બાળ તસ્કરી : ગુમનામીના ખપ્પરમાં હોમાતું બાળપણ - કોણ છે દેશની બાળપેઢીના દુશ્મનો ?

    ૨૯-જુલાઇ-૨૦૧૯    

# દર વર્ષે ભારતનાં વિવિધ રાજ્યોમાં સરેરાશ એક લાખ જેટલાં બાળકો ગુમ થયાની ફરિયાદો નોંધાવવામાં આવે છે.

# સરેરાશ ૧૮૦ બાળકો રોજ ગાયબ થાય છે, જેમાંથી ૫૫% છોકરીઓ હોય છે.

# ગુમ થયેલાં બાળકોમાંનાં ૪૫% બાળકો યૌનશોષણ, માનવઅંગોના વેપાર, ભીખ માંગતી ગેંગનો શિકાર બની જાય છે.

# યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આંકડા મુજબ વિશ્ર્વમાં જેટલી માનવ તસ્કરી થાય છે, તેમાં ૫૦ ટકા બાળકો હોય છે.

બાળતસ્કરી થકી તસ્કરોને દર વર્ષે ૧૦ અરબ ડૉલરની કમાણી થાય છે.

# આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન મુજબ દેશમાં ૧૮ લાખ બાળકો સેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં શોષાઈ રહ્યાં છે.

# બ્રિટનમાં દર વર્ષે ૧૩,૦૦૦ બાળકો ગુમ થઈ જાય છે.

# ચીનમાં છેલ્લા એક દાયકામાં ૩.૭ કરોડ બાળકો ગુમ થઈ ગયાં છે.

બેલ્જિયમમાં દર વર્ષે ૨૯૨૮, રોમાનિયામાં ૨૩૫૪, બાળકો ગુમ થઈ જાય છે.

તાજેતરમાં જ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક દિલધડક ઓપરેશન કરી બાળકોની તસ્કરી કરતી ગેંગને પકડી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે, જે બાળકો પાસે ભીખ મંગાવવાનો ધંધો કરે છે. માહિતીને આધારે ટીમે શહેરના માનવનગરના એક મકાનમાં દરોડો પાડ્યો ત્યારે તેમની નજર સામે જે દૃશ્ય હતું તે ખરેખર ‚રૂંવાડાં ઊભાં કરી દે તેવું હતું. મકાનમાં મહિનાથી માંડી ૨૦ વર્ષની યુવતી સુધીનાં ૧૭ બાળકોને એક રૂમમાં જાનવરોની માફક ગોંધી રાખવામાં આવ્યા હતાં. તપાસમાં બહાર આવ્યું છે કે આનંદી સલાટ અને તેનો સાગરીત સંપત સલમ બાળકોને અસહ્ય ત્રાસ આપી તેમની પાસે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ભીખ મંગાવતા અને ચોરી પણ કરાવતા હતા. છોડાવાયેલા બાળકોએ તેમની પર કેવા પ્રકારના અત્યાચાર કરાતા તેનો ખુલાસો કર્યો છે. તેમની આંખોમાં મરચું આંજવામાં આવતું. શરીરે ડામ પણ આપવામાં આવતા. જો બાળકો તેમને આપવામાં આવેલો ટાર્ગેટ પૂરો ન કરે તો તેમને ડામ આપી માર મારવામાં આવતો. આ બાળકો કોણ છે ? તેમને ક્યાંથી લાવવામાં આવ્યા છે ? પોલીસ આ લખાય છે ત્યાં સુધી જાણી શકી નથી. જો કે આ ઘટના બાદ બાળતસ્કરીને લઈ ગુજરાતમાં ફરી ચર્ચા છેડાઈ છે.

ગુજરાતમાંથી બાળકો ગુમ થવાના આંકડા ચિંતા ઉપજાવે તેવા છે

ગુજરાતની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં જ રાજ્યભરમાંથી ૨૩૦૭ જેટલાં બાળકો ગુમ થવાના કિસ્સા બન્યા છે. આ એ આંકડા છે જે સરકારી ચોપડે નોંધાયેલા છે. ત્યારે સરકારી ચોપડે ન નોંધાયેલ આંકડો કેટલો હશે તેની કલ્પના મુશ્કેલ છે. ગુજરાતમાંથી ગુમ થતા અને બાદમાં પરત મળી આવતા બાળકોના આંકડામાં ખૂબ મોટું અંતર જોવા મળે છે. જે ૨૩૦૭ બાળકો ગુમ થયા હતા તેમાંથી માત્ર ૧૮૦૪ બાળકોને જ પરત લાવવામાં સફળતા મળી છે. એટલે કે હજુ સુધી ખોવાયેલા ૪૯૭ બાળકોનો કોઈ જ અતોપતો નથી.


 

ભારતમાં દર વર્ષે ૪૫,૦૦૦થી પણ વધુ બાળકો ગુમ થઈ જાય છે

ભારતમાં પોતાના ગુમ થયેલા બાળકની શોધમાં સેકડો પરિવારો આમ તેમ ભટકી રહ્યાં છે. ગુમ થયેલામાંથી કેટલાક બાળકો ખુશનસીબ હોય છે, જે પોતાના ઘરે પાછા પહોંચી શકે છે. પણ જે નથી પહોંચતા તે તસ્કરી અને શોષણના નર્કમાં ખોવાઈ જાય છે. નેશનલ હ્યુમન રાઈટ કમિશનના રિપોર્ટ મુજબ ભારતમાંથી દર વર્ષે ૪૫,૦૦૦થી પણ વધુ બાળકો ગુમ થઈ જાય છે, જેમાંથી ૧૧૦૦૦ બાળકો ક્યારેય પણ પોતાના ઘરે પહોંચી શકતા નથી. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોનો રિપોર્ટ કહે છે કે દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થઈ રહ્યું છે. બાળકોનું ગુમ થવું અને બાળતસ્કરી એ ભારત જેવા વિશાળ આબાદીવાળા વિકાસશીલ દેશ માટે પડકાર બની ઊભરી રહી છે.

આપણો દેશ યુવાનોનો દેશ છે. દેશની ૪૦ ટકાથી વધુ વસ્તી ૧૮ વર્ષ કરતાં નીચેના યુવાનોની છે. પરંતુ દુ:ખની વાત એ છે કે હ્યુમન રાઈટ્સના આંકડા મુજબ આજે પણ દેશમાં ૧ કરોડ ૭૦ લાખ જેટલા બાળમજૂરો છે અને આમાંથી લગભગ ૫૦ ટકા બાળકો યૌનહિંસાનો શિકાર બની ચૂક્યા છે.

યુનિસેફની મદદથી ભારતમાં બાળ તસ્કરી માનવ તસ્કરી અટકાવવાનું અભિયાન છેડનારી બચપન બચાવો આંદોલનથોડાં વર્ષો પહેલાં બાળકોને શોધવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને તત્કાલીન કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ગુમ થયેલાં બાળકો વિશે કેમ કોઈને કોઈ ચિંતા નથી ? સુપ્રીમ કોર્ટ એ વખતે અનેક રાજ્યોના મુખ્ય સચિવોને પણ બરોબર ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, કોર્ટને મૂર્ખ ન બનાવો. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બધા જ રાજ્યોની સરકાર બાળતસ્કરી અટકાવવામાં નિષ્ફળ ગઈ છે. પોલીસ પણ આ સંવેદનશીલ મુદ્દે સાવ મોળું વલણ દાખવે છે. ગુમ થયેલા બાળકોને શોધવા કોઈ જ ગંભીર નથી.

બચપન બચાવો આંદોલનના મતે આપણા દેશમાં વર્ષે ૬૦,૦૦૦ બાળકો ગુમ થાય છે તેવું નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો કહે છે, પરંતુ હકીકતમાં આ આંકડો ૯૦,૦૦૦ કરતાં પણ વધારે હોય છે જેની કોઈ જ નોંધ પોલીસ સ્ટેશનોમાં લેવાતી નથી. બાળકો સૌથી વધુ પશ્ર્ચિમ બંગાળમાંથી ગુમ થાય છે. આ ઉપરાંત ઝારખંડ, છત્તીસગઢ, દિલ્હી, રાજસ્થાન, બિહારમાંથી બાળકો ગુમ થાય છે અને ગુમ થયેલા બાળકોમાં ૬થી ૯ વર્ષના બાળકોની સંખ્યા અને એમાં પણ છોકરા કરતાં છોકરીઓનું પ્રમાણ વધુ હોય છે.

કોણ છે દેશની બાળપેઢીના દુશ્મનો ?

દેશમાં કાર્યરત જુદી જુદી એનજીઓના રિપોર્ટ સર્વેનું તારણ કાઢીએ તો ખબર પડે છે કે, દેશના ૩૯૨ કરતાં વધારે જિલ્લાઓમાં બાળતસ્કરી, માનવતસ્કરી કરતા લોકોનું આખું નેટવર્ક ફેલાયેલું છે. માધ્યમોમાં પણ વારંવાર અહેવાલ આવ્યા છે કે, દેશમાં બાળતસ્કરી કરતી ૮૦૦ ગેંગના ૫૦૦૦ કરતાં પણ વધુ સભ્યો સક્રિય છે. સામાન્ય સ્થાનિક મહિલાઓથી માંડી રાષ્ટ્રીય સ્તરે શ્રીમંત લોકો પણ આ કાળા કારોબારમાં સામેલ હોય છે. ગ્લોબલ સિટિઝન્સ ટ્રસ્ટના રિપોર્ટનું માનીએ તો ભારતમાં બાળમાનવ તસ્કરીનો વર્ષે ૩૫૦૦ કરોડનો વેપાર છે.


 
 

આખરે આટલાં બધાં બાળકો ગુમ થઈ પહોંચે છે ક્યાં ?

ભારતમાં બાળકો, યુવતીઓ, બેસહારા મહિલાઓ માનવ તસ્કરી ગેંગનું આસાન રીતે નિશાન બને છે. માધ્યમોમાં સમયાંતરે અહેવાલો, સમાચારો આવતા રહે છે કે અમુક સ્થાને રેડ પાડી પોલીસ દ્વારા આટલાં બાળકોને બચાવાયા કે આટલી યુવતીઓને છોડાવાઈ... આ પ્રકારના સમાચારોની સંખ્યા હવે વધી રહી છે. તેથી સ્પષ્ટ છે કે દેશમાં એક મોટું નેટવર્ક સક્રિય છે, જે બાળકોની ઉઠાંતરી કરી તેમનો ઉપયોગ જુદી જુદી જગ્યાઓએ કરી રહ્યા છે.

ભિખારી ગેંગ પ્લેસમેન્ટ એજન્સી, બંધિયા મજદૂર, બાળમજૂરી, દેહવેપાર અને શરીરના અંગોના વેપાર માટે આ તસ્કરી કરવામાં આવે છે. બાળકોનું અપહરણ કરી. બીજા રાજ્યમાં ભીખ મંગાવવામાં આવે છે કે પછી બંધિયા મજૂરી કરાવવામાં આવે છે કે, પછી વિદેશમાં વેચી દેવામાં આવે છે. નાની છોકરી હોય તો તેને દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવે છે. મોટા ભાગના બાળકોને પ્લેસમેન્ટ એજન્સીઓ અને ફેક્ટરીઓમાંથી છોડાવવામાં આવે છે.

 

 

બાળતસ્કરીનું સૌથી મોટું કારણ માનવ અંગોનો કાળો કારોબાર

બાળકો અને કિશોરોના અપહરણનું સૌથી મોટું કારણ માનવ અંગોનો વેપાર માનવામાં આવે છે. એક અનુમાન મુજબ ભારતમાં જેટલાં બાળકો ગુમ થાય છે. તેમાંથી ૧/૪ બાળકોની આ ગેંગ દ્વારા હત્યા કરી તેમના અંગોને કાળા બજારમાં વેચી મારવામાં આવે છે. માધ્યમોમાં આવેલા અહેવાલો મુજબ એક બાળકનો ૧૦,૦૦૦ રૂપિયા અને જો બાળક છોકરી હોય તો તેને ૧૮ થી ૨૫ હજાર રૂપિયા મળે છે, આ કિંમત તે વ્યક્તિને મળે છે, જે બાળકોને ઉઠાવી જઈ બાળ તસ્કરી કરતી મુખ્ય ગેંગ સુધી પહોંચાડે છે ત્યાર બાદ આ ગેંગ બાળકની ઉપયોગિતાના હિસાબે તેની બોલી લગાવે છે.

માનવ અંગોના કાળા કારોબારમાં કિડનીના માંગ સૌથી વધુ હોય છે જે ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ ડૉલરમાં વેચાય છે. તો એક લીવર એકથી દોઢ લાખ ડૉલરમાં વેચાય છે અને આ અંગોના મોટાભાગના ખરીદદારો યુરોપ સહિતના અન્ય વિકસિત દેશોના હોય છે.

ગરીબ માતા-પિતા ઝડપથી ભોળવાઈ જાય છે

ગરીબ અને પછાત રાજ્યનાં માતા-પિતા આવા તસ્કરોની વાતોમાં ઝડપથી આવી જતાં હોય છે. પ્લેસમેન્ટ એજન્સીઓ ચલાવતા તસ્કરો દેશના પછાત વિસ્તારોમાં સ્થાનિકને સાધી બાળકીઓને શહેરમાં લઈ આવે છે અને પછી તેને વેચી મારે છે. આગળ જણાવ્યું તેમ ગુમ થતાં બાળકોમાં ૬થી ૯ વર્ષનાં બાળકો-બાળકોઓની સંખ્યા વધુ હોય છે. ગરીબ, ઝૂંપડપટ્ટી વિસ્તાર રેલવે સ્ટેશનો ભીડભાડવાળાં જાહેર સ્થળો, કુદરતી આપત્તિઓ, શાળા, સરકારી હોસ્પિટલ વગેરે તસ્કરોના નિશાને હોય છે. આવાં સ્થળોએ માતા-પિતાઓએ થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

 

 

લાપતા બાળકોને શોધવામાં મદદ કરે છે રિયુનાઈટએપ

બાળતસ્કરીને નાથવા માટે એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ગત વર્ષે બચપન બચાવો આંદોલનના સંસ્થાપક અને બાળ અધિકાર કાર્યકર્તા કૈલાસ સત્યાર્થી અને તત્કાલીન ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુ દ્વારા રિયુનાઈટ’ (reunite) નામની એક એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપનો ઉપયોગ ગુમ થયેલા બાળકના વાલી તેમજ રસ્તા પર કોઈ બાળકને શંકાજનક પરિસ્થિતિમાં જોનાર સામાન્ય નાગરિક બન્ને ઉપયોગ કરી શકે છે. બસ તેના માટે તેણે બાળક અંગે માહિતી અને તેની તસવીર આ એપ પર અપલોડ કરવાની છે. આ એપ સરકારી ચોપડે નોંધાયેલા ગુમ બાળકોના ડેટાબેસ સાથે સંકળાયેલી છે અને તે ચહેરા પરથી ઓળખી કાઢતી ટેક્નોલોજી મારફતે જે તે બાળકને ઓળખી કાઢે છે અને બચપન બચાવો આંદોલન અને કૈપ જેમિનીની આ એપ્સને ગુગલ પ્લેસ્ટોર અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

પોલીસની જવાબદારી

બાળકો ગુમ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આંકડાઓ તેની સાબિતી છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, દરેક પોલીસ સ્ટેશનમાં આ માટે એક સ્પેશિયલ ઓફિસર હોવો જોઈએ, પરંતુ મોટાભાગના કેસોમાં થાય છે શું ? માતા-પિતા પોતાનાં ખોવાયેલાં બાળકોની ફરિયાદ નોંધાવવા જાય એટલે પોલીસ પહેલાં તો માતા-પિતાને જ ખખડાવી નાખે છે, પછી માંડ-માંડ ફરિયાદ લખે. થોડા દિવસ તપાસ પણ ચાલે છે, પરંતુ જોઈએ એટલી સંવેદનશીલતા દાખવવામાં આવતી નથી, પરિણામે આખરે તપાસ બંધ થઈ જાય છે.

કાયદા ઘણા પણ અમલની જરૂર

સુપ્રીમ કોર્ટે બધા જ ગુમ થયેલાં બાળકો માટે અપહરણનો કેસ લગાવવાનો આદેશ આપ્યો છે. માનવ તસ્કરી બાળતસ્કરી રોકવા ભારતમાં કાયદા પણ ઘણા છે. પણ તેના ઢીલા અમલીકરણને કારણે તસ્કરોમાં આ કાયદાઓનો જાણે કે ડર નથી. ભારત સરકાર દ્વારા બાળકોના ગેરકાયદેસર વ્યાપાર માટે સાત વર્ષથી લઈ આજીવન કારાવાસની સજા નક્કી કરવામાં આવી છે. ભારતમાં બંધુ મજદૂર, ઉન્મૂલન અધિનિયમ, બાળશ્રમ અધિનિયમ આ ઉપરાંત અપહરણ અને દેહવ્યાપાર જેવા અપરાધ રોકવા માટે ઇન્ડિયન પીનલ કોર્ડમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે. આમ આટઆટલા નિયમો-કાયદાઓ હોવા છતાં ભારતમાં બાળતસ્કરી, માનવતસ્કરી, દેહવેપાર જેવા અપરાધો સતત વધતા રહ્યા છે, એ એક કડવી સચ્ચાઈ છે.

 

 

આપણા બાળકને ચાઇલ્ડ લાઇન ૧૦૯૮વિશે જરૂર જણાવીએ

બાળકને બાળ અપહરણ અને માનવ તસ્કરી અંગે જ‚રથી જણાવો, જો કે અહીં ઉદ્દેશ્ય બાળકને ડરાવવાનો નથી પણ દુનિયામાં જે કાંઈ બની રહ્યું છે. તે અંગે જાણકારી આપી બાળકને સાવધાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત બાળકને સંકટ દરમિયાન મદદગાર રાષ્ટ્રવ્યાપી આપાતકાલીન હેલ્પલાઈન (ચાઇલ્ડ લાઇન ૧૦૯૮) અંગે જરૂરથી જણાવો એવા અનેક કિસ્સાઓ છે. જેમાં બાળકો દ્વારા આ સેવાનો ઉપયોગ કરી ન માત્ર પોતાને પરંતુ તેમના જેવા અનેક બાળકોને મુસીબતમાંથી બચાવ્યા છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયનું માનીએ તો દેશમાંથી ગુમ થતા બાળકોને બચાવી તેમના પુન:વસનના ઉદ્દેશ્યથી શરૂ થયેલ આ ચાઇલ્ડ લાઈનમાં ૨૦૧૭-૧૮ ૪૦,૦૦૦ જેટલા બાળકોને આ હેલ્પલાઈન થકી મદદ પહોંચાડવામાં આવી હતી.

એક પાસવર્ડ આપણા બાળકને તસ્કરોથી બચાવી શકે છે

દેશમાં અનેક કાયદાઓ છતાં બાળ-ઉઠાંતરીના બનાવો અટકવાનું નામ લઈ રહ્યા નથી. ત્યારે આ મુદ્દાને માત્ર સરકાર પર જ છોડી દેવો યોગ્ય નથી. બાળ-અપહરણની પ્રત્યેક ઘટનાનો દોષ સરકાર અને પોલીસ તંત્રને દેવો પણ વ્યાજબી નથી. માતા-પિતાએ પણ બાળકનેએ રીતે તાલીમ આપવી પડશે કે બાળક ખુદ જ આ પ્રકારની ગેંગથી પોતાને બચાવી શકે. હમણાં હમણાં સમાજમાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે. બાળકોને પાસવર્ડ આપવાની ઘટના સાચી છે કે ખોટી એ ખબર નથી, પરંતુ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. અમદાવાદની એક શાળામાં એક ૮ વર્ષની બાળકીને કોઈ અજાણ્યા વ્યક્તિએ આવીને કહ્યું કે, ‘તારી મમ્મી મુસીબતમાં છે એટલે મને તને લેવા માટે મોકલ્યો છે. મારી સાથે ચાલને પેલી છોકરીએ ગભરાયા વગર કહ્યું સારું, અંકલ પહેલાં મને પાસવર્ડ કરો. પેલા ભાઈએ પાસવર્ડ ન આપી શકતાં તે છોકરી દોડીને શાળાની અંદર ચાલી ગઈ અને એક છોકરીનું અપહરણ થતા બચ્યું.આમ આ પ્રકારનો પાસવર્ડ આપવાનો ટ્રેન્ડ હાલ ચાલી રહ્યો છે ત્યારે અન્ય વાલીઓએ પણ પોતાના બાળકને કોઈ ને કોઈ પાસવર્ડ આપી રાખવો જોઈએ જેથી કરીને બાળક અજાણ્યા લોકોની ચુંગાલમાં આવતાં બચી શકે.

દિલ્હી ! તસ્કરીનો ભોગ બનેલી મહિલાની દર્દનાક દાસ્તાન

હું એ વખતે માંડ બાર વર્ષની હતી. માએ મને કંઈક ખરીદવા માટે જૂની દિલ્હીના અમારા ઘરની બાજુના બજારમાં મોકલી હતી. કોઈએ મને બળજબરીથી કંઈક સુંઘાડી દીધું અને હું બેભાન થઈ ગઈ. જ્યારે મારી આંખો ખૂલી ત્યારે હું સાક્ષાત્ નરકમાં આવી ગઈ હતી. તે નાનોઅમથો ‚મ નાની-મોટી છોકરીઓથી ખીચોખીચ ભરેલો હતો. કેટલાક છોકરીઓ તો બેસુધ થઈ જમીન પર પડેલી હતી. મને કહેવામાં આવ્યું કે તને વેચી મારવામાં આવી છે અને તું અંબાલામાં છું. હાલ મહિલા ૨૨ વર્ષની છે. તેના શરીર પર ઠેર-ઠેર કંઈક વાગ્યું હોવાના ઘા અને ઇંજેક્શનોનાં નિશાન છે. તે કહે છે કે આ દસ વર્ષોમાં મારી પર ભયાનક અત્યાચાર થયા છે. ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦માં અલગ અલગ લોકો સાથે મારા સોદા થતા રહ્યા. જ્યાં માર, ડ્રગ્સ અને હાર્મોન ઇન્જેક્શન રોજની વાત બની ગઈ હતી. તે કહે છે કે અપહરણ કર્યાના ત્રણ વર્ષ બાદ મને એક ૬૬ વર્ષના વૃદ્ધને વેચી દેવાઈ. તેણે ગુરુદ્વારામાં મારી સાથે લગ્ન કર્યાં અને હું ૧૫ વર્ષથી મોટી દેખાઉં તે માટે હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવ્યાં. એક વર્ષની અંદર મને એક બાળક થયું તે તે લોકોએ લઈ લીધું. ત્યાર બાદ બીજું બાળક પણ તે લોકોએ લઈ લીધું. તે બે વર્ષ બાદ તે વૃદ્ધનું મોત થયું. ત્યારે તેના ભાઈઓ અને ભત્રીજા મારી સાથે દરરોજ દુષ્કર્મ કરતા. આ વાતની જાણ જ્યારે તેઓના પરિજનોને થઈ તો તેઓએ મને બીજા કોઈ વ્યક્તિને વેચી મારી. તે મને ખેતરમાં મજૂરીએ અને બીજા લોકોના ઘરે કામ કરવા મોકલતા. પરંતુ હું વધુ બીમાર રહેવા લાગતા તેણે મને બીજા એક વ્યક્તિને વેચી મારી. કોઈ રીતે હું તેનાથી છૂટી અને એક બારડાન્સરની મદદથી દિલ્હી હું મારા પરિવાર સુધી પહોંચી, પરંતુ તે લોકો અપનાવવા તૈયાર નથી.

રડતી આંખે આ ૨૨ વર્ષની યુવતી કહે છે કે, મેં મારું બાળપણ ખોઈ નાખ્યું. મા અને બહેનોથી પણ વિખૂટી પડી ગઈ. બસ મને મારાં બાળકો પાછાં મળી જાય, કારણ કે હું નથી ઇચ્છતી કે મારાં બાળકો એ યાતના વેઠે જે હું વેઠી ચૂકી છું.

દિલ્હી પોલીસ મુજબ રાજધાનીમાં માનવતસ્કરી કરતી એક ડઝન જેટલી ગેંગ સક્રિય છે અને તેઓનું નેટવર્ક છે કે પંજાબ, ગુજરાત અને પશ્ર્ચિમ બંગાળ સુધી ફેલાયેલું છે. પોલીસ રેકોર્ડ પર નજર નાખીએ તો ખબર પડે છે કે રાજધાનીમાંથી દરરોજ ૨૨ બાળકો ગુમ થાય છે. આમાંથી અડધોઅડધ ૮થી ૧૫ વર્ષની છોકરીઓ હોય છે.