ઉત્તરકાશીના ૧૩૩ ગામોમાં છેલ્લા ત્રણ મહીનામાં ૨૧૬ બાળકો જન્મ્યા પણ તેમાં એક પણ દિકરી જન્મી નથી : રીપોર્ટ

    ૨૨-જુલાઇ-૨૦૧૯

 
 
ઉત્તરકાશીના જિલ્લાધિકારી આશીષ ચૌહાણે જણાવ્યું છે કે છેલ્લા ત્રણ મહીનામાં અહીંના કેટલાક જિલ્લામાં એવી વાત સામે આવી છે કે જ્યાં આ દિવસોમાં એક પણ દિકરીનો જન્મ થયો નથી. જિલ્લાધિકારીએ જણાવ્યું કે આ પાછળનું કારણ શું છે તે તપાસવા એક વિસ્તૃત સર્વેક્ષણ કરવામાં આવશે.
 
એક રીપોર્ટ પ્રમાણે ઉત્તરકાશીમાં છેલ્લા ત્રણ મહિનામાં ૧૩૩ ગામોમાં ૨૧૮ જેટલા બાળકોએ જન્મ લીધો છે. હેરાન કરનારી બાબત એ છે કે આ જન્મેલા ૨૧૮ બાળકોમાંથી એક પણ દિકરીએ જન્મ લીધો નથી. જેના કારણે હવે ઉત્તરાખંડમાં હડકંપ મચી ગયો છે. આ રીપોર્ટ પછી હવે ધડાધડ તપાસના ઓર્ડર આપી દેવાયા છે. આ પાછળનું કારણ શું છે એ તો હવે સરકારી રીપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.
 
આ બાબતે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી રેખા આર્યએ જણાવ્યું છે કે આ ઘટના પાછળ કંઇક તો ગડબડ થઈ છે. જે યોગ્ય તપાસ પછી બહાર આવશે. જો આમા કોઈ દોષી જણાશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
 
ઉત્તરાખંડના મુંખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ જણાવ્યું છે કે આવું બનવું અશક્ય છે. આ બાબતે તપાસ થશે. કોઇ પણ પ્રકારની લાપરવાહી અથવા અપરાધિક ગતિવિધિ સામે આવશે તો કડક કાર્યવાહી થશે જ.