એક બ્રાહ્મણ હતો. એને સંતાનમાં એકેય પુત્ર નહોતો. એણે શાસ્ત્રો ખૂબ વાંચેલાં. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘અપુત્રસ્ય ગતિર્નાસ્તિ એટલે કે પુત્ર રહિતની કોઈ ગતિ નથી હોતી. એટલે એનો જીવ કોચવાયા કરતો હતો. અનેક પ્રયત્નો છતાં પુત્રપ્રાપ્તિ ન થતાં આખરે એણે મેલી વિદ્યાનો આશરો લીધો. એક અઘોરી પાસેથી એક મલિન મંત્ર લઈને તેણે ભૈરવને પ્રસન્ન કર્યો અને પુત્રની માંગણી કરી. ભૈરવે કહ્યું, ‘તારા ભાગ્યમાં પુત્ર નથી. પણ તેં મને પ્રસન્ન કર્યો છે એટલે મારે તને પુત્ર આપવો પડશે. પણ એ માટે તારે મને ગાયની પાંચશેર માટી આપવી પડશે.’
ગરજવાનને અક્કલ ના હોય. બ્રાહ્મણે વગર વિચાર્યે હા પાડી દીધી. બીજા જ મહિને એની પત્નીને ગર્ભ રહૃાો અને નવ મહિને દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો. દીકરો થતાં જ કાળ ભૈરવ એની પાસે આવ્યો અને ગાયની માટી (માંસ) આપવાનું વચન યાદ અપાવ્યું.
બ્રાહ્મણને હવે ભાન થયુ કે એણે કેવું ભયાનક વચન આપી દીધું હતું. એણે કહ્યું દીકરો મોટો થાય ત્યારે આપીશ. દીકરો મોટો થયો. ભૈરવ ગાયની માટી માટે આંટા મારવા લાગ્યો. બ્રાહ્મણ આજકાલ કરી પાછું ઠેલી રહૃાો હતો. આખરે ભૈરવ ગુસ્સે ભરાયો અને એના પુત્રને મારી નાંખવાની વાત કરી ત્યારે બ્રાહ્મણ એના પગમાં પડી ગયો અને કહ્યું, ‘દેવ, હું ભૂલથી આપને વચન આપી બેઠો છું. હું રહૃાો બ્રાહ્મણ, મારાથી ગાયની હત્યા કેવી રીતે થાય? હું ગૌહત્યા નહીં કરી શકું દેવ ! આપને ગાયની માટી નહીં આપી શકું. મને માફ કરો.’
ભૈરવને બ્રાહ્મણની વાત સાચી લાગી. એણે કહ્યું, ‘એક રસ્તો છે, તારી પોળમાં પેલા વાણિયાને ત્યાં લગ્ન હતાં. એણે એની દીકરી વેચીને પૈસા લીધા છે. જે ઘર દીકરીના પૈસા લે છે એ ઘરનું અનાજ માટી બરાબર છે. તું ત્યાંથી અન્ન લઈ આવ, એટલે તારું વચન પૂરું થઈ જશે.’
બ્રાહ્મણ એ વાણિયાના ઘરેથી અન્ન લઈ આવ્યો. ભૈરવ પાસે આવીને થાળી ખોલી તો અંદર પૂરી અને શાકના બદલે માંસના લોચા પડ્યા હતા. ભૈરવે કહ્યું, ‘ભૂદેવ યાદ રાખજો, જે ઘર દીકરી વેચીને પૈસા આણે એના પૈસા ગાયની માટી બરાબર છે. કદી આવું ના કરતા.’ બ્રાહ્મણે બે હાથ જોડી વંદન કર્યાં અને શિખામણ ગાંઠે બાંધી ચાલતો થયો.