@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ પ્રભુ મહાવીર સાથે જોડાયેલા રેલવે સ્ટેશનનું નામ ન બદલવા જૈનોનું “અનોખું અભિયાન”

પ્રભુ મહાવીર સાથે જોડાયેલા રેલવે સ્ટેશનનું નામ ન બદલવા જૈનોનું “અનોખું અભિયાન”


 
 
જૈનોએ પશ્ચિમ બંગાળમાં પ્રભુ મહાવીર સાથે જોડાયેલું “બર્ધમાન રેલવે સ્ટેશન”નું નામ ન બદલવા માટે એક અહિંસક આંદોલન અભિયાનનો પ્રારંભ “સોશિયલ મીડિયા”ના માધ્યમથી શરૂ કર્યું છે. જે અંતર્ગત એક વેબસાઈટ પર આ રેલવે સ્ટેશનનું નામ ન બદલાય તે માટે પિટિશન દ્વારા પોતાના નામ અને શહેરના નામ લખી રહ્યાં છે. સાથોસાથ વ્હોટ્સ એપ દ્વારા જૈનો આ વિગતો મોકલી રહ્યાં છે.
 
આ અંગે “નવગુજરાત સમય” નામના અખબારને વિગતો આપતા એલ.ડી.ઇન્ડોલોજીના ડાયરેક્ટર, જૈન ધર્મના વિદ્વાન ડો. જિતેન્દ્ર શાહે જણાવ્યું કે ભગવાન મહાવીરની કર્મભૂમિ બિહારમાં રહી છે. તેની સ્મૃતિમાં અગાઉથી જ “બર્ધમાન” નામ રાખવામાં આવ્યું છે. રાત્રે 9.00 વાગ્યા સુધીમાં Jainmovement.com પર “Petition against change of bardhaman rail station” ઉપર 1421 લોકોએ પિટિશન કરીને ભગવાન મહાવીર સાથે જોડાયેલું આ નામ ન બદલવા માટે પિટિશન દાખલ કરી છે.
 

 
 
ડો. જિતેન્દ્ર શાહે વધુમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહેતા વિદૂષી ડો. લતા બોથરાએ આ બાબતે જૈન સમાજને જાગૃત કરીને ભગવાન મહાવીર સાથે જોડાયેલા આ સ્ટેશનનું નામ ન બદલવું જોઈએ, એ જણાવ્યું છે. ઇતિહાસ પણ એ કહે છે કે પૂર્વ ભારતમાં ખાસ કરીને બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં ભગવાન મહાવીરનું વિચરણ રહ્યું હતું. તેમણે અહિંસાનો ઉપદેશ આપ્યો હતો. તેની અસર સ્થાનિક “સરાક” જાતિમાં જોવા મળે છે. સાથોસાથ આ મુદ્દે દેશ-વિદેશના સંશોધકોએ પણ સંશોધન કરીને એવું પ્રસ્થાપિત કર્યું હતુ કે આ બધા પ્રાચીન કાળના શ્રાવકો હતા. તેમના કુળના નામો પણ તીર્થંકરના નામોથી પ્રચલિત છે. તેઓનું જીવન પણ અહિંસક રીતે જીવાય છે. આ દર્શાવે છે કે પ્રભુ મહાવીરની આ કર્મભૂમિ રહી હતી. પ્રભુ મહાવીરનું એક નામ “વર્ધમાન સ્વામી”ના નામ પરથી જ “બર્ધમાન” નામ બંગાળમાં પડ્યું. જે વર્ધમાનનું જ અપભ્રંશરૂપ છે. આ નગર સાથે ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે. તેથી જ આ રેલવે સ્ટેશનનું નામ બદલનારા આ નગર કે નામનાં ઇતિહાસ અંગે જ આ રેલવે સ્ટેશનનું નામ બદલનારા આ નગર કે નામનાં ઇતિહાસ અંગે જ અજાણ હોય તેવું સુચવે છે.

વિવાદ શરૂ કેવી રીતે થયો ?

 
ગત તા. 20મી જુલાઈના રોજ મહાન સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તની 54મી પુણ્યતિથિએ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય પટનાના જક્કનપુર ગામમાં બટુકેશ્વર દત્તની પુત્રી ભારતી બાગચીને મળવા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે “પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશનનું નામકરણ ક્રાંતિકારી બટુકેશ્વર દત્તના નામે થશે.” આ જાહેરાત બાદ જૈન સમાજે અહિંસક આંદોલનનો પ્રારંભ કરીને ઓનલાઈન પિટિશન પણ શરૂ કરી દીધી છે એમ ડો. જિતેન્દ્ર શાહે ઉમેર્યું હતું.