કેરળમાં એક એવું ગામ જ્યાં ડૉ. આંબેડકરજીનું બંધારણ નહીં પણ શરિયતના કાયદા ચાલે છે

    ૩૧-જુલાઇ-૨૦૧૯

 

કેરળમાં કટ્ટર મુસ્લિમોના આદર્શગામનો પ્રયોગ નિષ્ફળ ? ... કે આ તો માત્ર ટ્રેલર છે ?

 
કેરલમાં આજથી લગભગ બારેક વર્ષ અગાઉ એક જ પ્રકારની કટ્ટર ઇસ્લામિક વિચારધારાવાળા બે ડઝન જેટલા મુસ્લિમ પરિવારોએ કેરલની આબાદીથી દૂર જંગલો વચ્ચે એક ઇસ્લામિક નગર વસાવ્યું હતું. આ મુસ્લિમોને લાગતું હતું કે અન્ય સમાજ જેમાં તેમની વિચારધારામાં ન માનનારા અન્ય મુસ્લિમો પણ આવી જાય છે, તેમની વચ્ચે રહી તે આદર્શ ઇસ્લામિક જીવનપદ્ધતિથી જીવી શકશે નહીં માટે તેઓ એક એવું ગામ બનાવવા માંગતા હતા, જ્યાં એક મસ્જિદ હોય, મદ્રેસા હોય અને કટ્ટરતાપૂર્વક શરિયા આધારે જ જીવન જીવતો સમાજ હોય. આ લોકો કટ્ટરવાદી સુન્ની વિચારધારાવાળા સલાફી ઇસ્લામમાં માનનારા લોકો હતા.
 
આજે પણ આ ગામમાં માધ્યમોના પ્રવેશ પર અઘોષિત પ્રતિબંધ છે. કોઈપણ બહારનો વ્યક્તિ અહીં જાય તો તેને શંકાની નજરે જોવામાં આવે છે અને ગામના લોકો તેની સાથે વાત કરવાનું બને ત્યાં સુધી ટાળે છે. જો કે થોડાં વર્ષો પહેલાં બીબીસી ન્યૂઝની એક ટીમ આ ગામમાં ઘૂસવામાં સફળ રહી હતી. જ્યાં અહીંના સિવિલ એન્જિનિયર યાસિર અનામત નામનો એક વ્યક્તિ મહામુસીબતે બીબીસી સાથે વાત કરવા તૈયાર થયો હતો. ત્રણ બાળકોને પિતા યાસિર કહે છે કે, કેરલનો હાલનો મુસ્લિમ સમાજ ગેરઇસ્લામિક બની ગયો છે. અમે લોકોએ વિચાર્યું હતું કે, સાચા મુસ્લિમો થકી અમે એક આદર્શ ઇસ્લામિક ગામ ઊભું કરી શકીશું. અમે તમામે નક્કી કર્યું હતું કે, ગામમાંથી ગાડીમાં નીકળવાનું અને ગાડીમાં જ પરત ફરવાનું. રસ્તામાં કોઈની સાથે કોઈ જ પ્રકારનો સંપર્ક રાખવાનો નહીં. અમે અહીં મોહમ્મદના જમાનાના ઇસ્લામિક સમાજની સ્થાપના કરવા માંગતા હતા.
 
અમારા સ્વપ્નનું એ ગામ બન્યું પણ ખરું, ગામમાં એક મસ્જિદ બની, મદ્રેસા પણ બંધાઈ ગઈ અને બાદમાં આખા ગામને એક ઊંચી દીવાલથી કિલ્લાબંધ કરી દેવામાં આવ્યું. આજે પણ કાલીકટ શહેરથી લગભગ ૬૦ કિ.મી. દૂર એક સૂમસામ વિસ્તારમાં જંગલને અડીને અતિક્કડ નામનું આ ગામ હયાત છે.
 

 
  

આજે આ ગામની હાલત શું છે ?

 
પરંતુ જે કટ્ટર વિચારધારાએ અહીં ૨૫ જેટલા પરિવારોને જોડ્યા હતા, તે જ વિચારધારાએ તેઓની વચ્ચે ફૂટ પાડી છે. બન્યું એવું કે ગામમાં મદરેસાના મૌલવીએ એક નાના બાળકને પોતાના ખોળામાં બેસાડ્યો. વાતની જાણ જ્યારે ગામના સલાફીઓને થઈ ત્યારે તેઓએ આને ઇસ્લામની તૌહિન ગણાવી મૌલવીને ઇસ્લામ મુજબ સજા આપવાની માંગ કરી, પરંતુ મૌલવીને કેટલી સજા આપવી તેમાં ગામમાં જ બે ભાગ પડી ગયા. એક પક્ષનું કહેવું હતું કે મૌલવીને એક વર્ષ સુધી તેના પદ પરથી હટાવી દેવામાં આવે. જ્યારે બીજો પક્ષ મૌલવીને હંમેશા માટે ગામમાંથી બહાર હાંકી કાઢવાના પક્ષે હતો. આ વાત પર વિવાદ એટલો વધી ગયો કે, મૌલવીને બહાર હાંકી કાઢવાની માંગ કરતા પક્ષે અરબ દેશ યમનના સલાફી મુસ્લિમોનો સંપર્ક કર્યો. ઉલ્લેખનીય છે કે યમનમાં પણ આવું જ એક સલાફી ઇસ્લામિક ગામ છે. જ્યાં કેરલના કેટલાક મુસ્લિમો રહે છે અને તેઓ મુજબ ઇસ્લામની સ્થાપના માટે જેહાદ જરૂરી છે. છતાં પણ કેરલના એ ગામમાં મૌલવીને એક વર્ષમાંથી પદ પરથી હટાવી દેવામાં આવ્યો, જેનું પરિણામ એ આવ્યું કે, અહીંના વધુ કટ્ટરવાદી મુસ્લિમોએ ગામ છોડી દીધું.
આજે આ ગામમાં માત્ર ૧૦ મુસ્લિમ પરિવારો જ બચ્યા છે. યાસિર અમાનત સલીમનો પરિવાર આમાંનો એક છે. યાસિર કહે છે અફસોસ છે કે એક આદર્શ મુસ્લિમ ગામ બનાવવાનો અમારો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. અમારે અલગ સમાજ બનવાની જરૂર જ નહોતી. એ અમારી મોટી ભૂલ હતી. મુસ્લિમ સમાજમાં અંદર અંદરના ઝગડા અને ગેર ઇસ્લામિક જીવનશૈલીથી છુટકારો મેળવવા અમે અમારો એક અલગ સમાજ બનાવ્યો હતો, પરંતુ ખુદને બહારની દુનિયાથી કાપી નાખવા એ અમારી સૌથી મોટી ભૂલ હતી.
 

ગામને લોકો પાકિસ્તાન કોલોની તરીકે ઓળખે છે

 
સલીમ કહે છે હાલ હું અહીં માત્ર મારાં બાળકો ખાતર જ રહું છું. અમે શેષ સમાજથી ખુદને અલગ થલગ કરી નાખ્યા, પરિણામે અમારા લોકો જ અમને શંકાની નજરે જોવા લાગ્યા છે. આજે અમારા ગામને પાકિસ્તાન કોલોની કહી સંબોધવામાં આવી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે એ ગામમાં તો આતંકવાદીઓ રહે છે.
 
અમારી કટ્ટર ઇસ્લામિક વિચારધારાને કારણે આજે પણ અમને આતંકવાદી જ સમજવામાં આવે છે. માધ્યમોમાં સલફી ગામ નામે ઓળખાતું આ ગામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે અહીંથી ૨૦ જેટલા મુસ્લિમ યુવાનો અચાનક જ ગાયબ થઈ ગયા હતા. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે તમામ સિરિયામાં આઈએસમાં જોડાઈ ગયા છે. ત્યાર બાદ પોલીસે ગ્રામીણોની ઊંડી તપાસ કરી હતી. આ તપાસકર્તાઓની ટીમના એક પોલીસ પોતાનું નામ ન જણાવવાની શરતે કહે છે કે, સલાફી વિચારધારાના ત્રણ ચરણો હોય છે. પ્રથમ ચરણમાં ચુસ્ત ઇસ્લામમાં માનનારા હોય છે. બીજા ચરણમાં તેમનામાં કટ્ટરતા વધે છે અને ત્રીજા ચરણમાં સલાફીઓ ઇસ્લામ માટે કંઈ પણ કરી ગુજરવા તૈયાર થઈ જાય છે અને આ ગામના લોકો હજી પ્રથમ ચરણમાં છે. અમારી નજર તેમના પર છે જ.
 
જો કે ગ્રામીણો મુજબ ગાયબ થયેલા યુવાઓ સાથે અમારો કોઈ જ સંબંધ નથી. થોડા સમય પહેલાં ગામમાં બહારથી કેટલાક પરિવાર અહીં ભાડે રહેવા આવ્યા હતા. જેઓ લોકોને ઇસ્લામના નામે ભડકાવી રહ્યા હતા. જે બાદમાં અચાનક ગાયબ થઈ ગયા હતા. બની શકે કે પોલીસ જેઓ પર આઈએસમાં સામેલ થઈ જવાનો આરોપ લગાવી રહી છે તે આમાંના જ કોઈક હોય.
 
યાસિર હવે અલગ ઇસ્લામિક ગામથી કંટાળી ગયો છે. તે ઇચ્છે છે કે આ ગામમાં હવે હિન્દુઓ સાથે ઈસાઈઓ અને નાસ્તિકો પણ આવી રહે. કારણ કે ભારતીય સમાજમાં જ ધાર્મિક આઝાદી છે. અન્ય પરંપરાઓમાં નથી તે તેને સમજાઈ ગયું છે. જો કે, હજી પણ આ ગામનાં કેટલાક લોકો પોતાની કટ્ટર સલાફી વિચારધારા છોડવા તૈયાર નથી. હવે તે લોકો કેરલમાં યમની વિચારધારાવાળા લોકોનો સંપર્ક કરી રહ્યા છે અને અહીં વસાવવા સમજાવી રહ્યા છે. આમ ભલે હાલ સલાફી વિચાર મુજબના કટ્ટર ઇસ્લામિક ગામનો પ્રોજેક્ટ નિષ્ફળ નીવડ્યો હોય, પરંતુ અહીંના કટ્ટરવાદીઓ જો રાજ્યભરનાં યમની વિચારધારાવાળા કટ્ટર મુસ્લિમોને સંગઠિત કરવામાં સફળ રહ્યા તો આજે વિરાન લાગતું આ ગામ ફરી એક વખત કટ્ટર મુસ્લિમોથી આબાદ બનતાં વાર નહીં લાગે. રખેને આ કટ્ટરવાદનો વાયરસ દેશનાં બીજા રાજ્યોમાં પણ ફેલાયો હોય ! દેશના રાજ્યે-રાજ્યે અનેક પાકિસ્તાનો ઊભાં થઈ જશે અને ત્યારે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો પડકાર ઊભો થશે એ કહેવાની જરૂર નથી.