આવો તમને અમદાવાદના રિયલ હીરોને મળાવું | ફ્લેટમાં લાગેલી આગમાં પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા

    ૨૬-જુલાઇ-૨૦૧૯

 
અમાદાવાદના જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટવાને કારણે લગભગ બપોરના 12.30 કલાકે આગ લાગી હતી. ખૂબ પવન હોવાને કારણે આગ વિકરાળ બની હતી અને આ આગની અસર 5, 7 અને 9માં માળ પર રહેતા લોકો સુધી થઈ હતી. જો કે ઉલ્લેખનીય વાત એ છે કે ફાયર બ્રિગેડ બે કલાકમાં આગ કાબૂ મેળવવામાં સફળ રહ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસક્યુ ઓપરેશન દરમિયાન કુલ 35 લોકોને બચાવવામાં આવ્યા હતા.જ્યારે 7 લોકોને રેસ્કયુ કરી નીચે ઉતાર્યા હતા. આ દુર્ઘટનામાં અલ્કાબહેન પટેલ નામની મહિલાનું સોલા સિવિલમાં મોત થયું છે. જ્યારે સાત લોકો સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની મદદ પણ લેવામાં આવી હતી.
 

 
 
આ દુઃખદ ઘટના અમદાવદનો એક રિયલ હીરો સામે આવ્યો છે. આજના ડિજિટલ યુગમાં લોકો આવી કોઇ ઘટના બને એટલે તરત ખીસ્સામાંથી સ્માર્ટફોન કાઢી વિડિઓ બનાવવા લાગે છે. જ્યાં ફિજિકલ બનવાનું હોય છે ત્યાં લોકો ડિજિટલ બની જાય છે. આ ઘટનામાં પણ અનેક લોકો લોકોને બચાવવાનો પ્રયત્ન કરવાના બદલે વિડિઓ ઉતારતા જોવા મળ્યા. આવા સમયે લોકોની મદદ આવ્યો એક સામાન્ય ટ્રાફિક કોન્સ્ટેબલ. નામ છે તેમનું મનિષભાઈ…
 

 
 
મનિષભાઈ ટ્રાફિક પોલિસના એ ડિવિઝનમાં ટ્રાફિક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ ગોતાના આ ઘટના સ્થળેથી થોડે દૂર ફરજ બજાવતા હતા. સવારે ઘટના ઘટી ત્યારે તેઓ આ ફ્લેટની નજીક એક લારીએ ચા પીતા હાતા. અચાનક તેમણે આ ફ્લેટના છઠ્ઠામાળે આગ લાગેલી જોઇ. લોકોની બૂમો સાંભળી મનિષભાઈ ફ્લેટ તરફ દોડ્યા. ત્યાં જઈને તેમણે જોયુ કે લોકો ઉભા છે, કોઇ વિડિયો ઉતારી રહ્યા છે પણ કોઇ લોકોને બચાવવા આગળ વધતું નથી.
 
આથી તેમણે હિંમત કરી અને સીડી ચડીને આગળ વધ્યા. આનું પરિણામ એ આવ્યું કે લોકોને પણ હિંમત થઈ. તેમને લાગ્યું કે આગળ પોલિસ છે તો પાછળ સ્થાનિક લોકોએ પણ મદદે જવું પડ્યુ. સીડી મારફતે તેઓ છઠ્ઠામાળે પહોંચ્યા તો ફ્લેટનો દરવાજો બંધ હતો. તેમણે દરવાજો તોડ્યો, ત્યાં ફસાયેલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢ્યા. ત્યાં સુધીમાં ફાયરબ્રિગેડની ટીમ પણ આવી ગઈ તે પણ આમના કામ સાથે જોડાઈ ગઈ. પરિણામ એ આવ્યું કે એક મોટી જાનહાનીને ટાળી શકાઇ.
 
સાંભળો.....