બ્રહ્માંડમાં અનેક ગ્રહો છે પણ જીવસૃષ્ટિ હોય એવું હજી જણાયું નથી...

    ૨૫-જુલાઇ-૨૦૧૯

 
 

કેવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ હોઈ શકે ?

 
ખગોળશાસ્ત્રીઓ આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોનો અભ્યાસ કરીને કોઈ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ છે કે કેમ તેનાં સંશોધનો કરી રહ્યા છે. ઘણા ગ્રહો પૃથ્વીથી લાખો પ્રકાશવર્ષ દૂર છે. આવા ગ્રહો ટેલિસ્કોપ વડે દેખાતા પણ નથી. ખગોળશાસ્ત્રીઓ તેના તારાના રંગ અને ગતિવિધિનો અંદાજ કાઢે છે. સજીવ સૃષ્ટિ છે કે નહીં તે જોઈ શકાતું નથી, પરંતુ સજીવ સૃષ્ટિને અનુકૂળ ગ્રહો કેવા હોય તે ખગોળશાસ્ત્રીઓએ નક્કી કર્યુ છે.
 
# કોઈપણ ગ્રહ પોતાના સૂર્યથી તદ્દન નજીક ન હોવો જોઈએ કે જ્યાં પ્રચંડ તાપમાન હોય કે એટલો બધો દૂર પણ ન હોવો જોઈએ કે તીવ્ર ઠંડી પડે.
 
# ગ્રહ ઉપર પાણી હોવું જોઈએ. સજીવ સૃષ્ટિના કોષોમાં ૮૦ ટકા પાણી હોય છે. પાણી વિના જીવનરસ બને જ નહીં.
 
# સજીવના શરીરનું બંધારણ મુખ્યત્વે કાર્બન ઉપર આધારિત છે એટલે ગ્રહ ઉપર કાર્બન ધરાવતા રસાયણો હોવાં જોઈએ
 
# અને છેલ્લે જમીન, સજીવ સૃષ્ટિને વિકસવા માટે જમીન જોઈએ, પણ ગ્રહો માત્ર વાયુ અને વાદળોના ગોળા હોય છે. એણે નક્કર ભૂમિ કે ખડકોવાળી સપાટી હોય તેવા ગ્રહ ઉપર જીવન હોવાની શક્યતા હોય છે.
 
આજ સુધી વિજ્ઞાનીઓને સૂર્યમાળાની બહાર આમાંથી થોડી શરતોનું પાલન કરતાં હજારો ગ્રહો મળી આવ્યા છે તેને એકસ્ટ્રાસોલાર પ્લેનેટ કહે છે, પરંતુ ક્યાંય જીવસૃષ્ટિ હોય એવું હજી જણાયું નથી.