લોગોં કા કામ હૈ કહેના ઃ લોકો શું કહેશે? આવું વિચારતા હો તો આ પ્રસંગ તમારા માટે છે!

    ૩૧-જુલાઇ-૨૦૧૯

 
 
એક પિતા-પુત્ર પોતાના ઘોડા સાથે ક્યાંક જઈ રહ્યા હતા.
પુત્રે પિતાને કહ્યું, ‘તમે ઘોડા પર બેસો. હું તમારી સાથે સાથે ચાલીશ.’ પિતા ઘોડા પર બેસી ગયા. થોડુંક જ અંતર કપાયું ત્યાં માર્ગ પરથી પસાર થતા લોકો ગપ-સપ કરવા લાગ્યા. જુઓને, કેવો નિર્દય બાપ છે, પોતાના પુત્રને ધોમધખતા તાપમાં ચલાવે છે અને પોતે ઘોડા પર ચડી બેઠો છે. આ સાંભળી પિતા ઘોડા પરથી નીચે ઊતરી ગયા અને પુત્રને કહ્યું, એમ કર, તું ઘોડા પર બેસી જા. હું ચાલીશ.
 
હજુ માંડ થોડું અંતર કપાયું ત્યાં તો કેટલાક લોકો કહેતા સંભળાયા, ઘોર કલયુગ આવી ગયો છે ભાઈ, આ જવાનજોધ દીકરો ઘોડા પર ચડી બેઠો અને બાપને પગપાળા ચલાવે છે. આ સાંભળી પિતા-પુત્ર બન્ને ઘોડા પર બેસી ગયા. થોડું અંતર કાપ્યું અને વળી પાછો લોક-ગણગણાટ સંભળાયો. ‘અરેરે, કેવો નિર્દય લોકો છે, એક નાનાઅમથા ઘોડા પર બન્ને ચડી બેઠા છે.’ આ સાંભળી પિતા અને પુત્રે પગપાળા જ ચાલવાનું નક્કી કર્યુ.
 
થોડું અંતર કાપ્યું ન કાપ્યું ત્યાં જ વળી પાછો લોક-ગણગણાટ સંભળાયો. ગાંડાના ગામ ના હોય એ આને કહેવાય. જુઓને, જોડે ઘોડો છે છતાં બન્ને મૂરખાઓ પગપાળા ચાલે છે.
 
આ પ્રસંગનું પાથેય એટલે કે લોકો, દુનિયા તો ગમે તે કરશો તે બોલવાની જ, કારણ કે લોકોનું કામ જ બોલવાનું છે. માટે લોક-ટીકાઓ પર ઝાઝું ધ્યાન ન આપતાં આપણને ખુદને યોગ્ય લાગતું હોય તેવું જ આચરણ કરવું હિતકારી છે.