રામદેવપીર : ઉત્તમ પુરુષની ભક્તિ જેવો કોઈ લાભ નથી. રામદેવપીર એક ઉત્તમ પુરુષ છે

    ૦૬-જુલાઇ-૨૦૧૯   

 
ઈશ્ર્વર પાસે અહંનો અંચળો ફેંકી દઈ એક નિર્દોષ, નિરપેક્ષ નગ્ન બાળકની માફક, નિર્દંભ દિગંબર ડીમ્ભની જેમ એની સમક્ષ ઊભા રહો. માગણની માફક હરગિજ નહીં ! ‘આ આપ; તે આપ’ની માગણવૃત્તિથી કદી નહીં. નશ્ર્વર જગતમાં તે નાટકી નટવરની રમતનું રમકડું થાય ને રહી ને જુઓ શી મજા આવે છે ! જગત કે જગદીશ કોઈની પાસે માંગણીની કશી જ કિંમત નથી, કદાચ બટકું મળે તો પણ તિરસ્કારથી, પરાયાની બુદ્ધિથી, વિશ્ર્વબાપની અનંત સમૃદ્ધિના વારસ હોવા છતાં, કોઈ અશરણ અનાથની માફક ભિખારીવેડા શેં આચરો છો ઊઠો, જાગો અને તમારા સ્વયંભૂ હકની જાણ સાથે એ અનાદિહકની ? વિશ્ર્વમ્ભર પરમાત્માની અનંત ઐશ્ર્વર્યભરી છાયામાં વિનમ્ર થઈ બાળભાવે બાંગ પુકારોને એની અખંડ યાદમાં નિર્ભય નચિંત થઈ મસ્ત વિચરો અને તમારી જન્મજાત બાદશાહીનો ઉપભોગ લો !

ભગવાન દ્વારિકાધીશનો અવતાર 

રંગ અવધૂતની આ વાણી. આપણી સંસ્કૃતિમાં આવા અનેક રંગ અવધૂતો થઈ ગયા, જેમણે જગતની ચેતનાને ઢંઢોળી છે. એમાંના એક એટલે રામદેવપીર, જેમણે હંમેશા પીર પડાઈ જાણી છે. રાજસ્થાનના રામદેવરામાં એમની સમાધિ છે, જ્યાં મને કથા કરવાનું સૌભાગ્ય મળેલું છે. રામચરિત માનસમાં રામનું નામ અનેકવાર આવે છે, દેવ શબ્દ પણ આવે છે અને કુલ અઢાર વખત પીર શબ્દ પણ પ્રયોજાયો છે. દરેકના હૃદયમાં એક રામદેવપીર જીવંત છે. સાડા છ શતાબ્દી પહેલાંથી શ્રદ્ધાજગત જેમને ભગવાન દ્વારિકાધીશનો અવતાર માને છે. મારી સમજ મુજબ આ આખુયે વિશ્ર્વ તીર્થ છે. જો કે આ તીર્થને આપણે મલિન કરી નાખ્યું છે. લગભગ ચોવીસેય તત્ત્વોને પ્રદૂષિત કર્યાં છે. પૃથ્વીને શાસ્ત્રમાં ગો એટલે ગાય કહેવામાં આવી છે. ગાયને આપણે તીર્થ કહીએ છીએ.
 

 

રામદેવપીર એક ઉત્તમ પુરુષ છે

રાજસ્થાન ધીર સંતગણ મીરાં, મહારાણા પ્રતાપ આદિ અનેક વીરપુરુષોની ભૂમિ છે. जेहि दिन राम जनम श्रुति गवहि । तीरथ सकल तहां चलि आवहिं ॥  જ્યાં રામકથા થાય છે ત્યાં બધાં તીર્થ હોય છે. ભાગવતજીમાં ઉદ્ધવના સંવાદમાં આવ્યું  ‘को लाभ?’ 'लाभौ भक्तिरुत्त्मा । ' ઉત્તમ પુરુષની ભક્તિ જેવો કોઈ લાભ નથી. રામદેવપીર એક ઉત્તમ પુરુષ છે. હું નાનો હતો ત્યારે ગામમાં રામદેવપીરનું આખ્યાન સાંભળવા જતો. રણુજાના રાજા અજમલજીના બેટા, વિરમદેના વીરા, રાણી નેતલના ભરથાર મારો હેલો સાંભળોજી રામાપીર.. આખી રાત હેલાની હેલીમાં ભીંજાયા કરતા. રામદેવપીરના નવરાત ઉત્સવ મનાવવામાં આવતા હતા. ચોવીસ પરચા અને ચોવીસ ફરમાન આપ્યાં હતાં. મને કેવળ સ્થૂળ ચમત્કારમાં રસ નથી. રોજ સવારે સૂરજ નીકળે એ મારા માટે ચમત્કાર છે. રોજ ફૂલ ખીલે એ બહુ મોટો પરચો છે. એક માણસ બીજા માણસને મળે એ બહુ મોટો મિરેકલ છે. જે ઘોડા પર બાબા બિરાજમાન હતા એ લીલુડો ઘોડો છે. લીલું એટલે હરિયાળા રંગનું. શબ્દકોશમાં ઘોડાનો એક અર્થ છે મન. માણસનું મન અશ્ર્વ છે. મન ચંચળ છે. આ દુનિયામાં જેનું મન હરિયાળું હશે, પવિત્ર હશે એના ઉપર બાબા આવીને બેસશે.

 એક પીપાજી ગયા છે.

નાના મોટા ચમત્કાર તો આજનું વિજ્ઞાન પણ કરી શકે છે. આ મહાન જ્યોતિએ અસ્પૃશ્યતાનો નિષેધ કર્યો. જેમણે વર્ણભેદ, ધર્મભેદ, અંધશ્રદ્ધાનો નાશ કર્યો. બાબા અજમલરાયને ઘરે ગયા, કારણ કે અજમલ ભક્તિ કરે છે. અજ એટલે અજન્મા ઈશ્ર્વર, મલ એટલે મેલ. જેમના જીવનમાં મેલ, ગંદકી ન રહ્યાં હોય એવા પવિત્ર ઘરે બાબા પ્રગટે છે. દ્વારકાધીશના પૂજારીએ તો કેવળ ટાળવા માટે કહ્યું, આ દરિયામાં જે જાય એ ભગવાનનાં દર્શન કરી શકે. સિંધુમાં રહે છે પરમાત્મા. તો પૂજારીને અજમલરાયે પૂછ્યું કે મારી પહેલાં કોઈ ગયું છે ? તો પૂજારીએ કહ્યું, હા, એક પીપાજી ગયા છે. કેવળ ટાળવા માટે જ કહ્યું અને અજમલરાયે વિશ્ર્વાસપૂર્વક એ વાતને પકડી લીધી. અને બધા કથાથી પરિચિત છો.
 
રામદેવપીરે તો સભ્યતાનો બહુ મોટો સંગમ કર્યો છે. એક બહુ જ મોટો મેસેજ આપ્યો છે સેતુનો, સમન્વયનો. પીર એટલે કિનારો, તીર. આપણને ડૂબવા ન દે. તારી દે. કિનારા પર લાવી દે.
 
हद मैं चले सो ओलिया बेहद चले सो पीर
हद अनहद दोनो चले उनका नाम फकीर 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી
 
 

 આ વીડિઓ જોવો તમને ગમશે...મોરારિબાપુના સુવિચાર