કટ્ટર મુસ્લિમોને સાચા ઈસ્લામની સમજણ આપી રહ્યા છે આ મુસ્લિમ મહાનુભાવો

    ૨૯-જુલાઇ-૨૦૧૯


 

 

નૂસરત જહાંએ કટ્ટર મુસ્લિમોને કહી દીધું કે બીજા પંથોનું સન્માન કરવાથી તે મુસ્લિમ મટી નથી જતાં. તો પશ્ર્ચિમ બંગાળમાં કટ્ટર મુસ્લિમોના વિરોધ વચ્ચે હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠમાં ઈશરત જહાંએ ભાગ લીધો. સુબુહી ખાન ટીવી ચર્ચામાં કટ્ટર લોકોને સચોટ જવાબ આપી રહ્યાં છે. પ્રાધ્યાપક ઝીન્નત શૌકત અલી કહે છે કે બિનમુસ્લિમ યુવકો સાથે મુસ્લિમ યુવતી લગ્ન કરે તેમાં કંઈ ખોટું નથી.

મત બેન્કના રાજકારણે દેશના લોકોના ભૂંડા હાલ કર્યા છે. કટ્ટરવાદી મુસ્લિમ નેતાના ઈશારે વધુ મત મળી શકે તેમ હોવાથી કોંગ્રેસ સહિતના કથિત સેક્યુલર પક્ષોએ હંમેશાં કટ્ટરવાદી મુસ્લિમ નેતાઓના પગ જ પકડ્યા. ચાહે તે ઈમામ બુખારી હોય, આઝમ ખાન કે પછી કાશ્મીરના અલગાવવાદી નેતાઓ. આ કટ્ટરવાદી નેતાઓએ દેશનું તો ભલું કર્યું જ નહીં, સાથે પોતાના સમુદાયને પણ ગરીબી, નિરક્ષરતા અને અજ્ઞાનમાં ડૂબાડી રાખ્યો.

એ વ્યક્તિ એટલે આરીફ મોહમ્મદ ખાન !

વૃદ્ધા શાહબાનોએ પતિ પાસે છૂટાછેડાના કારણે માગેલા ભરણપોષણના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલય તરફથી હકારાત્મક ચુકાદો આવ્યો. સમગ્ર દેશના કટ્ટરવાદી મુસ્લિમોમાં ખળભળાટ મચી ગયો. તે વખતે એક મુસ્લિમ નેતાએ સંસદમાં આ ચુકાદાનો જબરદસ્ત બચાવ કર્યો. દુર્ભાગ્યથી, તે વર્ષ ચૂંટણીનું વર્ષ હતું અને ચૂંટણી જીતવા વડાપ્રધાન રાજીવ ગાંધીએ પીછેહટ કરી અને સર્વોચ્ચના ચુકાદાને ફેરવી તોળવા કાયદો બનાવ્યો. દેશમાં ગૃહ ખાતાના પ્રથમ મુસ્લિમ રાજ્ય પ્રધાન એ નેતાએ પોતાના મંત્રી પદને ફગાવી દીધું ! એ વ્યક્તિ એટલે આરીફ મોહમ્મદ ખાન !

તાજેતરમાં તેઓ ફરી ચર્ચામાં આવ્યા કારણકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટાંકીને સંસદમાં કહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમોને ગટરમાં રાખવા માગે છે. જી હા, જ્યારે આરીફ મોહમ્મદ ખાને ત્રિતલાકના કાયદાને ફેરવવાનો વિરોધ કર્યો ત્યારે કોંગ્રેસના એક નેતા પી. વી. નરસિંહરાવ જે પછી વડાપ્રધાન પણ બન્યા હતા, તેમણે તેમને કહેલું કે મુસ્લિમોને ગટરમાં રહેવું હોય તો તેમને રહેવા દો.

માત્ર રાજકીય પક્ષોએ જ નહીં, પરંતુ આ દેશના સેક્યુલર કહેવાતા મિડિયાએ પણ ભ્રમની સ્થિતિ ઊભી કરી છે કે તેમનો ઉદ્ધાર માત્ર કહેવાતા સેક્યુલર પક્ષો જ કરી શકશે. આથી જ્યારે ભાજપ સત્તામાં આવે છે ત્યારે આ મિડિયાનો વર્ગ મુસ્લિમો પર ખૂબ જ અત્યાચાર થાય તેવું ગાણું ગાવા લાગે છે અને તેમના ભાજપના નેતાઓ, વિપક્ષના નેતાઓ તથા મુસ્લિમ નેતાઓને જે સવાલ હોય છે તે ભાજપને કેન્દ્રમાં રાખીને જ હોય છે.

 

 ધ વાયર નામની વેબસાઈટનાં એવાં જ પત્રકાર આરફા ખાનુમ શેરવાની અને આરીફ મોહમ્મદ ખાન 

દેશપ્રેમની વાતથી ભડકતી (ઉરી : સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મના સંદર્ભમાં તેણે લખેલું - તમારી જાતને તૈયાર રાખો, વધુ ઝેરી - અતિ રાષ્ટ્રવાદ આવી રહ્યો છે) ધ વાયર નામની વેબસાઈટનાં એવાં જ પત્રકાર આરફા ખાનુમ શેરવાનીએ ઉપરોક્ત કારણોસર ચર્ચામાં આવેલા આરીફ મોહમ્મદ ખાનનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે આવા જ સવાલો પૂછેલા. એ ઇન્ટરવ્યૂ યૂટ્યૂબ પર જોઈ શકાય છે. તેથી તેની આખી વાત નથી કરવી પરંતુ આપણે વાત કરવી છે આરીફ મોહમ્મદ ખાનની. આરીફજીએ સ્પષ્ટ રીતે કહ્યું કે ૫૦ના દાયકામાં કેટલા લોકોની હત્યા થઈ હતી તે તમને ખબર છે ? લાખો લોકોની હત્યા થઈ હતી. યુપીએ સરકારે દસ વર્ષમાં કેમ ત્રિતલાકનો મુદ્દો ન ઉકેલ્યો તેવા આરીફજીના વળતા પ્રશ્ર્નના જવાબમાં પત્રકાર આરફા કોંગ્રેસનાં પ્રવક્તા હોય તેમ સ્પષ્ટ કહે છે કે ત્યારે બીજા મુદ્દાઓ હતા. સમિતિઓ રચાઈ હતી.

આરીફજી ઉત્તર પ્રદેશના બુલંદશહરના વતની છે. તેઓ દિલ્હીની જામિયા મિલિયા શાળા, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણ્યા છે. તેઓ માત્ર ૨૬ વર્ષની વયે જ ઉત્તર પ્રદેશના ધારાસભ્ય બની ગયા હતા. તેઓ ૧૯૮૦માં કાનપુર, ૧૯૮૪માં બહરૈચ અને ૧૯૮૯માં ફરીથી બહરૈચના સાંસદ તરીકે ચૂંટાયા. કોંગ્રેસથી નિરાશ આરીફ બહુજન સમાજ પક્ષ અને ભાજપમાં પણ જોડાયા. હવે તેઓ નિવૃત્ત રાજકારણી છે. તેમના વિચારોથી આ દેશને અગાઉ આશા જાગેલી કે કટ્ટર મુસ્લિમોને કહેનારા મુસ્લિમ અગ્રણીઓ પણ છે, પરંતુ રાજકીય પક્ષોએ અને મીડિયાએ આવા નેતાઓને ક્યારેય ઉત્તેજન આપ્યું નથી. ટીવી પર ટીઆરપી માટે ચર્ચામાં કટ્ટર મુસ્લિમોને જ બોલાવાય છે.

આવી જ આશા દેશભરમાં વર્તમાનમાં મુસ્લિમ મહિલાઓએ જગાડી છે. આવી એક-બે નહીં, પણ ચાર-ચાર મહિલાઓ છે. સૌ પહેલાં નૂસરત જહાંની વાત કરીએ. નૂસરત જહાં ‚હી બંગાળી અભિનેત્રી છે. તેમના વિશે આપણે નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર શીર્ષકવાળા લેખમાં (સાધના, દિ. ૬ જુલાઈ ૨૦૧૯) વાંચી ગયા છીએ કે તેમણે સંસદમાં શપથ લીધા અને વંદેમાતરમ્ કહ્યું તેથી કેટલો હોબાળો થયો હતો. તે પછી અષાઢી બીજ પર જગન્નાથજીની રથયાત્રા વખતે તેમણે મમતાજી સાથે ભગવાનનો રથ ખેંચ્યો. તે સમયે પણ તેઓ એ જ પરિવેશમાં હતાં જેવા સંસદમાં શપથ વખતે હતાં. તેમણે કહ્યું કે હું દરેક ધર્મનું સન્માન કરું છું નૂસરતે પોતાના લગ્નના સત્કાર સમારંભમાં પણ શાકાહારી ભોજનનું ધ્યાન પતિની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને રાખ્યું હતું.

અલબત્ત, નૂસરતની બસિરહાટ ખાતે ઉમેદવારી જાહેર થઈ ત્યારથી વિવાદ બહાર આવ્યો હતો કે કોલકાતાના પાર્ક સ્ટ્રીટ ગેંગ રેપનો મુખ્ય આરોપી કાદર ખાન તેનો બોયફ્રેન્ડ હતો. જોકે એ ભૂતકાળની સાથે વર્તમાન એ છે કે મમતા બેનર્જી પર મુસ્લિમોના તૃષ્ટિકરણના આક્ષેપ વચ્ચે તેમના જ પક્ષનાં સાંસદ નૂસરત જહાં, ભલે રાજકારણ માટે તો રાજકારણ માટે (એમ કહેવાય છે કે નૂસરત જહાંના આ વર્તન પાછળ રાજકીય સલાહકાર પ્રશાંત કિશોરનું ભેજું છે) સર્વ પંથ સમભાવ દર્શાવી રહ્યાં છે. નૂસરત જહાંની આ ચેષ્ટાઓથી કટ્ટર મુસ્લિમો જરૂર આઘાતમાં છે.


 

હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ અને ઈશરત જહાં હિજાબ પહેરીને ગયાં હતાં

પશ્ર્ચિમ બંગાળમાં બીજી એક જહાંએ પણ આ જ પ્રકારે કટ્ટર મુસ્લિમોને આઘાત લગાડી દીધો. આ યુવતીનું નામ ઈશરત જહાં છે. પશ્ર્ચિમ બંગાળમાં ભાજપે હાવડાના એ. સી. માર્કેટમાં સંકટ મોચન હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ રાખ્યો હતો ત્યારે તેમાં તેઓ હિજાબ પહેરીને ગયાં હતાં. આનાથી કટ્ટર મુસ્લિમો ભડકી ગયા. ઈશરતે પોલીસ ફરિયાદ કરી કે તેમને તેમના મકાનમાલિક મનાજીર હુસૈને ઘર ખાલી કરવા કહી દીધું! તેમના ઘરની બહાર લોકોએ ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા અને પૂછ્યું કે તેઓ (ઈશરત) હિજાબ પહેરીને હનુમાન ચાલીસાના પાઠમાં શા માટે ગયાં ? એક મુસ્લિમ મહિલા સામે કટ્ટર મુસ્લિમોનું ટોળું આ રીતે હિંસાની ધમકી આપે ત્યારે લિબરલો, સેક્યુલરો અને સેક્યુલર મીડિયા ચૂપ રહીને તમાશો જોઈ રહ્યાં છે.

આ એ જ ઈશરત જહાં છે જે પોતે ત્રિતલાકનાં પીડિતા છે અને સર્વોચ્ચમાં ત્રિતલાકના કાયદાને અસંવૈધાનિક જાહેર કરાવવામાં જેમની અગ્રણી ભૂમિકા છે.. મૂળ બિહારના ઈશરતનાં લગ્ન વર્ષ ૨૦૦૧માં મુર્તજા અન્સારી સાથે થયાં હતાં. લગ્નના કેટલાક દિવસો પછી તેઓ પશ્ર્ચિમ બંગાળના હાવડામાં રહેવા આવી ગયા. દરમિયાનમાં મુર્તજા દુબઈમાં નોકરી કરવા ગયા. લગ્ન પછી તેમને ત્રણ દીકરી થઈ પરંતુ પરિવારમાં દીકરાની ઇચ્છા હતી. આથી પરિવાર તેમને હેરાન કરવા લાગ્યો. અને એક દિવસ તેમના પતિએ તેમને ફોન પર જ ત્રણ વાર તલાક કહી દીધું ! ઈશરતની જિંદગી રોળાઈ ગઈ. વર્ષ ૨૦૧૫માં ઈશરતે સર્વોચ્ચમાં ત્રિતલાક સામે અરજી કરી. ઈશરત અને બીજા અરજદારોની મહેનત સફળ રહી અને સર્વોચ્ચે વર્ષ ૨૦૧૭માં આ કાયદાને ગેરબંધારણીય ઠરાવી દીધો.


 

તેમનું નામ સુબુહી ખાન છે

ઈશરતે હનુમાન ચાલીસાના પાઠમાં ભાગ લીધો તે સાંજે એક ટીવી ચેનલ પર ચર્ચામાં કટ્ટર મુસ્લિમોને જવાબ દેવામાં આક્રમક ભૂમિકા ભજવનાર પણ એક મુસ્લિમ મહિલા જ હતાં. તેમનું નામ સુબુહી ખાન છે. તેઓ વકીલ, સામાજિક કાર્યકર, લેખિકા અને વક્તા છે. તેમનાં ટ્વિટર પર તેમણે સંદેશ મૂક્યો છે કે અંતિમવાદ, અલગતાવાદ અને ત્રાસવાદ સામેની લડાઈમાં મારી સાથે જોડાવ. અમરનાથ યાત્રા પર ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ યાત્રા માટે રસ્તો બંધ રખાય છે, તેથી કાશ્મીરીઓને મુશ્કેલી પડે છે તેવી ફરિયાદ કરતા તે મુદ્દે ટીવી ચર્ચામાં સુબુહી ખાને કહ્યું કે આ લોકો બેવડું ધોરણ ધરાવે છે. ત્રાસવાદી બુરહાન વાનીની મૃત્યુ તિથિએ કાશ્મીર બંધ રહે છે તેની સામે વાંધો નથી, પરંતુ શૈવ સંપ્રદાય જેનાં મૂળ કાશ્મીરમાં છે, તેની અમરનાથ યાત્રા થાય તો તેમને વાંધો આવી જાય છે. ભારતને આપણે સંસ્કૃત, યોગ, વેદ, સંગીત વગેરેથી જાણીએ છીએ. આપણી સંસ્કૃતિ, સાહિત્ય વગેરનાં મૂળ કાશ્મીરમાં છે. પાંચમો વેદ નાટ્યશાસ્ત્ર કાશ્મીરમાં લખાયો છે. શાસ્ત્રીય સંગીતનાં મૂળ પણ કાશ્મીરમાં છે. દિલ્હીમાં મંદિરમાં તોડફોડ પર પણ તેમણે પોતાની તસવીર મૂકી હતી કે હું ભારતીય મુસ્લિમ છું. હું મંદિરમાં તોડફોડ સાંખી નહીં લઉં.


 

ઝીનત શૌકત અલીન

જ્યારે નૂસરત જહાં અને અભિનેત્રી ઝાયરા વસીમનો વિવાદ થયો ત્યારે એક વેબસાઇટ પર ઇસ્લામિક સ્ટડીઝનાં પ્રાધ્યાપક ઝીનત શૌકત અલીનો ઇન્ટરવ્યૂ છપાયો. આ ઇન્ટરવ્યૂમાં ઝીનતે જે કહ્યું તે આખો ઇન્ટરવ્યૂ વાંચો તો જ સમજાય. તેના કેટલાક અંશો આ પ્રમાણે છે : ૧. બિનમુસ્લિમ પુરુષ સાથે મુસ્લિમ સ્ત્રી લગ્ન કરે (નૂસરત જહાંના પ્રશ્ને) તો વાંધો ન હોવો જોઈએ. મુસ્લિમો કહે છે કે અહ્લ અલ કિતાબ (પીપલ ઑફ ધ બુક)ના લોકો એટલે ખ્રિસ્તી તથા યહૂદીઓ સાથે લગ્નની છૂટ છે પરંતુ કુર્આનમાં લખ્યું છે કે અલ્લાહે દરેક રાષ્ટ્રને એક પુસ્તક આપ્યું છે. વિશ્ર્વના દરેક ખૂણે એક ઈશ્ર્વરનો દૂત મોકલ્યો છે. તો પછી હિન્દુઓ પાસે પણ તેમના ધર્મગ્રંથ છે. તો તેમની સાથે કેમ લગ્ન ન કરી શકે ? ઝાયરા વસીમના ઈસ્લામના નામે અભિનય છોડવા અંગે તેઓ કહે છે કે મનોરંજન ગેરઇસ્લામિક નથી. જ્યારે મોહમ્મદ પયંગબરનો મદીનામાં સત્કાર થયો હતો ત્યારે નગરની સ્ત્રીઓએ ગીત ગાયું હતું અને લોકનૃત્ય કર્યું હતું.

આમ, ધીમેધીમે ભારતમાં સાચા મુસ્લિમો બહાર આવી રહ્યા છે અને કટ્ટર, મઝહબ પરસ્ત મુસ્લિમોને તર્કથી જવાબ દઈ રહ્યા છે. આ સારી નિશાની છે. આવા લોકો એકલા ન પડી જાય તેનું ધ્યાન મુસ્લિમ સમુદાયે તો રાખવાનું જ છે પરંતુ તે સાથે દેશના તે સિવાયના દરેક રાષ્ટ્રવાદીની પણ ફરજ છે.

- જયવંત પંડ્યા
( લેખક ગુજરાતના રાજકિય વિશ્લેષક, ચિંતક અને વરિષ્ઠ ગણમાન્ય પત્રકાર છે.)