુગટું રમવાને કારણે વનવાસ થયો છે. એક અવસ્થા પછી માણસ અરણ્ય તરફ મુખ કરે છે.
 
પ્રીતિ શબ્દ બહુ પ્યારો છે. ભગવાન રામ કહે છે એ સ્થૂળ પ્રેમની વાત નથી. અહીં પ્રેમતત્ત્વની વાત તુલસીએ ગાઈ છે એમાં કેવળ ભરતના પ્રેમનું જ ગાયન નથી; સામાન્ય નગરજનની પણ વાત છે. એક સમ્રાટ રાજકુમાર છે ભરત, જેને પિતાવચનને કારણે ગાદી આપવામાં આવી છે. એ ભણેલાગણેલા છે. બ્રહ્મનો નાનો ભાઈ છે. એનાં પ્રીતનાં ગીત તુલસી ગાય તો આશ્ર્ચર્ય નથી. પરંતુ તુલસી એનાં પ્રીતનાં ગીત ગાઈ રહ્યા છે જે સામાન્ય નગરજન છે. એમાં તો સુમંત પણ રડ્યા છે. એમાં કોઈ વર્ણનું નામ નથી લખ્યું. જેનામાં થોડો પ્રેમ છે એમાં વિયોગનો વાયરો આવે છે તો એ બુઝાઈ જાય છે કે અમે આટલો પ્રેમ કર્યો છતાં પણ વિયોગ ! પરંતુ જેના દિલમાં પ્રચંડ પ્રેમ છે એ ઓર વધી જાય છે. તુલસી પહેલી પંક્તિમાં આખું પ્રેમશાસ્ત્ર નિચોવીને રાખી દે છે. પ્રેમ ક્યારેય ઉપદેશ નથી આપતો. ઉપદેશ તો ઓધવ આપે છે. પ્રેમ તો ગાય છે.
जयति तेडधिकं जन्मना व्रजः | श्रयत इन्दिरा शश्‍वदत्र हि |
 
 
- આલેખન :  હરદ્વાર ગોસ્વામી