આયુર્વેદ પ્રમાણે બાળ-આહાર કેવો હોવો જોઇએ ? જાણો

    ૨૯-જુલાઇ-૨૦૧૯


એક વર્ષની વયે : આયુર્વેદ અને બાળ-આહાર

 
બાળક એક વર્ષનું થતાં જ તેના શારીરિક અને માનસિક વિકાસમાં ખાસ નોંધપાત્ર વધારો થાય છે. તે વધારાને લક્ષમાં રાખી બાળકના ખોરાકમાં પણ ફેરફાર કરવો જોઈએ. બાળકને ભોજન સમયે રોટલી, મધ, શાક, દાળ-ભાત કે લચકો દાળ એમાં થોડું ઘી નાખીને ખવડાવવું. અવાર-નવાર તેને શાકભાજીનો સૂપ દેવાય અને છેલ્લે થોડી મીઠાઈ આપવી હોય તો અપાય. તે ભારે હોઈ ખૂબ માપસર અને થોડી આપવી. બાળકને ઠંડો, વાસી કે વધુ પડતો ફ્રીજ. કોલ્ડ ખોરાક ખાસ ન આપવો. તેવી જ રીતે બરફ, બરફના ગોળા અને આઇસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુ કદીક-કદીક પ્રમાણસર જ દેવી. તે વસ્તુ વારંવાર વધુ દેવાથી તેને કાકડા અને દાંતની તકલીફ થાય છે.

મરચુ-મીઠુ નહી ધાણાજીરું-હળદર આપો 

નાના બાળકને અપાતા ખોરાકમાં મીઠું, ધાણાજીરું, હળદર, મરી, ગોળ જેવા સામાન્ય મસાલા થોડા પ્રમાણમાં નાખવા. તેના ભોજનમાં વધુ પ્રમાણમાં મરચું, મસાલા, ગરમ મસાલા ન નાખવા.
 

 

સુખડી ઉત્તમ છે... 

બાળકોને બજારું મીઠાઈ કરતાં ઘરે બનાવેલી સુખડી, મગજના લાડુ, ગાજર કે દૂધીનો હલવો આપવાં સારાં. બાળકને કેળું ખાવા દેવું હોય તો દિવસના દેવું, કેળું રાતે ન અપાય તો સારું.

ભોજન અને સમય પાલન 

બાળક એક વર્ષની વયનું થાય ત્યારે તેના બે ભોજન વચ્ચે છ કલાકનું અંતર રાખવું. ભોજન વખતે બાળક બરાબર ખોરાક ન લે તો એને ખુલ્લી હવામાં ફેરવવું અને ખોરાક ખાઈ ન શકે તો યોગ્ય દવા કરાવવી. તેને હુતુતુ, ખો, સાતતાળી જેવી દોડવાની રમતો રમાડવી.

મીઠાઈ આ રીતે ખવડાવવી 

કદાચ બાળક સમયસર બરાબર ન જમે, તો તેને બીજીવાર સાંજે જ જમવા દેવું. બાળકને મીઠાઈ ખાવા દેવી હોય તો તેને ચાલુ ખોરાક આપ્યા પછી થોડી મીઠાઈ દેવી. ભોજન પછી મીઠાઈ તે ઓછી ખાઈ શકશે. બાળકને રસોડામાં પાટલા પર, ડાઇનિંગ ટેબલ પર બેસાડીને જ જમાડવાની ટેવ પાડવી. તેને દીવાનખંડમાં, વરંડામાં કે હિંચકા પર બહાર બીજાની સામે બેસાડીને જમાડવાની ટેવ ન પાડવી.

તેની ભૂખ અને રુચિ મુજબ ખાવા દેવું

બાળક જાતે ખાતું હોય તો તેને ખાવા દેવું. પણ તેને એક સાથે કોઈ વસ્તુ વધુ પ્રમાણમાં પીરસી ન દેતાં. થોડી-થોડી તે ખાય તેમ દેવી. બાળક જમતું હોય ત્યારે તેને ઠપકાભર્યાં વચનો ન કહેવાં અને ભાવતી વસ્તુ વધુ ખવડાવવા આગ્રહ ન રાખવો. તેને તેની ભૂખ અને રુચિ મુજબ ખાવા દેવું. આમ છતાં તે કોઈ એક બે જ વસ્તુ માત્ર ન ખાતાં, બધુ જ ખાતાં શીખે તે માટે ખાસ સમજ આપવી.
 
- ડૉ. જહાનવી ભટ્ટ