હવે રમાશે ક્રિકેટમાં ટેસ્ટ મેચનો વર્લ્ડ કપ, જે બે વર્ષ સુધી ચાલશે! ૨૦૨૧માં ફાઈનલ!

    ૨૬-જુલાઇ-૨૦૧૯

 
 
ક્રિકેટ જગતનો વર્લ્ડ કપ પૂરો થયો અને હવે એક નવા સમાચાર આવ્યા છે. વર્લ્ડ કપ સંદર્ભના જ છે. પણ નવા છે. જરા વિચારો! ટેસ્ટ ક્રિકેટનો વર્લ્ડ કપ યોજાય શકે? હા યોજાય શકે. અને આગામી ૧ ઓગષ્ટથી તે યોજાવા જઈ રહ્યો છે. જોકે આની વિચારણા તો વર્ષ ૨૦૦૯થી જ શરૂ થઈ ગઈ હતી પણ નક્કર યોજના હવે બની ગઈ છે. ક્રિકેટમાં હવે ટેસ્ટ ક્રિકેટનો વર્લ્ડ કપ રમાવાનો છે.
 
ઈંગ્લેન્ડમાં આગામી ૧ ઓગષ્ટથી એશિજ સીરિઝ શરૂ થવાની છે. આ સીરિઝ સાથે જ આ ટેસ્ટ વર્લ્ડ કપ (ચેમ્પિયનશીપ)ની શરૂઆત થઈ જશે. બે વર્ષ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટની ફાઈનલ જૂન ૨૦૨૧માં રમાશે. આ બે વર્ષ દરમિયાન ટોપ પર રહેલી બે ટીમ વચ્ચે ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં રમાશે.
 
મહત્વની વાત એ છે કે ટેસ્ટને રોચક બનાવવા માટે કેટલાક બદલાવ પણ કરવામાં આવ્યા છે. ટેસ્ટ મેચ દરમિયાન પહેલા ખેલાડીઓની ટી-શર્ટ પર નામ કે નંબર લખાતા ન હતા પણ હવે લખાશે. બીજી ઉલ્લેખનીય વાત એ છે કે હવે ડે-નાઈટ ટેસ્ટ પણ રમાશે. ભારતીય ટીમ આ કપમાં ૬ દેશો સામે ટેસ્ટ મેચ રમશે. ભારત માત્ર પાકિસ્તાન અને શ્રીલંકા સામે આ ટૂર્નામેન્ટમાં ટેસ્ટ નહી રમી શકે.
 

ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્લાન આ રીતે બન્યો

 
આઈસીસી International Cricket Council (ICC)ને આ ટેસ્ટ ચેમ્પિયનનો વિચાર આમતો ૨૦૦૯માં જ આવ્યો હતો. પણ તેની સ્વીકૃતિ ૨૦૧૦માં થઈ. આઈસીસીની ઇચ્છા હતી કે વર્ષ ૨૦૧૩માં જ આ ચેમ્પિયનશીપની શરૂઆત થઈ જાય પરંતુ તેવું બની શક્યુ નહી. પછી ૨૦૧૭ સુધી વાત લંબાઈ પણ તે પણ શક્ય બન્યું નહી. અંતે ૨૦૧૯માં આ ચેમ્પિયનશિપ શરૂ થઈ છે. ટેસ્ટ મેચમાં લોકોનો રસ જળવાઈ રહે તે માટે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ ટેસ્ટ મેચ રમનારી કુલ ૧૨ ટીમ છે. પરંતુ આ ચેમ્પિયનશિપમાં માત્ર ૯ ટીમ જ રમશે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનને આ ટૂર્નામેન્ટમાં રમવા નહી મળે. બીજી બાજુ ઝિમ્બાબ્વે પર તો પહેલાથી જ પ્રતિબંધ લાગી ચૂક્યો છે. એટલે બાકીની ૯ ટીમ આ ટૂર્નામેન્ટમાં ૬ સીરીઝ રમશે. જેમા ત્રણ સીરિઝ ધર આંગણે અને ત્રણ સીરિઝ વિદેશમાં રમશે. એક સીરિઝમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ પાંચ ટેસ્ટ મેચ રમી શકાશે. અ બધી સીરીઝ પૂર્ણ થયા પછી ટોપ રહેલી બે ટીમ વચ્ચે જૂન ૨૦૨૧માં ઇંગ્લેન્ડમાં ફાઈનલ ટેસ્ટ મેચ રમાશે.