ટીએમસી હવે બંગાળ ખોવાની તૈયારીમાં ! પણ ભાજપનું કદ વધી રહ્યું છે...

    ૦૪-જુલાઇ-૨૦૧૯   

 
લોકસભાની ચૂંટણીમાં પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના ધુંવાધાર દેખાવમાં ૪૨ બેઠકોમાંથી માત્ર ૧૮ પર જ વિજય પ્રાપ્ત થતાં તૃણમૂલ કોંગ્રેસ ભારે ભીડમાં આવી ગઈ અને મમતા બેનર્જી ચારે તરફથી ઘેરાઈ ગયેલાં નજરે પડે છે. જય શ્રીરામના નારા હોય, ચૂંટણી પછી તરત જ પાર્ટી બદલી ટીએમસીના કાર્યકર્તાઓની ભાજપ સાથે ભળી જવાની ઘટના હોય કે મમતાની સામે ચાલીને કોંગ્રેસીઓ અને લેફ્ટીસ્ટો સાથે હાથ મિલાવવાની વાત હોય, બધી બાબતોમાં ટીએમસીનાં વળતાં પાણી દેખાય છે.
 
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો અને પાર્ટીના કાર્યકરો અણીના સમયે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા, હજુ જોડાઈ રહ્યા છે. ટીએમસીના ધારાસભ્ય વિપ્લવ મિશ્રા સહિત જિલ્લા પંચાયતના ૧૮માંથી ૧૦ સભ્યો ગત અઠવાડિયે ભાજપના રંગે રંગાતાં દિનાજપુર જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ભાજપનું કમળ પહેલીવાર ખીલ્યું. એ જ સમયમાં ટીએમસીના અન્ય ધારાસભ્ય વિલ્સન ચાપરામેરી ય પાર્ટીને છોડી ભાજપમાં ભળનારા પાંચમા ધારાસભ્ય બન્યા. ઉપરાંત સીપીએમ અને કોંગ્રેસના ય એક એક ધારાસભ્યોએ ભાજપને અપનાવ્યો.

 ભાજપનું કદ વધી રહ્યું છે...

ભાજપ જે રીતે પ. બંગાળમાં પોતાનું કદ વધારી રહ્યો છે એનાથી ટીએમસી ભૂંસાઈ રહ્યું છે, મમતા ફફડી રહ્યાં છે. મજબૂરીવશ તે હવે પોતાનો કડક સ્વભાવ છોડી નરમ વલણ અપનાવી રહ્યાં છે. તાજેતરમાં જ વિધાનસભામાં રાજ્યપાલના વક્તવ્ય પર ચર્ચા કરતાં તેમણે કહ્યું કે, ‘રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ છે તે જોતાં કોંગ્રેસ, સીપીએમ જેવી પાર્ટીઓએ ટીએમસીની સાથે રહેવું જોઈએ. ટીએમસી, કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ હાથ મિલાવવો જોઈએ.’ મમતાએ અગાઉ કેટલીયે વખત રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસ અને લેફ્ટના ગઠબંધનની વાતો કરી હતી, પરંતુ પહેલીવાર રાજ્યમાં અને તે પણ વિધાનસભાના ખુલ્લા મંચ પરથી તેઓએ પોતાના પ્રતિસ્પર્ધીઓ સાથે ઘરમાં જ હાથ મિલાવવાની વાત કરી છે. આ વાત જ તેમના નરમ વલણ અને હારનો પરચો છે. મમતા સ્વાર્થ ખાતર આ નવા ગઠબંધનનાં સપનાં જુએ છે, પણ કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓનો અસ્વીકાર સ્પષ્ટ છે, જે મમતાની ખોટી નીતિઓ અને ભૂલો પ્રત્યે ધ્યાન દોરે છે. આ ભૂલો જ કદાચ પ. બંગાળને ટીએમસી મુક્ત બનાવવા તરફનું પહેલું પગલું બની રહેશે.

સૌ ટીએમસીથી દૂર ભાગી રહ્યાં છે... 

લોકસભાની ચૂંટણી વખતે વિપક્ષી એકતાની સુફિયાણી વાતો કરનાર મમતા રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ અને લેફ્ટી સાથે જોડાણ કરવા માંગતાં હતાં પણ રાજ્યમાં સત્તાની વહેંચણી ના કરવી પડે એટલે ત્યાં પાછી પાની કરતાં, એ સ્વાર્થી મનોવૃત્તિ હવે સૌને સમજાય છે અને રાજ્ય અને રાષ્ટ્રસ્તરે સૌ ટીએમસીથી દૂર ભાગી રહ્યાં છે. ટીએમસી સુપ્રીમોની આ બેવડી નીતિ કે જેમાં મારું મારું આગવું અને તારું મારું સહિયારુંથી હવે કોઈ પાર્ટી ભરમાય તેમ નથી.

પ્રજાએ આખી ટુકડીને દેશભરમાંથી જાકારો આપ્યો

લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા પછી તરત જ આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી, તેલુગુ દેશમ્ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ ‘ચૂંટણી પછીનું ગઠબંધન’ના મિશન અંતર્ગત માયા-મમતા, કેજરીવાલથી કોંગ્રેસ સુધી બધાંને ભેગાં કરી મહાગઠબંધનની સરકારના સપનામાં રાચતા હતા, એમાં ટીએમસીનો ય ભારે સાથ, પરંતુ પ્રજાએ આખી ટુકડીને દેશભરમાંથી જાકારો આપ્યો, આંધ્રપ્રદેશમાંથી ય ચંદ્રાબાબુ નાયડુનું સીએમ પદ અને મમતાના અભરખા છિનવાયા.
ટીએમસીના કાર્યકર્તાઓની સરકારી કામોમાં કમિશનખોરી ય મોટો મુદ્દો બની છે અને ભાજપે તેના વિરુદ્ધ આંદોલન છેડ્યું છે. મમતાએ પણ આડકતરી રીતે આ વાત સ્વીકારી છે કે તેમના કાર્યકરો કમિશન ખાય છે અને તેથી તે તેમને પાર્ટીમાં રાખવા માંગતાં નથી.

મુસ્લિમ તુષ્ટીકરણનું વધુ એક પગલું

હમણાં જ કોલકાતાના મુસ્લિમોના એક સમૂહે મમતાને પત્ર લખી કોલકાતામાં ડૉક્ટરો પર થયેલા હુમલા અને મિસ ઇન્ડિયા ઉશોષી સેનગુપ્તા સાથે છેડખાની કરનારા મુસ્લિમો પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. પત્રમાં લખ્યું કે, જેટલા હુમલામાં મુસ્લિમો હોય છે તેમના પ્રત્યે નરમ વલણ અપનાવાય તે યોગ્ય નથી. તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, એટલા માટે જ તેમને છોડી દેવામાં ના આવે કે તેઓ મુસ્લિમ છે. તેમ છતાં ટીએમસી દ્વારા મુસ્લિમ બાળકો જે શાળામાં હોય તેમાં અલગ ભોજનખંડ બનાવવા માટે પરિપત્ર બહાર પાડી મુસ્લિમ તુષ્ટીકરણનું વધુ એક પગલું ભરવામાં આવ્યું.
મુસ્લિમ હુમલાખોરો, છેડતીબાજો વિરુદ્ધ ટીએમસીનું ઢીલું વલણ, ભાજપના નિર્દોષ કાર્યકર્તાઓ પર હુમલા, હત્યાઓ, ઘૂસણખોરીને ખુલ્લેઆમ પ્રોત્સાહન, ભગવાન શ્રીરામ અને વંદેમાતરમ્નો વિરોધ જેવાં કાર્યો ટીએમસીની વિશ્ર્વસનીયતા, નિષ્ઠા, દેશભક્તિ, રાજ્યભક્તિ પર શંકા ઉપજાવે છે અને માત્ર સ્વાર્થી સત્તાલોલુપતા તરફ આંગળી ચીંધે છે.

ટીએમસી હવે બંગાળ ખોવાની તૈયારીમાં છે...!

સીપીએમના ત્રાસદાયક, દેશ-વિરોધી, વિકાસ વિહીન ત્રણ દાયકાના શાસન પછી ટીએમસી ભારે સંઘર્ષ કરીને પ.બંગાળમાં સત્તાસ્થાને પહોંચ્યું હતું, પરંતુ એ પોતે હવે એ જ માર્ગે આગળ વધી રહ્યું છે, તેથી તેના હાલહવાલ સીપીએમ કરતાંય બૂરા થવાનો પૂર્ણ સંભવ છે. લોકસભાની ચૂંટણીનાં પરિણામોથી એનાં વળતાં પાણીનો પ્રારંભ થઈ ગયો છે. ટીએમસી હવે કોંગ્રેસ અને લેફ્ટીસ્ટ પાર્ટીના ગઠબંધન માટે ફાંફા મારે છે, પરંતુ મમતા સાથે હવે ન તો કોંગ્રેસનો હાથ છે ન તો સીપીએમનો સાથ. હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. હિન્દુ રાષ્ટ્રમાં, નિર્દોષ હિન્દુઓ પર અત્યાચારો, ભગવાન જય શ્રીરામ અને વંદેમાતરમ્નો વિરોધ કરવાની ગુસ્તાખી તેમને ભારે પડી રહી છે. ટીએમસી હવે બંગાળ ખોવાની તૈયારીમાં છે...!