લેફ્ટનન્ટ કર્નલ ધોની કાશ્મીરમાં ધોની ટ્રૂપ સાથે રહીને પેટ્રોલિંગ અને ગાર્ડની જવાબદારી સંભાળશે

    ૨૬-જુલાઇ-૨૦૧૯

 
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એકવાર ફરી ભારતીય સેનાની વર્દી સજ્જ થઈને સરહદ પર પેટ્રોલિંગ કરતા જોવા મળશે. એવું ન સમજી લેતા કે કોઇ ફિલ્મનું કે જાહેરાતનું શૂટિંગ કરવા ધોની આવું કરી રહ્યો છે. હકિકતમાં તે સરહદ પર સૈનિકની વચ્ચે પેટ્રોલિંગ કરશે અને એ પણ એક સૈનિકની જેમ….
 
ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ એવા મહેન્દ્રસિંહ ધોનીએ હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. હવે ભૂતપૂર્વ ભારતીય સુકાની આર્મી યુનિફોર્મમાં કાશ્મીર ખીણમાં પેટ્રોલિંગ કરશે. મીડિયા પ્રકાશિત થયેલા અહેવાલો પ્રમાણે લેફ્ટનન્ટ કર્નલ ધોની 31 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન સાથે રહેશે. આ યુનિટ વિક્ટર ફોર્સના ભાગ રૂપે કાશ્મીરમાં છે. ધોની ટ્રૂપ સાથે રહીને પેટ્રોલિંગ અને ગાર્ડની જવાબદારી સંભાળશે.
 
તમને જણાવી દઈએ કે 38 વર્ષીય ધોનીને 2011માં ભારતીય લશ્કરે લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવી આપી હતી. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો ધોની વર્લ્ડ કપમાં રમ્યો હતો. જો કે, તેણે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં નહીં જવાનો નિર્ણય કર્યો હતો અને તેના બદલે તેણે પેરામિલિટરીમાં પોતાની સેવા આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમામે ધોનીએ ભારતીય ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને આર્મી પ્રત્યે તેનો પ્રેમ બધાને ખબર છે. તેના આ નિર્ણયથી દેશના યુવાનો પણ આર્મીમાં ભરતી થવાની પ્રેરણા મળશે. નોંધનીય છે કે ધોની 2015માં ક્વોલિફાઈડ પેરાટ્રૂપર બન્યો હતો. તે માટે તેણે ભારતીય લશ્કરના એરક્રાફ્ટના આગ્રા ટ્રેનિંગ કેમ્પ ખાતે પાંચ પેરાશૂટ જમ્પની ટ્રેનિંગ પણ લીધી હતી.