અમેરિકા-ઈરાન સંઘર્ષ માટે સુન્ની રાષ્ટ્રો જવાબદાર !

    ૦૪-જુલાઇ-૨૦૧૯

 
 
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી જ રહ્યો છે પણ છેલ્લા કેટલાક મહિનાથી આ સંઘર્ષ તીવ્ર બન્યો છે. જો કે અત્યાર લગી આ સંઘર્ષ નિવેદનબાજી પૂરતો અને રાજદ્વારી પગલાં લેવા પૂરતો મર્યાદિત હતો પણ તાજેતરમાં ઈરાને અમેરિકાનું માનવરહિત ડ્રોન તોડી પાડ્યું પછી બંને દેશ સામસામે આવી ગયા છે. ઈરાનના હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર સાઇબર એટેક શ‚ કરી દીધા.
 

તો વિશ્ર્વ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાત

 
અમેરિકાના મીડિયામાં છપાયેલા અહેવાલો અનુસાર, અમેરિકાએ ઈરાનની મિસાઇલ નિયંત્રણ સિસ્ટમ અને જાસૂસી નેટવર્ક પર સાઇબર હુમલા કરીને ઈરાનના રોકેટ અને મિસાઇલ લોન્ચિંગમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટરોને તહસનહસ કરી નાંખ્યાં. તેના કારણે ઈરાન અત્યારે તેનાં મોટા ભાગનાં રોકેટ કે મિસાઇલ લોંચ કરી શકે તેમ નથી. અમેરિકા આટલેથી ના અટક્યું ને ઈરાનનાં ત્રણ ઠેકાણાં પર હવાઈ હુમલા કરવાની તૈયારી પણ કરી લીધી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હલ્લાબોલ કરી દેવા ફરમાન કરી દીધેલું. ટ્રમ્પને સદ્બુદ્ધિ સૂઝી એટલે હુમલાની દસ મિનિટ પહેલાં જ તેમણે હુમલો કરવાની ના પાડી દીધી હતી.
 
ટ્રમ્પના મીડિયા પ્રવક્તાએ એવી માહિતી આપી કે, ટ્રમ્પને જ્યારે ખબર પડી કે આ હુમલામાં દોઢસો જેટલા ઈરાનીઓનાં મૃત્યુ નીપજી શકે છે ત્યારે તેમણે આ હુમલો અટકાવવાનો નિર્ણય લીધો હતો. બાકી ઈરાને જે દુસ્સાહસ કર્યું હતું તેનો જડબાતોડ જવાબ આપવાની બધી તૈયારી અમેરિકાએ કરી લીધી હતી. ટ્રમ્પના આ નિર્ણયની આખી દુનિયા પ્રશંસા કરી રહ્યું છે. ઈરાને કરેલી ગુસ્તાખીનો જવાબ અમેરિકાએ તેની અત્યાર લગીની આદત પ્રમાણે આક્રમણ કરીને આપ્યો હોત તો દુનિયા બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોત પણ છેલ્લી ઘડીએ ટ્રમ્પે શાણપણ વાપરીને હુમલો બંધ કરાવી દીધો. ટ્રમ્પે હાલ તો દુનિયાને વધુ એક જંગથી બચાવી લીધી છે તેની પ્રશંસા થઈ રહી છે.
 

 
 
જો કે ટ્રમ્પના નિર્ણયના કારણે હાલ પૂરતો ભલે ખતરો ટળ્યો હોય પણ અમેરિકા અને ઈરાનના કડવાશભર્યા સંબંધો જોતાં આ ખતરો કાયમ માટે ટળી ગયો છે એવા ભ્રમમાં રહેવાની જ‚ર નથી. અમેરિકા અને ઈરાન વચ્ચેના હાલના વિવાદના મૂળમાં ઓબામાના શાસનકાળ દરમિયાન થયેલા પરમાણુ કરાર છે. બંને દેશો વચ્ચે સંઘર્ષ અને વર્ષો સુધી ચાલેલી મંત્રણા બાદ ૨૦૧૫માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ઈરાન સાથે જોઇન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન નામે પરમાણુ કરાર કર્યા હતા. આ કરારનો ઉદ્દેશ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવાનો હતો. આ કરારમાં જર્મની અને યુરોપિયન યુનિયન પણ સામેલ હતાં.
 
આ કરાર અંતર્ગત ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવાનો હતો અને બદલામાં તેના ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા હતા. કરારની શરતોનું પાલન કરીને ઈરાને પરમાણુ અને મિસાઇલ પરીક્ષણો બંધ કર્યાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈએ ભડકાવ્યા કે, ઈરાન દુનિયાને મૂરખ બનાવે છે તેથી ગયા વર્ષે અમેરિકાએ પરમાણુ કરાર તોડવાની જાહેરાત કરી નાંખી. અમેરિકા ભલે ખસી ગયું પણ અન્ય દેશો ઈરાનના સમર્થનમાં ઊભા રહ્યા. જો કે અમેરિકાએ તેમને ગણકાર્યા વિના ઈરાનનું નાક દબાવવા ક્રૂડ ઓઈલની નિકાસ સંપૂર્ણપણે બંધ કરાવવાની જાહેરાત કરી નાંખી. સામે ઈરાને પણ અમેરિકાને નહીં ગાંઠવાનું વલણ અપનાવ્યું તેના કારણે ભડકો થઈ ગયો.
 

 
 

મૂળ કારણ અમેરિકાનાં હિતો છે

 
આ ભડકામાં પરમાણુ કરાર ભલે નિમિત્ત બન્યો હોય પણ મૂળ કારણ બંને દેશો વચ્ચે પરસ્પર અવિશ્ર્વાસ અને અમેરિકાનાં હિતો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેક ૧૯૭૦ના દાયકાથી સંઘર્ષ ચાલે છે. આ સંઘર્ષના મૂળમાં શિયા અને સુન્નીઓનો સંઘર્ષ છે. અમેરિકાનાં હિતો સુન્ની દેશો સાથે સંકળાયેલાં છે તેથી તેમને રાજી રાખવા પણ અમેરિકા ઈરાનની સામે શિંગડાં ભરાવે છે. વિશ્ર્વમાં મુસ્લિમોની કુલ વસતીમાં ૮૫ ટકા સુન્ની છે, જ્યારે ૧૪ ટકા શિયા છે. અન્ય મુસ્લિમ એક ટકાની આસપાસ છે. વિશ્ર્વમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા દેશોમાં ઈરાન અને ઇરાક એ બે દેશો જ એવા છે કે જ્યાં શિયાઓની બહુમતી છે. બાકીના બધા દેશોમાં સુન્નીઓની બહુમતી છે. સાઉદી અરેબિયા આ દેશોનું આગેવાન છે. મુસ્લિમોમાં શિયા અને સુન્ની વચ્ચેનો સંઘર્ષ જાણીતો છે. સુન્નીઓ વધારે કટ્ટરવાદી છે અને દુનિયાભરમાં માત્ર સુન્નીઓનું શાસન સ્થપાય તે માટે જિહાદના નામે ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓને પણ આ દેશો પોષે છે. જો કે ઈરાન તેમને ગણકારતું નથી. સાઉદી સહિતના દેશો ઈરાનને સીધા પહોંચી વળતા નથી તેથી અમેરિકાને ચાવી મારીને ઈરાનને પાંસરું કરવા ઉધામા કરે છે. તેના બદલામાં આ દેશો અમેરિકાને પોતાના દેશોમાં બિઝનેસ કરવા દે છે ને સુરક્ષાની જવાબદારી પણ તેને માથે નાંખીને અમેરિકાને અબજો ડોલર આપ્યા કરે છે.
 

 
 
અમેરિકાએ પોતાનાં હિતો સાચવવા માટે પહેલાં ઈરાનના શાહને સાધેલા. શાહને અમેરિકા મદદ કરતું એટલે તે અમેરિકાના પીઠ્ઠુ તરીકે વર્ત્યા કરતા હતા. શિયા ધર્મગુ‚ આયાતોલ્લાહ ખોમૈનીએ ૧૯૭૭માં બળવો કરાવીને શાહને ભગાડ્યા હતા. ખોમૈનીએ ઈરાનમાં ઇસ્લામનું શાસન સ્થાપ્યું. અમેરિકા એ વખતે જ છંછેડાયું હતું. અમેરિકાએ શિયાઓની બહુમતી ધરાવતા બીજા દેશ ઇરાકમાં સુન્ની સદ્દામ હુસૈનને ગાદી પર બેસાડીને ઈરાનની સામે તેમને ભિડાવી દીધા હતા. વરસો લગી ચાલેલા આ યુદ્ધમાં બંને દેશ ખુવાર થયા પણ ઈરાને મચક ના આપી. બીજી તરફ અમેરિકાના જોરે તાકતવર બનેલા સદ્દામે અમેરિકા સામે જ શિંગડાં ભેરવ્યાં એટલે છેવટે અમેરિકાએ તેમને ખતમ કરવા પડ્યા. જો કે ઈરાન ખતમ ના થયું ને ધીરે ધીરે તાકતવર બનતું ગયું કેમ કે તેની પાસે ભરપૂર ક્રૂડ ઓઈલ છે.
 
અમેરિકા પોતાની લશ્કરી તાકાતથી ઈરાનનું નાક દબાવવા મથે છે પણ ઈરાન તેને ગાંઠતું નથી તેનું કારણ ઈરાનનું લશ્કર અને અર્થતંત્ર છે. ઈરાન પાસે પરમાણુ તાકાત છે અને જંગી લશ્કર છે. ઈરાન પોતાની જ‚રિયાતો પોતે સંતોષી શકે તેટલા પ્રમાણમાં અનાજનું ઉત્પાદન પણ કરે છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ઉત્પાદક હોવાથી આર્થિક રીતે તંગી પણ નથી. અમેરિકાના પ્રતિબંધોના કારણે તે ક્રૂડ ના વેચી શકે તેથી તેને આર્થિક તંગી નડી શકે પણ એ પ્રકારની સ્થિતિનો સામનો ઈરાન પહેલાં પણ કરી ચૂક્યું છે એ જોતાં તેને વાંધો ના આવે.
 
આ સંજોગોમાં અમેરિકાએ ઈરાન સાથે સંઘર્ષના બદલે સમાધાનનો માર્ગ અપનાવવાની જ‚ર છે. ઈરાને કશું ખોટું કર્યું નથી અને પરમાણુ કરારનું પાલન કર્યું છે. આખી દુનિયાના સુન્ની દેશો તેને મસળી નાંખવા માગતા હોય ત્યારે તેને પોતાની રક્ષા માટે પરમાણુ શસ્ત્રો રાખવાનો પણ હક છે જ. ઈરાને અત્યાર લગી તેનો દુરુપયોગ નથી કર્યો એ જોતાં અમેરિકાએ ઈરાન સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. માત્ર પોતાના સાથીઓને રાજી રાખવા દુનિયા પર યુદ્ધ ના લાદવું જોઈએ.
 
- જય પંડિત