ના હોય! પ. બંગાળમાં મમતા બેનર્જી હવે વામપંથીઓને ચુંટણીમાં જીતાડવા મદદ કરી રહી છે!?

    ૨૨-જુલાઇ-૨૦૧૯   

 
 
મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી બની તે પહેલા અહીં ૩૦ વર્ષથી વધારે સમય સુધી વામપંથીઓની એટલે કે CPI(M) (ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી) ની સરકાર હતી. પહેલા ૧૯૭૭થી ૨૩ વર્ષ સુધી સીપીએમના જ્યોતિ બસુએ અહીં રાજ કર્યુ તેમના પછી ૨૦૦૦થી સીપીએમના જ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ ૧૦ વર્ષ રાજ કર્યુ અને પછી ભારે સંઘર્ષ બાદ અહીં તૃણમૂલ કોગ્રેસ (Trinamul Congress - TMC)ની એટલે કે મમતા બેનર્જીની ૨૦૧૧માં સરકાર બની. મમતાએ વામપંથીઓના ૩૩ વર્ષની મજબૂત સત્તાના મૂળીયા ઉખાડી ફેંક્યા ને તે હવે ૮ વર્ષથી બંગાળના મુંખ્યમંત્રી છે. સામે પક્ષે વામપંથી હવે નાબૂદ થવાના આરે આવી ગયા છે. એક સમયે દેશમાં કેન્દ્ર સરકારમાં જે પક્ષ મહત્વની ભૂમિકા ભજવતું રહ્યું હતું હવે તેને એક – એક – મત મેળવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ૩૩ વર્ષ સુધી અઢળક મત આપતા મતદારો પણ હવે વામદળથી દૂર થઈ ગયા છે. વામપંથીઓના આવા હાલ કરવામાં નિશ્ચિત પણે મમતાનો ફાળો ખૂબ મોટો છે. પણ હવે અચાનક મમતા વામદળ માટે કૂણું વલણ દાખવી રહી છે. વિધાનસભામાં વિરોધ પક્ષ તરીકે તે આ વામદળને જ જોવા માંગે છે. અને એટલા માટે જ તે ખૂલીને વામપંથીઓને મદદ કરવાના મૂળમાં છે.
 
તમે વિચારતા હશો કે એક સમયના કટ્ટર દુશ્મન માટે મમતા કેમ આવું વિચારે છે? વામપંથીઓને પછાડવા જ મમતાએ સંઘર્ષ કર્યો હતો. હવે જ્યારે વામપંથીઓના અસ્તિત્વ પર સંકટ આવ્યું છે ત્યારે મમતા બેનર્જી કેમ તેના અસ્તિત્વને ટકાવી રાખવા તેને મદદ કરવાની વાત કરી રહી છે? આ વિચારવા જેવું છે. મમતાએ આ માટે કામ પણ ચાલુ કરી દીધું છે.
તમે થોડા દિવસો પહેલાના જ બંગાળના રાજકિય વાતાવરણને યાદ કરો. “જય શ્રીરામ”ના નારાથી લઈને મમતાની હિટલર શાહી તમને યાદ આવશે. પણ છેલ્લા થોડા સમયથી મમતા હવે શાંત થઈ ગયા છે. ગમે તેને ગમે તે શબ્દોમાં ખખડાવી નાખનારની છાપ ધારાવતી મમતા બેનર્જી હવે બધાને પ્રેમથી સંબોધન કરવા લાગી છે. હંમેશાં લડાઈ કરવાના મૂળમાં રહેતી મમતા હવે શાંત રહેવા લાગી છે. તેના સાંસદો પોતાના ભાષણના અંતે “જય હિંદ” અને ‘વંદે માતરમ”ના નારા લગાવતા થઈ ગયા છે. હમણાં જ મમતા બેનર્જીએ વામદળના વરિષ્ઠ નેતા સુજન ચક્રવતીને પ્રેમથી “સુજન દા” અને વરિષ્ઠ કોગ્રેસી નેતા અબ્દુલ મન્નાનને “મન્નાનભાઈ” કહીને સંબોધિત કર્યા હતા. મમતાની આ સજ્જન ભરી બોલીથી રાજકિય પંડિતો પણ હેરાન છે.

મમતાએ વામદળના નેતાઓને અપીલ કરી…

 
હવે પ્રશ્ન થાય કે મમતા આવું કેમ કરી રહી છે? તો તેની પાછળનું કારણ છે પશ્ચિમ બંગાળમાં ભાજપનું વધતું કદ. મમતા બેનર્જી હવે બંગાળમાં કોંગ્રેસ, વામદળ અને પોતાના પક્ષનું જ વર્ચસ્વ રહે એવું ઇચ્છે છે. ભાજપની હાજરી મમતાને હેરાન કરી રહી છે. તેમને લાગે છે કે અહીંના જૂના પક્ષ વામદળના અસ્તિત્વને નાબૂદ કરવાથી અહીં ભાજપને ફાયદો થયો છે. અત્યાર સુધી વામદળને જે મત મળતા હતા તે હવે ભાજપને મળવા લાગ્યા છે. મમતાને લાગે છે કે વામદળને મળતા મતમાં જે ૨૦ ટકાનો ઘટાડો થયો છે તે ૨૦ ટકા મત ભાજપને મળ્યા છે અને માટે ભાજપનું કદ અહીં વધી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આવું પરિણામ જોઇ ખુદ મમતાએ વામદળના નેતાઓને અપીલ કરી છે કે તે પોતાના પક્ષને ફરી મજબૂત કરે. થોડું વધારે ધ્યાન આપે. આટલું જ નહી મમતા હવે અહીં કોંગ્રેસ અને વામદળને મદદ કરવાના મૂળમાં છે. તેને મદદ કરવાની ચાલુ પણ કરી દીધી છે. કેવી રીતે? ઈન્ડીયા ટૂડેમાં છપાયેલા એક રીપોર્ટમાં આ માહિતી મળે છે. વાંચો!
 
# હવે તે પોતાના ભાષણમાં કોંગ્રેસ કે વામદળને ટાર્ગેટ નહી કરે.
 
# વામદળના જે કાર્યાલયો મમતાએ પોતાના ગણાવીને લઈ લીધા હતા કે બંધ કરાવી દીધા હતા હવે તે કાર્યાલયો મમતાએ પાછા આપી દીધા છે.
 
# વામદળોના યુનિયન નેતાઓને પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે.
 
#મમતાની સરકાર બન્યા પછી તેમને ગમે ત્યાં કામ કરવામાં હેરાન ગતિ થતી પણ હવે આવી કોઇ હેરાનગતિ નહી થાય. તેમને જ્યાં, જે વિસ્તારમાં કામ કરવું હોય તેની મોકળાશ આપવામાં આવી છે.
 
#જ્યોતિ બસુ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીજ એન્ડ રીસર્ચ સેન્ટર માટે જમીન પણ સરકાર તરફથી ફાળવી દેવાઈ છે.
 
#પ.બંગાળની વિધાનસભામાં વામદળ અને કોંગ્રેસને સાથે લઈ આગળ વધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
 
જોકે મમતાની આ રાજનીતિનીથી સૌ કોઇ ચકિત છે. મમતા મદદ કરે છે છતા વામદળ પણ મમતાની નીયત પર આશંકિત છે. લાગે છે કે મમતા પ.બંગાળમાં ભાજપના વધતા કદને કોઇ પણ ભોગે રોકવા માંગે છે અને તેથી મમતાને હવે તેના એક સમયના સૌથી વિરોધી પક્ષ વામદળ યાદ આવ્યું છે. આના પરથી લાગે છે કે આવનારા સમયમાં પ. બંગાળનું રાજકિય વાતાવરણ ગરમ રહેવાનું એ નક્કી છે….જોઇએ…!